Homeગુર્જર નગરીથાનગઢઃ 76.50 લાખ રૂપિયાની લૂંટના ત્રણ આરોપી ઝડપાયા, ખાતરની થેલી અને ગાદલામાં...

થાનગઢઃ 76.50 લાખ રૂપિયાની લૂંટના ત્રણ આરોપી ઝડપાયા, ખાતરની થેલી અને ગાદલામાં સંતાડી રાખ્યા હતા રૂપિયા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના થાનગઢમાં તાજેતરમાં આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી થયેલી લૂંટ મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપી પાસેથી પોલીસે લૂંટમાં ગયેલી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ મળી કૂલ 77,09,520નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગત તારીખ 16 એપ્રિલના રોજ થાનગઢમાં આંગડિયા પેઢીના માલિક પાસેથી 76 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ થઈ હતી. થાનગઢના વીરલભાઈ ગાંધી નામના આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોએ રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ફરિયાદી વીરલભાઈ પોતાનું ટુ-વ્હીલર પર આ રૂપિયાનો થેલો લઈને ઓફિસે જતા તે દરમિયાન થાનગઢના ગેલ માતાજીના મંદિર સામે ત્રણ શખ્સોએ આવ્યા હતા. જેમાંથી એક શખ્સે તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી જેથી ફરિયાદી પડી ગયા હતા. બાદમાં આરોપીઓએ આંગડિયા પેઢીના માલિક સાથે ઝપાઝપી કરીને તેમની પાસે રહેલો રોકડો રૂપિયાનો થેલો તથા બે મોબાઈલ મળી કૂલ 76,56,000નો મુદ્દામાલ લઈને નાસી છૂટ્યા હતા.

આ મામલે આંગડિયા પેઢીના માલિકે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસમાં એલસીબી, એસઓજી, થાનગઢ અને મોલડી પોલીસ અને લીંબડી ડીવીઝન પોલીસ જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે સઘન તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે અજાણ્યા આરોપીઓએ ફુલપ્રુફ પ્લાન બનાવીને ગુનાને અંજામ આપ્યો છે. તેથી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં  ગુન્હામાં વપરાયેલા ટુ-વ્હીલરની જાણકારી મળી હતી. તેથી લૂંટના ગુનામાં વપરાયેલ આ ટુ-વ્હીલરના માલિકની સઘન પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનો આચર્યાની કબૂલાત આપી હતી.

આ આરોપીએ અન્ય બીજા બે આરોપી સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. આમ પોલીસે આ લૂંટના ગુનામાં મહેશ સારદીયા, સીગરામ મકવાણા અને જુગા મકવાણા નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

પ્રથમ આરોપી મહેશ સારદીયાની રાણીપાટ ગામેથી ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી પોલીસે રોકડા 21,500 રૂપિયા કબજે કર્યા હતા. બીજો આરોપી સીગરામ મકવાણાની ખાખરાથળ ગામ પાદરની વાડીએથી ધરપકડ કરી હતી. આ આરોપીની તપાસ કરતાં સ્થળ પરથી ખાતર ભરવાની સફેદ થેલીમાંથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 51,48,270 મળી આવ્યા હતા. જ્યારે ત્રીજા આરોપી જુગા મકવાણાની સોનગઢ ગામેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રીજા આરોપીએ લૂંટમાં ગયેલા રૂપિયા ગાદલામાં સંતાડી રાખ્યા હતા. આ આરોપી પાસેથી પોલીસે 24,75,100 રૂપિયા કબજે કર્યા હતા.

ત્રણેય આરોપીને પોલીસે સાથે રાખી પૂછપરછ કરતાં ત્રણેયે સાથે મળીને ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી. આરોપી જુગા મકવાણાએ ગુના બાબતે કબૂલાત આપતા જણાવ્યું હતું કે આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરવા બાબતે તેના કુટુંબી ભાઈ શીવા મકવાણા નામના શખ્સે ફરિયાદીના આવવા-જવાના ટાઈમ અંગે ટીપ આપી હતી.

આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાખીને થેલો આંચકી લઈ તેઓ ટુ-વ્હીલર પર નાસી છૂટ્યા હતા અને થેલામાં રહેલા રૂપિયા ખાતરની થેલીમાં નાખી, ખાલી થયેલો થેલો, મોબાઈલ ફોન તેમજ ગુનામાં પહેરેલા કપડા ઓળખ ન થાય તે માટે સળગાવી દીધા હતા.

પોલીસે ત્રણેય આરોપી પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 76,23,370 સહિત કુલ 77,09,520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ ગુનામાં ત્રણે આરોપીને ઝડપીને જેલની હવા ખાતા કરી દીધા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments