Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલમાં સિંહની પજવણીના વીડિયો ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં જ સિંહની પજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો. સાસણમાં ત્રણ સિંહોની પજવણી કરતા કેટલાક વીડિયો પંદર દિવસ પહેલાં વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા ત્રણ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાસણ ગીર વિસ્તારમાં પાંચથી છ વ્યક્તિ સિંહની પાછળ કાર દોડાવી પજવણી કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. વાયરલ વીડિયોમાં બે કાર સિંહની પાછળ ચાલી રહી છે. જેમાં એક કાર પર એક યુવક બેસેલો નજરે પડે છે. કારની આગળ ત્રણ સિંહ પણ જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે સિંહની પાછળ કાર ચલાવી અને લાઈટ ફેંકી પજવણી કરવામાં આવી હતી. ગુનો નોંધી ત્રણેય યુવકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
સાસણમાં સિંહની પજવણીના વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગની કામગીરી પર સવાલો ઊઠ્યા હતા. વનવિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ હાથ ધરી હતી અને ત્રણ વ્યકિતઓની ઓળખ કરી પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્રણેય સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સાસણ ગીરમાં સિંહની પજવણી માટે વનવિભાગ દ્વારા જયપાલસિંહ ચૌહાણ, રઘુરાજસિંહ ચૌહાણ અને રાહુલ રાજપુરોહિત નામના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, સિંહ પજવણીના જે વીડિયો સામે આવ્યા હતા તેમાં છ લોકો સામેલ હતા. જેમાંથી સિંહની પજવણી કરનાર ત્રણ શખ્સોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેઓની વિરુદ્ધ બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશવા મુદ્દે દંડ વસૂલવામાં આવ્યો છે અને સિંહની પાછળ કાર દોડાવવા બાબતે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ