ઝાલાવાડી જલજીરા: 2000ની સાલમાં સ્કૂલમાં બાળકો અભ્યાસ કરતા અને 15મી ઓગસ્ટ આવતી ત્યારે એક અનોખું ઉદ્યમ કરતા હતા. એ ઉદ્યમ એટલે બોર્ડર ફિલ્મનું નાટક. દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનાં રોજ દરેક સ્કૂલનાં પટાંગણમાં બોર્ડર ફિલ્મ ભજવાતી હતી, પણ ત્રણ કલાકની ફિલ્મ ભજવવા કરતાં સીધું યુદ્ધ થતું અને કથાનો ધ એન્ડ થતો. ભારત જીતતું અને પાકિસ્તાન હારતું.
21મી સદીના ડિઝીટલ યુગમાં એ વસ્તુ ખોવાઈ ચૂકી છે. એક બાળકના માનસપટ પર દેશભક્તિ અને તે પણ ફિલ્મ થકી કેવી અસર ઉપજાવે છે તે અહીં દેખાતું હતું. 1997માં રિલીઝ થયેલી બોર્ડર ભારતીય સિનેમાની સર્વશ્રેષ્ઠ વોર ફિલ્મ છે. 2019માં રિલીઝ થયેલી ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક ટેક્નોલોજીની દૃષ્ટિએ અને કન્સેપ્ટના મામલે અવ્વલ આવે, પણ ફિલ્મમાં જે બોર્ડર પરની ફિલીંગ હોવી જોઈએ તે બસ બોર્ડરમાં જ છે. જે.પી.દત્તાએ પોતાની કરિયરમાં બોર્ડર ફિલ્મ સિવાય કોઈ ફિલ્મનું નિર્માણ કર્યું ન હોત તો પણ તેમનું નામ હિન્દી સિનેમાની યુદ્ધ ફિલ્મોની શ્રેણીમાં સુવર્ણ અક્ષરે લખાત.
આ ફિલ્મ માટે જે.પી.દત્તાએ એ સમયના પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ પાસેથી પરમિશન માગેલી. એવું કહેવાય છે કે નરસિમ્હા રાવ બોલેલા, ‘આ ફિલ્મ તો બનવી જ જોઈએ.’ ખાસ ડાયરેક્ટર જે.પી.દત્તાની સિક્યોરિટી વધારવામાં આવેલી હતી. ફિલ્મ માટે અક્ષય કુમાર, અજય દેવગન, શાહરૂખ ખાન, આમિર ખાન, સંજય દત્ત અને મનીષા કોઈરાલા જેવા 90ના દાયકાના દિગ્ગજ કલાકારોની પસંદગી કરવામાં આવી હતી, પણ કોઈ આ ફિલ્મની કાસ્ટ ન બન્યું. કહેવત છે કે જે થાય તે સારા માટે જ થાય છે અને ફિલ્મનાં નસીબમાં પણ જે લખાયું હતું તે સારું જ લખાયું હતું.
લોંગેવાલા પોસ્ટ
1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની કહાની છે. યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે અને મેજર કુલદીપ (સન્ની દેઓલ) ને લોંગેવાલા પોસ્ટ સંભાળવાની છે. જેમાં મેજર કુલદીપને તેની અપેક્ષા કરતા ઓછા સૈનિકો આપવામાં આવે છે. મેજર કુલદીપ પણ નિરાશ છે આમ છતાં તે પોતાની બટાલિયન સાથે લોંગેવાલાની પોસ્ટ સંભાળી લે છે. જ્યાં બીએસએફ ઓફિસર ભૈરો સિંહ (સુનીલ શેટ્ટી) છે. સેકન્ડ લેફ્ટનેન્ટ ધર્મવીર સિંહ ભાન છે. જેના પિતા યુદ્ધમાં શહીદ થયા હતા. જો લોંગેવાલાની પોસ્ટ પર હુમલો થાય તો બેકસપોર્ટ માટે વિંગ કમાન્ડર એન્ડી બાજવા છે. બાજવા માત્ર દિવસે જ સપોર્ટ કરી શકે છે રાત્રે હુમલો થાય તો તેની પાસે હથિયાર હોવા છતાં કંઈ કામના નથી. અને આવી કશ્મકશ વચ્ચે 1971ના યુદ્ધની સત્યકથા બોર્ડર શરૂ થાય છે.
બોર્ડર પર ડાયરેક્શન
જે.પી.દત્તા પોતાની કરિયરમાં વૉર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે પહેલી ફિલ્મ સરહદ બનાવેલી જે કોઈ દિવસ રિલીઝ ન થઈ. એ પછી બોર્ડર તેમનો મેગા પ્રોજેક્ટ હતો. ફિલ્મ સત્યકથા પર આધારિત છે. મેજર કુલદિપ સિંહ જેનો રોલ સન્ની દેઓલે પ્લે કરેલો તેમનું 17 નવેમ્બર 2018માં નિધન થયું હતું.
ફિલ્મને જીવંત રાખવા જે.પી દત્તા ઓડિયન્સ સાથે ફિલીંગ ફેક્ટરને સેકન્ડનાં સોમાં ભાગમાં જોડી દે છે. જેથી જનતા અને આર્મી વચ્ચે પણ થીએટરમાં લાગણીનો સેતુ રચાય. તેમની તમામ ફિલ્મોના કલાકારનું એક બેકગ્રાઊન્ડ હોય છે. જેના કારણે છેલ્લી ફિલ્મ પલટનને છોડતા બાકીની તમામ ફિલ્મો ડ્યુરેશન પ્રમાણે ઘણી લાંબી રહી. એલઓસી કારગીલ તો ચાર કલાકની ફિલ્મ હતી. બોર્ડર ત્રણ કલાક અને છ મિનિટની ફિલ્મ છે.
બોર્ડરમાં જે.પીની ખાસિયત એ રહી છે કે, તેણે આટલા બધા કલાકારોને લઈને પણ રસોઈ બગડવા ન દીધી. મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવી અને તેમાં પણ વોર ડ્રામાને ક્રિએટ કરતા સમયે ફિલ્મ બગડી જવાની પૂરી સંભાવના રહે છે. હોલિવુડમાં તેના અઢળક ઉદાહરણો છે. ખુદ જે.પી પલટનમાં લપસી ગયા હતા. જોકે જે.પીના કિસ્સામાં બોર્ડર ફિલ્મમાં આ મામલે નર્યો શૂન્યઅવકાશ છે.
ફિલ્મનો લીડ સ્ટાર કુલદીપ સિંહને જ ગણવો રહ્યો. તે ગણ્યાં ગાઠ્યા સૈનિકોને લઈ બોર્ડર પર યુદ્ધ જીતવા માટે નીકળ્યો છે. એક શીખ આર્મી ઓફિસરનો કેવો રૂઆબ હોય છે તે કોઈ પણ કલાકારે પ્લે કરતા પહેલા સન્ની દેઓલને જોવો જ પડે. અક્ષય ખન્નાના કિરદારમાં જે.પીએ એક સુંદર વસ્તુ દર્શાવી છે. ભલે તે આર્મીનો એક સૈનિક છે પણ તેના શરીરની અંદર એક કોમળ હ્રદય છે. હું કોઈને શા માટે મારું ? પણ કુલદીપ સિંહ તેને સમજાવે છે અને ડાઈલોગ ફટકારે છે કે, આ શહીદ મેજર ભાનનો દીકરો ન હોય શકે. આટલું ઝીણવટપૂર્વક જે.પી એટલા માટે ડાયરેક્ટ કરી શક્યા, કારણ કે તેમના ભાઈ એરફોર્સમાં હતા.
આખરે બોર્ડર પર જે પ્રકારની પરિસ્થિતિ થાય છે તે મુજબ જ ફિલ્મ ભાગે છે. એક એક કલાકારને તેનું બેકગ્રાઊન્ડ યાદ આવ્યા કરે છે. ઘરની યાદ સતાવ્યા કરે છે. વચ્ચે ગીતોથી એન્ટરટેઈનમેન્ટ ઉમેરાયા કરે છે. ફિલ્મ સાવ નિરસ ન બની જાય આ માટે મહાભારતમાં દુર્યોધન બનતા પુનીત ઈસ્સાર અને કુલભૂષણ ખરબંદા વચ્ચે કોમેડી દર્શાવવામાં આવી છે. પણ જે.પી દત્તાએ પૂરી ફિલ્મમાં સર્જેલા બે બેસ્ટ સીનને યાદ કરવાં પડે.
સીન નંબર એક. મથુરાદાસનું ઘરે જવું અને કુલદિપ સિંહનું તેને ટોકવું. આ સીનમાં તમામ સૈનિકો સામે અપમાન મથુરાદાસનું નથી થઈ રહ્યું, પણ કાળજે ઘા કુલદિપ સિંહને લાગી રહ્યો છે. એક તો ટુકડી ઓછી અને તેમાં એક સારો સૈનિક ઘરે જઈ રહ્યો છે. જો કે મથુરાદાસનું કમબેક ઓડિયન્સને એ સમયે થીએટરમાં ચીચીયારીઓ પાડવા માટે મજબૂર અચૂક કર્યું હશે.
ખાસ સુનીલ શેટ્ટીના શહીદ થવાનો સીન અબ્દુલ હમીદની યાદ અપાવે છે. જેણે 1965નાં યુદ્ધમાં પાકિસ્તાનની ટેન્કો ઉડાવી દીધી હતી. જો કે એ દ્રશ્યમાં જે.પી.દત્તાએ ઓવર સિનેમેટિક લિબર્ટીનો ઉપયોગ કર્યો હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે.
એક બીજા સીનમાં પણ મથુરાદાસ જ છે. જે ધરતીને પોતાની માતા ગણતા ભૈરોવ સિંહ સામે ઝઘડી પડે છે. અને ભૈરોવ સિંહ જેની આંખમાં માત્ર આંસુ જ નથી આવ્યા તેવા સંવાદે ગળગળો થઈ બોલી ઉઠે છે, ‘યે ધરતી મેરી માં હૈ, ઓર યે કહેતા હૈ યે સિર્ફ બંજર હૈ, યે સિર્ફ બિચ્છુ ઔર કાંટે પેદા કરતી હૈ.’ આવા તો કંઈ કેટલાય યાદગાર સીન બોર્ડરે ત્રણ કલાકમાં આપ્યા છે.
રોલનું અહીંથી તહીં
હવે રોલની વાત કરી લઈએ. સંજય દત્તને ફિલ્મમાં સાઈન કરવામાં આવ્યો હતો પણ બાદમાં કોઈ કારણોસર જેકી શ્રોફે તેને રિપ્લેસ કરી નાખ્યો. જુહી ચાવલાને તબ્બુનો રોલ પ્લે કરવાનો હતો પણ તે આટલો નાનો રોલ કરવા નહોતી ઈચ્છતી. મનીષા કોઈરાલાને સાઈન કરી પણ બાદમાં તે કોઈ કારણસોર ફિલ્મમાંથી નીકળી ગઈ. શાહરૂખ, સલમાન, આમીર, અક્ષય, અજય અને સૈફ આ તમામ અભિનેતાઓને અક્ષય ખન્નાનો રોલ એક એક વખત એપ્રોચ કરવામાં આવ્યો હતો. સલમાને સ્વીકાર્યો નહીં, આમિર ખાન ઈશ્ક ફિલ્મમાં વ્યસ્ત હતો, અક્ષય કુમારે શા માટે ઠુકરાવી તેનું આજ સુધી કારણ સામે નથી આવ્યું, અજય દેવગન કોઈ મલ્ટિસ્ટારર ફિલ્મમાં કામ કરવા નહોત ઈચ્છતો. સુનીલ શેટ્ટીએ પણ પ્રથમ વખત તો ના જ પાડી દીધી હતી, પણ બાદમાં તે તૈયાર થઈ ગયો. જે.પી.દત્તાની ખૂબ ઈચ્છા હતી કે આમીર ખાન આ ફિલ્મમાં સેકન્ડ લ્યૂટનન્ટ ધરમવીરનો રોલ પ્લે કરે, કેમ કે તે માસૂમ દેખાતો હતો. જોકે અંતે અક્ષય ખન્ના પાસે રોલ ગયો.
7 મિનિટમાં ગીત રેકોર્ડ
અનુ મલિકે આ ફિલ્મના સુપરહિટ ગીત સંદેશે આતે હૈની ટ્યૂન માત્ર સાત મિનિટમાં બનાવી દીધી હતી. જો કે એ ફિલ્મમાં પછીથી આવી. જાવેદ અખ્તરે બે કે ત્રણ અંતરામાં કામ નહીં પતે આમ માની લાંબું ગીત લખ્યું અને પછી ફિલ્મમાં રેકોર્ડ થયું. મેરે દુશ્મન મેરે ભાઈ ગીતને 45મો નેશનલ એર્વોડ મળ્યો હતો. તો ચલુ.. એ સમયનું સૌથી હાર્ટ બ્રેકિંગ સોંગ બન્યું હતું. બોલિવુડ માટે ઉક્તિ છે કે ગાના હીટ તો પિક્ચર સુપરહિટ. બોર્ડરને ગીતો પણ ફળ્યા અને ફિલ્મ 1997ની સૌથી વધારે કમાણી કરનારી બની ગઈ. ચાલો ત્યારે…. જય હિન્દી… વંદે માતરમ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત