Homeગામનાં ચોરેVIDEO: પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રીની કાર પર હુમલો, ટીએમસી પર આરોપ

VIDEO: પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રીની કાર પર હુમલો, ટીએમસી પર આરોપ

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ શરૂ થયેલી હિંસા હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહી. આજે પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુરમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની કાર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ખુદ વી મુરલીધરને ટ્વિટર પર હુમલાનો વીડિયો પોસ્ટ કરીને આ અંગેનો આરોપ લાગવ્યો છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનના કાર પર કેજીટી ગ્રામીણ વિધાનસભા વિસ્તારના પંચખુડીમાં આ હુમલો થયો હોવાના સમાચાર છે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં વી મુરલીધરને લખ્યું છે કે, ‘પશ્ચિમી મિદનાપુરના પ્રવાસ દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો, કારના કાચ તોડી નાખ્યા. મારા અંગત સ્ટાફ પર પણ હુમલો કરાયો છે. મારે પ્રવાસ અધવચ્ચેથી છોડીને પરત આવવું પડ્યું છે.’

કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને ટ્વિટર પર શેર કરેલા આ વીડિયોમાં દેખાય છે કે તેમની કાર આગળ વધી રહી હતી તે દરમિયાન અચાનક એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને તેમની કાર સામે આવી જાય છે અને કાર પર લાકડી વડે પ્રહાર કરવા લાગે છે. આ વ્યક્તિની સાથે બીજા પણ કેટલાક લોકો નજરે પડે છે. આ લોકો કેન્દ્રીય મંત્રીની કારને રોકવાનો પ્રયત્ન કરે છે. તેથી કારનો ડ્રાઈવર કાર રિવર્સ લેવા લાગે છે. વીડિયોમાં નજરે પડે છે કે જે જગ્યાએ કેન્દ્રીય મંત્રી પર હુમલો થયો ત્યાં ટીએમસીના ઝંડા પણ લગાવેલા હતા. આ હુમલામાં કારનો કાચ તોડીને લાકડી અંદર આવી જાય છે.

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળ હિંસા મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાનીમાં બનાવેલા પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનનો પણ સમાવેશ કરાયેલો છે. જેથી જે.પી.નડ્ડાની આગેવાનીમાં આ પ્રતિનિધિમંડળ આજે પશ્ચિમ બંગાળ આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં બીએલ સંતોષ અને ભુપેન્દ્ર યાદવનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ દ્વારા હિંસામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા ભાજપ કાર્યકર્તાઓના ઘેર ઘેર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન પર થયેલા હુમલાની નિંદા કરી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘લાખો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું, કેમકે તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો, ઘર સળગાવી દેવાયા. આ લોકતંત્ર નથી. આજે જે રીતે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન પર હુમલો થયો છે, બંગાળ સરકારે લોકતંત્રને શર્મશાર કરી દીધું છે. મંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થશે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. હુમલો કરનાર પર કડક કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારના હુમલાની ધમકી પહેલા જ મમતા બેનર્જી પોતાના ભાષણમાં આપી ચુકી છે.’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે ચાર સભ્યોની ટીમને પશ્ચિમ બંગાળ મોકલી છે. જે હિંસા અંગેની તપાસ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ પહેલા રાજ્ય પાસેથી હિંસા અંગેનો રિપોર્ટ માગ્યો હતો અને જાણકારી આપવા કહ્યું હતું.

ગૃહ મંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળ મોકલવામાં આવેલી ખાસ ટીમની આગેવાની એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારી કરી રહ્યા છે. ટીમ દ્વારા રાજ્યમાં થઈ રહેલી હિંસા, વર્તમાન પરિસ્થિતિ, અને રાજનીતિક કાર્યકર્તાઓની હિંસા મામલે તપાસ કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા મામલે ભાજપે દેશભરમાં આજે મમતા બેનર્જી અને તેમની સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ઠેર ઠેર ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ ભાજપ દ્વારા બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને શાંતિપૂર્ણ રીતે ધરણાં કરવામાં આવ્યા છે. ભાજપ આ હિંસાનો આરોપ ટીએમસી પર લગાવી રહ્યો છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments