Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે 11 જૂન એટલે કે આજથી ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી અપાતા રાજ્યભરમાં લગભગ મંદિરો ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. દેવ દર્શન ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના મંદિરો ભક્તો માટે આજથી ખુલ્લા મૂકી દેવાયા છે. મંદિરોમાં તમામ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવીને ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
કચ્છનું સુપ્રસિદ્ધ માતાના મઢ મંદિર આજથી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. માતાના મઢ મંદિર ખુલતા જ સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. 2 મહિના બાદ માતાના મઢ મંદિરના દ્વાર ગાદિપતિ રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
દ્વારકાધીશ મંદિરના ખુલ્યા દ્વાર
બે મહિના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું યાત્રાધામ દ્વારકાધીશ મંદિર પણ આજથી ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે. ઉપરાંત જે ભક્તો પ્રત્યક્ષ દર્શને ન આવી શકે તેના માટે વેબસાઈટ પર ઓનલાઈન દર્શનની વ્યવસ્થા પણ કરાયેલી છે.
સોમનાથ મંદિર 61 દિવસ બાદ ખુલ્યુ
12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોર્તિલિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર આજથી ખુલી ગયું છે. સોમનાથ મંદિરમાં ભક્તોને રજિસ્ટ્રેશન કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સવારની આરતી બાદ આજે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. સોમનાથ મંદિર સવારે 7-30 થી રાત્રિના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 61 દિવસ બાદ ભાવિકો માટે દ્વાર ખુલ્યા.#somnath pic.twitter.com/6lOB7xiOtT
— thechabuk (@thechabuk) June 11, 2021
કાગવડનું ખોડલધામ મંદિર ખુલ્યુ
સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ મંદિર પણ બે મહિના બાદ આજે ખુલ્યું છે. ખોડલધામ મંદિરમાં પણ સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે. 50થી વધુ ભક્તો એક સાથે એકઠાં ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ધ્વજારોહણમાં પણ 50 ભક્તોને જ એકઠાં થવાની છૂટ આપવામાં આવેલી છે. ખોડલધામ મંદિર સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.
90 દિવસ બાદ પાવાગઢમાં ભક્તોને પ્રવેશ
રાજ્ય સરકારે આપેલૂ છૂટ બાદ આજે 90 દિવસ બાદ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ છે. પ્રથમ દિવસે જ પાવગાઢના આહ્લાદક દ્રશ્યો વચ્ચે ભક્તો પ્રત્યક્ષ દર્શન માટે પહોંચી રહ્યા છે. પાવાગઢ મહાકાળી માતાના મંદિરમાં સવારે 6 વાગ્યાથી સાંજના 7-30 વાગ્યા સુધી ભક્તોને દર્શન માટેની છૂટ આપવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન સાથે ભક્તો દર્શન કરી રહ્યા છે.
સાળંગપુર મંદિર ખુલ્યુ
બોટાદ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આજે સવારથી ભક્તો માટે ખોલી દેવાયું છે. મંદિર વહિવટીય વિભાગ દ્વારા દર્શને આવતા ભક્તો માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. બે મહિના બાદ હનુમાનજી દાદાના દર્શન થતાં ભક્તોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ ભકતો માટે ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરના દ્વાર પણ આજથી ખૂલી ગયા છે. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના દ્વાર પણ આજથી ખુલ્યા છે.
શામળાજી મંદિર પણ આજથી ભક્તો માટે ખોલી દેવાયું છે. સરકારની ગાઈડલાઈન મુજબ શામળાજી મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિર દર્શન માટે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
ભવનાથ મહાદેવ મંદિર ખુલ્યુ
જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. ગત 14 એપ્રિલથી બંધ ભવનાથ મહાદેવ મંદિર આજથી ખુલતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આ ઉપરાંત ચોટીલાનું ચામુંડ માતાનું મંદિર પણ આજથી ભક્તોના દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત