Homeગુર્જર નગરીરાજકોટ કલેક્ટરે આપ્યા રાહતના સમાચાર, આટલા દિવસ પછી ઘટી જશે કોરોનાના ક્રિટિકલ...

રાજકોટ કલેક્ટરે આપ્યા રાહતના સમાચાર, આટલા દિવસ પછી ઘટી જશે કોરોનાના ક્રિટિકલ કેસ

Team Chabuk-Gujarat Desk: હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના કલેકટર રેમ્યા મોહન મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ‘હાલ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ક્રિટિકલ દર્દીઓના કેસની સંખ્યામાં ઘટાડા માટે હજુ આગામી બે અઠવાડિયા જેટલો સમય લાગશે.’

ધારાસભ્યો આવ્યા આગળ

બીજી તરફ કોરોના મહામારી સામેની લડતમાં રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 68ના ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 70ના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી 20-20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

રાજકોટ જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે રાજકોટ કલેક્ટરે આ અંગે કહ્યું હતું કે, ‘ભારત સરકાર અને ડીઆરડીઓની મદદથી રાજકોટની પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે તેમજ જસદણ, ઉપલેટા અને ધોરાજી ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.’

ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર આપવા અંગે સ્પષ્ટતા

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટરની ઘટ છે ત્યારે સરકારી તંત્ર સામે આરોપ લાગ્યો હતો કે રાજકોટમાં સરકારી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલને 103 જેટલા વેન્ટિલેટર આપી દઈને કમાણી કરવામાં આવી છે. આ અંગે આરોપ લગાવાઈ રહ્યા છે કે, સરકારી તંત્ર દ્વારા 38 ખાનગી હોસ્પિટલોને 103 જેટલા વેન્ટિલેટર મફતમાં આપવામાં આવ્યા છે. જે વેન્ટિલેટર થકી ખાનગી હોસ્પિટલોએ 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ અંગે આજે કલેક્ટર રેમ્યા મોહને સ્પષ્ટતા કરી હતી. કલેક્ટરે કહ્યું હતું કે, ‘વેન્ટિલેટરની ફાળવણી અંગે ટીકા કરવી હાલના સમયમાં યોગ્ય નથી. ઓક્ટોબર માસમાં સરકારી તંત્ર પાસે 103 જેટલા વેન્ટિલેટર એક્સ્ટ્રા પડ્યા હતા જેના કારણે તેની ફાળવણી કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં હોસ્પિટલોને તાત્કાલિક જરૂર હોય જેના કારણે તેમને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈપણ હોસ્પિટલ વેન્ટિલેટરનો ઓર્ડર કરે છે ત્યારે તે વેન્ટિલેટર મળવા માટે બે મહિનાનો સમય લાગે છે. ત્યારે હોસ્પિટલ સંચાલકોને તાત્કાલિક અસરથી વેન્ટિલેટરની જરૂર હોય તેના માટે સરકારી તંત્ર પાસે પડેલા એક્સ્ટ્રા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી.’

ઓક્સિજનની અછતથી દર્દીના મોત મામલે તપાસ

થોડા દિવસ પહેલા રાજકોટ શહેરની કુંદન હોસ્પિટલમાં ચાર જેટલા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ નીપજ્યાનો આક્ષેપ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા અને તે આદેશ અનુસાર એક તપાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. જે તપાસ કમિટી દ્વારા હાલ તપાસ ચાલુ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments