ડુંગરથી દડતી,ઘાટ ઉતરતી,પડતી ન પડતી આખડતી,
આવે ઊછળંતી,જરા ન ડરતી,ડગલાં ભરતી,મદઝરતી,
કિલકારા કરતી,જાય ગરજતી,જોગ સરજતી,ઘોરાળી,
હીરણ હલકારી,જોબનવાળી,નદી રૂપાળી નખરાળી…
આંકડિયાવાળી,હેલળિયાળી,વેલ્યુંવાળી,વખવાળી,
અવળા આંટાળી,જામી જાળી,ભેખડિયાળી,ભેવાળી
તેને દઈ તાળી,જાતા ભાળી,લાખ હિલ્લોળી,નખરાળી,
હિરણ હલકારી,જોબનવાળી,નદી રૂપાળી,નખરાળી…
આંબા આંબલીયું,ઉંબ-ઉંબરિયું,ખેર-ખીજડિયું બોરડિયું,
કેહુડા-કળિયું,વા-વખરિયું,હેમની કળિયું,આવળિયું,
પ્રથવી ઊતરિયું,સરગી પરિયું,વળિયુંવાળી,જળધારી,
હીરણ હલકારી,જોબનવાળી,નદી રૂપાળી,નખરાળી…
રાણ્યુ-કદંબા,લઈ અવડંબા,ધૂડ ધડંબા,જળબંબા,
કરી કેશ કલબા,બીખરી લંબા,જય જગદંબા,શ્રી અંબા,
દાદલ દિલરંગી,છંદ ત્રિભંગી,બની ઉમંગી,બિરદાળી,
હીરણ હલકારી,જોબનવાળી,નદી રૂપાળી,નખરાળી.
– કવિ દાદ
ઉપરની કવિતા લખનારા કવિ દાદે આજની હિરણ જોઈ નથી. આજે હિરણના એવા દિવસો નથી જેવા કવિ દાદે લખ્યા હતાં. વર્ષે ચોમાસામાં એક વખત દાદે વર્ણન કર્યું તેવી હિરણ લાગે, પણ સાસણનાં પાદરમાંથી નીકળતી 40 કિલોમીટર લાંબી આ નદીને બીજી ઘણી જગ્યાએ મુલાકાત લેવાની હોવાથી સાસણમાંથી ફટાફટ તેના ભેંકાર રૂપનું વિલોપન થઈ જાય છે. પછી બે ડેમ પર તે પોતાનું સૌંદર્ય સ્થાપે. જેથી પીવા લાયક પાણીનો સંગ્રહ થઈ શકે. ત્યાંથી વિકરાળ રૂપ લઈ જંગલમાંથી લાકડાઓ સાથે ધસમસતી તાલાલા ગિરમાં આવે. એક ફાંટો સોમનાથ બાજુ જાય. જ્યાં ભાલકા તીર્થ પાસે હિરણ નદી બીજી બે નદીઓ સાથે મળી જાય. પણ આ બધું મોટાભાગે ચોમાસામાં જોવા મળે. ભારે તડકો હોય તો ઉનાળામાં નદી સુકાઈ જાય છે. શેવાળ દેખાવા લાગે છે. ઉનાળામાં આ જ હાલત તાલાલામાંથી પસાર થતી હિરણની પણ થાય છે. એટલી કોરી દેખાય કે ત્યાં નજીકમાં આવેલા મેદાનમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય. પ્રવાસીઓને પણ કવિ દાદનું વર્ણન ખોટું લાગે. કવિ દાદનું વર્ણન ખોટું બિલકુલ નથી. એમણે જે સમયે કવિતા લખી ત્યારે પૃથ્વી પર સમતોલન હતું. આજે એ સમતોલન દેખાતું જ નથી. આખી હિરણ તો મેં જોઈ નથી, પણ હિરણ તાલાલામાં ત્રણે ઋતુ દરમિયાન કેવી લાગે એ મેં જોયું છે.

અમારા પાડોશમાં રહેતા એક ભાઈના સગા ચોમાસા પછી હિરણ નદી પાસે હળવા થવા ગયેલા. હળવા થવાની ક્રિયા તેના અંતિમ ચરણમાં જ હતી ત્યારે એક મગરમચ્છે તેમના પર હુમલો કરી દીધો. હળવા થવાનો એક ભાગ તે ડિસ્કાઉન્ટ રૂપે લઈ ગઈ. શૌચાલય આ માટે પણ જરૂરી છે !
ચોમાસાથી હિરણ નદીની શરૂઆત કરીએ. માનવ વસાહતમાં અને જંગલ વિસ્તારમાં ચોમાસુ અલગ અલગ હોય છે. શહેર અને ગામડાંની જેમ તેમાં પણ મતભેદ પ્રવર્તે છે. ચોમાસુ બરાબરનું જામે એટલે બધું પાણી નદીમાં એકઠું થાય અને ત્યાંથી લાકડાઓના ભારાઓને લઈ હિરણ આવે. જંગલના લાકડાઓ પાણીની થપાટ અને ઠેબા ખાતા ખાતા આગળ વધતા હોય.
ચોમાસામાં તાલાલાના શ્રીબાઈ આશ્રમ નજીક આવેલા રમળેચી પુલની નીચેથી પૂર આવે ત્યાં પુલ પર તેને જોવા માનવ મેદની એકઠી થાય. વર્ષો પહેલાંની વાત છે. એક સાધુ મહાત્મા નદીની વચ્ચોવચ વિશ્રામ કરતાં હતા. ઘણાએ તેમને કહ્યું પણ ખરું કે ચોમાસાના ટાણે અહીં ન બેસાય, કારણ કે ગાંડી ગ્યરમાં હિરણ ગાંડી થઈ છે. પણ એ માન્યા નહીં. થોડી વારમાં અવાજ આવ્યો. હિરણ નદીનો ! એમણે ભાગવાની ખૂબ કોશિશ કરી પણ એ સાધુને સાથે લઈ હિરણ વહી ગઈ.

હિરણ નદી જ્યારે ગીરમાંથી તાલાલામાં પ્રવેશ કરે ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓ લઈ આવે છે. તો કેટલીક વસ્તુઓમાં પરિવર્તન કરતી આવે છે. એક વિશાળ પટમાંથી જ્યારે નદી ધસમસતી આવતી હોય ત્યારે વચ્ચે આવતા મહાકાય પથ્થરોને પણ તે દૂર ફેંકી દે છે. તેની જગ્યાએથી હલાવી નાખે છે. આઠ મહિનાનું પથ્થરનું અભિમાન આંખ સામે ઓગળતું હોય તેવું લાગે. પછી તેમાં ઘણી વસ્તુઓ સાસણ અને ગીરના જંગલમાંથી આવે. ખાસ અગાઉ વાત કરી તે લાકડાઓ આવે.
2000ની સાલમાં મેં જોયું હતું. એક સીદી બાદશાહે રૂપિયાની લાલસામાં હિરણમાં ધુબાકો માર્યો હતો. નદીમાં પડવું તેને સોરઠી ભાષામાં ધુબાકો માર્યો કહેવાય. પછી હિરણમાંથી તેણે લાકડું કાઢ્યું. તરતો તરતો એક ખૂણામાંથી ઉપર આવી ગયો. આ વાત મેં આજથી વીસ વર્ષ પહેલાં લખી હોત તો નરી આંખે ન જોનારાઓ ન માનેત. હવે તો સીદી બાદશાહોના નદીમાં ભૂસકા મારતા વીડિયો જોઈ તમને પણ વિશ્વાસ આવી ગયો હશે !
હિરણ તેની સાથે કુદરતી સંપદામાં લાકડા પછી મગરમચ્છો લઈ આવે. કેટલીક મગરમચ્છો તાલાલામાં જ ટકી જાય. પણ એ એવી મગરમચ્છો હોય જે હિરણનું જોર ઓસરતા આવી હોય.
હિરણની લંબાઈને જોતા મગરો છેક ખીરધાર ગામે જતા પુલની નીચે આરામથી પડી હોય. કોઈ એને વતાવે નહીં. એ કોઈને વતાવે નહીં. પણ કોઈ નજીક આવે તો છોડે પણ નહીં. ચોમાસા પછી ભાદરવાના તડકામાં એ મગરમચ્છો સફેદ કલરની થઈ જાય. જુઓ તો કોઈ કામઢા કસાયેલા કલાકારે બનાવેલી મૂર્તિ જ લાગે.

ઘણા હિરણને વહેતી આવતી જોઈ તેને કોઈ મોટા માણસની ચા પણ કહે. તેનું સ્વરૂપ જ એવું હોય. તાલાલામાં હિરણ નદીની નજીક એક ઘર આવેલું. બે માળનું. જાણે કોઈ ફરવા લાયક ડેસ્ટિનેશન હોય. હિરણ નદી ત્યાં પહોંચતી ત્યારે ઘરનો નીચેનો ભાગ પાણીથી ભરાઈ જતો. એ જગ્યાની નજીક જ વડલો આવેલ. તે સાર્વજનિક પ્લોટ જેવું પણ તેમાં વચ્ચે ઘેઘુર વડલો હોવાથી તે જગ્યાનું નામ વડલો પડી ગયું. હિરણથી બચવા માટે ઢોર ત્યાં ભેગા થઈ જાય. બધા જાનવરો વડલાની છાયામાં પાંદડામાંથી સરકીને આવતા મંદમંદ પાણીના ટીપાઓથી ભીંજાતા હોય. ઉપર બે સમડી ઝઘડતી ઝઘડતી આવી જાય તો તો વાત પૂરી. વડલાના મંદ પાણીને પણ પુરમાં બદલી દે.
વાત તો હજુ વડલા બાજુની જ થાય છે. એક વાર હિરણમાં એક કૂતરો અને ભૂંડ તણાયા. ભૂંડ માણસથી જ એટલું ડરી ગયેલું હોય કે તે કોઈ દિવસ પાસે આવે નહીં. કૂતરો આવે. આ બંન્ને તણાતા પ્રથમ કૂતરાને બોલાવ્યું, તો તે અવાજની દિશામાં તરતું તરતું આવી જતા બચી ગયું. ભૂંડને બોલાવવા છતાં તે વિરૂદ્ધ દિશામાં ગયું. જેથી તણાઈ ગયું. ભૂંડને લોકો ઘર આંગણેથી તગેડી મુકે. આવું રોજ થાય. જાનવરનું પણ એક સન્માન હોય છે. વારેવારે આવું થાય તો એ મરવાનું પસંદ કરે છે, નહીં કે તમારી પાસે આવવાનું ! પરિણામે નદી કેટલાંક જાનવરોને પણ તાણી જાય છે.
ચોમાસામાં વિકરાળ બની વહેતી હોય ત્યારે મેલડી માનું મંદીર અડધુ ડુબી જાય. વડલાની સામેથી એ મંદીર થોડુ અમથુ દેખાય. જ્યારે પાણી ઓસરી જાય ત્યારે મંદીર બહાર નીકળે. કેવું કહેવાય…. એ મંદીર તો હોય એવું ને એવું જ હોય. અમે નાના હતા ત્યારે ઘણા લોકોએ અફવા ફેલાવી હતી કે ત્યાં તો ભૂત થાય છે. અમે આ અફવાને અવગણીને પણ ત્યાં જતા. એ ભૂતથી મને કે મારા મિત્રોને હજુ સુધી કંઈ થયું નથી.

બીજા દિવસે નદીનું પૂર થોડું શાંત થાય. પછી તે ખળખળ ખળખળ વહેવા લાગે. તેનું વહેવું સ્પષ્ટ સંભળાય. જાણે કોઈ ધીમે ધીમે બોલતું હોય. પણ આપણને સમજાય નહીં. ત્રીજા દિવસે પાણી વધારે ઓસરે. એકાદ અઠવાડિયા પછી હિરણના આશિર્વાદને પામવા લોકો તૂટી પડે.
સ્ત્રીઓ કપડાં ધોવા માટે જાય. રમળેચીના પુલની બીજી બાજુ આવેલી નદીમાં ઢોર જેને ત્યાં ડોબા કહે તેને લઈ પાણી પીવડાવવા અને નવડાવવા આવે. વચ્ચેના ભાગમાં હિરણની તાકાત ઓસરી હોય. પથ્થરો તેને જકડી રાખે. ત્યાં નાનો એવો કુંડ બની જાય અને છોકરાઓ ત્યાં કલાકો સુધી સ્નાન કરવા અને રમવા માટે આવે. પુરુષો નદીની વચ્ચે આવેલા રોડ જેવા પટમાં ગાડી ધોવા માટે આવે. એ આનંદ તો મેં પણ ઉઠાવ્યો છે.

માછીમારો પણ મીઠા જળની માછલીને પકડવા માટે આવે. તેને જોવા માટે ભીડ એકઠી થઈ હોય. એક મોટો જાળ પાથર્યો હોય. એ જાળમાં કલાકો સુધી માછલી પકડનારો રાહ જુએ. જો જરાક અમથો અવાજ થાય તોપણ માછલીને ભનક લાગી જાય અને તે ભાગી જાય. છોકરાઓ અવાજ કરે તો પેલો માછીમાર ડારો આપે. બે ત્રણ કલાકની મહેનત લાગે. પકડાય પણ અને ન પણ પકડાય. આવું જ એક દ્રશ્ય મારી આંખ સામે બનેલું.
એક સીદી બાદશાહનો છોકરો આવ્યો. સાકીર નામ. તેણે અવાજ કરતાં માછીમાર તેના પર કોપાયમાન થયો. બાદશાહના તે છોકરાએ ગુસ્સામાં શર્ટ ઉતારી માછીમારની જાળ પાસે જ ધુબાકો માર્યો. થોડી વખત પછી હાથમાં માછલી લઈ તે બહાર આવ્યો. તેણે માછીમાર સામે જોયું અને હસતો હસતો નીકળી ગયો. દરેક વખતે ધીરજ કામ નથી લાગતી. કોઈવાર તકને હડપવા માટે યુદ્ધ મેદાનમાં કુદી જવું જોઈએ.

પછી પાણી ખૂંટતું જાય. શેવાળ થતી જાય. નદી ઉપર ઊંચુ ઘાસ ઉગતું જાય. કોઈવાર તેમાં સાપ જોવા મળે. પાણીમાં સાપની એક પ્રજાતિ જેને ડેન્ડો કહે. લોકો તો સમજાવે પણ ખરાં કે એ કરડે તો ખાલી ચક્કર આવે, ‘મરી ન જઈએ.’
શિયાળામાં નદીનું પાણી ટાઢા ટબુકલાની યાદ અપાવે. વર્ષ 2002 હતું, સવારમાં સાત વાગ્યાનાં ટાણે બધાના ઘરમાં એકસામટી રામધુન વાગે. ભેંસ માલધારીઓનાં ઘરમાંથી અને ગાયો ગૌશાળામાંથી બહાર નીકળે. પોદરાઓ રસ્તામાં ચીતરામણી કરતાં પડ્યા હોય. તેમાંથી બચતા બચતા નીકળતા રસ્તામાં ચાલીને જાઉં તો હિરણ પર ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હોય. કોઈ કોઈવાર નવેક વાગ્યા સુધી એ દ્રશ્ય જોવા મળી જાય.

મને યાદ છે. હિરણને વહેતા વર્ષો સુધી જોઈ. હું જ્યાંથી એ નદીને જોતો ત્યાં એક વિશાળ પથ્થર પડ્યો હતો. તેમાં ઘણા કાણા હતા. એ પથ્થર બાળકો માટે ક્રિકેટનો સ્ટમ્પ બનતો. પાંચ ફૂટની ઉંચાઈના માણસની કમર જેટલો. બાળકો તેને ધક્કો મારતા અને જ્યાં સ્ટમ્પ રાખવી હોય ત્યાં રાખી ક્રિકેટ રમતાં. હિરણે કોઈ દિવસ એ પથ્થરને ત્યાંથી હડસેલ્યો નહીં. ચોમાસામાં તો તેનાથી પણ મોટા પાણા હિરણ હટાવી દેતી, પણ એ પથ્થર નહીં. પૂર આવે તો બાળકો પ્રાર્થના કરતાં હોય કે, ‘એ પાણો નો હટે.’ જો ઘણા બધાનું મન હોય તો હિરણ તેનું માન પણ રાખે છે.