Homeગુર્જર નગરીકોંગ્રેસના ધારાસભ્યએ સરકારને પૂછ્યું, અદાણી પ્રત્યે આવો પ્રેમ કેમ ?

કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને પૂછ્યું, અદાણી પ્રત્યે આવો પ્રેમ કેમ ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભામાં મંગળવારે બજેટ સત્ર પર ચર્ચાનો છેલ્લો દિવસ હતો. આ વર્ષે બજેટ સત્રમાં ચર્ચા દરમિયાન ગુજરાત સરકારની અનેક પોલ છતી થઈ છે. વધતી ગરીબી, બંધ થતી સરકારી શાળાઓ, શાળાઓમાં ઓરડાની અછત, રોજગારી વગેરે મુદ્દે સરકારને વિધાનસભામાં નીચું જોવાપણું થયું છે. ત્યારે ગઈકાલે મંગળવારે અદાણી પાવરને 2 હજાર કરોડ વધારે આપી દીધા હોવા મુદ્દે સરકાર પર આરોપ લાગ્યા છે. વિપક્ષે સરકારની આવી નીતિઓની ઝાટકણી કાઢી હતી.

વિધાનસભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે, ગુજરાત સરકારે અદાણી પાવર સાથે 25 વર્ષ માટેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો છે તેમ છતાં વચગાળાનો ભાવ વધારો આપીને રૂપિયા 2 હજાર કરોડ વધારે ચૂકવ્યા છે. લોકોના ટેક્સમાંથી સરકારે અદાણી પાવરને આ લ્હાણી કરી છે. તેથી વધારાની 2 હજાર કરોડની રકમ અદાણી પાવર પાસેથી પરત વસૂલવામાં આવે અને જે અધિકારીઓ આ મામલે જવાબદાર હોય તેઓની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે.

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે સરકારને વિધાનસભામાં આ મુદ્દે ઝાટકી હતી અને ધારદાર સવાલો પૂછ્યા હતા. પૂંજા વંશે સરકારને આ મુદ્દે ઘેરતા કહ્યું કે, ‘સરકારે કોલસા આધારિત વીજ ઉત્પાદન કરતી ત્રણ કંપનીઓ સાથે વીજળી ખરીદવા માટેના કરાર કર્યા છે. જે પૈકીની અદાણી પાવર કંપનીએ કોલસાનો ભાવ વધ્યો હોવાથી પરવડતું ન હોય ભાવ વધારો કરી આપવા અરજી કરી હતી. કંપનીની અરજી બાદ સરકારે હાઈપાવર કમિટી બનાવીને ભાવ વધારો કરી આપ્યો હતો. ઉર્જા વિભાગે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સુધાર્યો તો અદાણીએ પાછલી તારીખથી ભાવ વધારો માગ્યો અને સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. વિવાદ વકરતાં સરકારે આખો કરાર જ રદ કરી નાખ્યો. કરાર સુધારાને રદ કર્યો તે બે વર્ષમાં સરકારે અદાણી પાવરને 2 હજાર કરોડ વધારે ચૂકવીને વીજળીની ખરીદી કરી છે.’ પૂંજા વંશે આગળ સરકારને સવાલ કર્યો કે, ‘જો અદાણી પાવર કંપનીએ નફો કર્યો હોત તો સરકારને વિકાસ માટે વધારાના રૂપિયા આપત ? અદાણી પાવર કંપની પ્રત્યે આવો પ્રેમ કેમ ?’

48 ટકા વીજળી અદાણી પાવર પાસેથી ખરીદી

ગુજરાત વિધાનસભામાં સરકારના ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વર્ષ 2019-2020ના નાણાકીય વર્ષવાર વીજળી ખરીદીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ આંકડા મુજબ વર્ષ 2018-19 અને 2019-20ના બે વર્ષ દરમિયાન સરકારે રૂપિયા 17,548 કરોડની વીજળી પાંચ ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી સરકારે સૌથી વધુ વીજળી અદાણી પાવર લિમિટેડ પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. કુલ 17,548 કરોડની વીજળીમાંથી સૌથી વધુ 48 ટકા વીજળી સરકારે અદાણી પાવર લિમિટેડ પાસેથી ખરીદી છે. બે વર્ષમાં ગુજરાત સરકારે કુલ 21,119 મિલિયન યુનિટ વીજળી અદાણી પાવર લિમિટેડ પાસેથી ખરીદી છે.

અદાણી પાવર બાદ બીજા નંબરે તાતાની કંપની પાસેથી સૌથી વધુ વીજળી ખરીદવામાં આવી છે. ગુજરાત સરકારે કુલ વીજળી ખરીદીના 38.44 ટકા એટલે કે 6746.43 કરોડ રૂપિયાની વીજળી તાતાની કોસ્ટલ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી ખરીદી છે.

તાતાની કંપની કોસ્ટલ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ પાસેથી સરકારે અદાણી કરતાં પણ વધારે કુલ 23,796 મિલિયન યુનિટ ખરીદ્યા છે. જો કે અદાણી કરતાં તાતાની કંપનીનો ભાવ નીચો છે. ત્યારે સવાલ એ પણ થાય કે સરકાર મોંઘા યુનિટ દર રાખતી અદાણી કંપની પાસેથી કેમ વધારે વીજળી ખરીદી રહી છે.

અદાણી અને તાતાની કંપની બાદ ગુજરાત સરકારે એસ્સાર જુથની એસ્સાર વાડીનાર લિમિટેડ પાસથી વર્ષ 2019-20માં 43,260 લાખ યુનિટ વીજળી રૂપિયા 1,448.41 કરોડમાં ખરીદી છે. એસીબી ઈન્ડિયા લિમિટેડ પાસેથી આ સમયગાળામાં 26,750 લાખ યુનિટ વીજળી રૂપિયા 573.46 કરોડમાં ખરીદવામાં આવી છે અને ચાઈના લાઈટ્સ પાવર ઈન્ડિયા પાસેથી 2018-19માં 2850 લાખ યુનિટ વીજળી રૂપિયા 439.16 કરોડમાં ખરીદવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments