Team Chabuk-Gujarat Desk: તહેવારોની અધિષ્ઠાત્રી કહેવાતી દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે. સાથે જ ગુલાબી ઠંડીના દિવસો પણ દરિયાના ધસમસતા મોજાની જેમ નજીક આવી રહ્યા છે. એવામાં કેટલીય જગ્યાઓ પર ઠંડી પોતાનો ચમકારો બતાવવાની શરુઆત કરી ચૂકી છે. દિવસે વાતાવરણમાં ઉષ્ણતા ઓછી જ્યારે રાતના ઠંડીનો પ્રભાવ અત્યાધિક હોય છે. સવારમાં ધુમ્મસથી ચિતરાયેલું વાતાવરણ શિયાળાના આગમનના પ્રતીક સમું લાગે છે.

હવે ગણતરીના સમયમાં ઠંડી પોતાનો વાસ્તવિક મિજાજ બતાવતી દેખાશે. ઓક્ટોબરના અંતિમ અને નવેમ્બર મહિનાના આરંભના દિવસોમાં જ ઠંડીનો વર્તારો આવવા લાગ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલ બેવડી ઋતુ અનુભવાય રહી છે. દિવસે સૂર્યનો પ્રકોપ તો રાતના ઠંડીના કારણે શરીરનું રક્ષણ કરવા કાજે ગોદડાઓ ઓઢવા પડે છે. ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં પરોઢથી જ આહલાદક ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. મેગા સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વોકિંગ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે. બેવડી સિઝનનો માર હોવાથી લોકોએ આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે શરદી અને કફની સમસ્યાઓ માથું ઉંચું કરી રહી છે. ઠંડી વધવાના કારણે ગરમ કપડાંની જરૂરિયાતમાં પણ વધારો થશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન સેવવામાં આવ્યું છે.
રાજ્યમાં જાણો ક્યાં કેટલી ઠંડીનો ચમકારો થઇ શકે
| જિલ્લો | તાપમાન |
| અમદાવાદ | 19 ડિગ્રી |
| ગાંધીનગર | 19 ડિગ્રી |
| અરવલ્લી | 20 ડિગ્રી |
| પંચમહાલ | 19 ડિગ્રી |
| પાટણ | 19 ડિગ્રી |
| સાબરકાંઠા | 18 ડિગ્રી |
| વડોદરા | 21 ડિગ્રી |
| સુરત | 22 ડિગ્રી |
| કચ્છ | 20 ડિગ્રી |
| રાજકોટ | 28 ડિગ્રી |

ગુજરાતમાં શિયાળો એ નવા વર્ષની પ્રથમ ઋતુ છે. ગત વર્ષે ઉનાળાએ માજા મૂકી પરસેવે રેબઝેબ કરી નાખ્યા,. તો રહી રહીને જામેલા ચોમાસાએ સરોવર છલકાવી નાખ્યા. હવે શિયાળો ગુલાબી ઠંડી અને હાડ થીજવતો આવે છે કે પછી શુષ્ક રહે છે તે આગામી સમયે જ ખ્યાલ આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત