Homeગુર્જર નગરીગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ અને એક બાળકીની હત્યા નિપજાવનાર...

ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ અને એક બાળકીની હત્યા નિપજાવનાર નરાધમ ઝડપાયો, પોર્ન ફિલ્મ નિહાળી નશો કરી ગુનાને અંજામ આપતો

Team Chabuk-Gujarat Desk: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજારી એક બાળકીની હત્યા નિપજાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ બાદ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજારી એક બાળકીની હત્યા નિપજાવનાર આ નરાધમ વિકૃત મગજનો હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં આરોપી મોબાઈલ પર પોર્ન ફિલ્મ નિહાળ્યા બાદ દારૂનો નશો કરી ગુનાને અંજામ આપતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીની વધુ પૂછપરછમાં વધુ દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલાય તેવી પોલીસને આશંકા સેવાઈ રહી છે.

બે દિવસમાં ત્રણ બાળકીને પીંખી

ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. પોલીસ ત્રણેય કેસના આરોપીને પકડવામાં દિવસ-રાત એક કરીને તપાસ કરી રહી હતી. ત્યારે આ ત્રણેય બાળકી પર દુષ્કર્મ એક નરાધમે જ ગુજાર્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ માનસિક વિકૃત નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ રાંચરડા ગામની સીમમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો તથા ખાત્રજ ચોકડી ખાતેથી એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કર્યા બાદ તેના ઉપર દુષ્કર્મ કરી મૃતદેહ ગરનાળામાં ફેંકી દેનારો સાઈકો કિલર વિજય પોપટજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. જો પોલીસે આરોપીને ઝડપ્યો ન હોત તો તે વધુ ગુનાને અંજામ આપતો રહ્યો હોત.

સાંતેજ, કલોલ તાલુકા વિસ્તારમાં મજૂરી અર્થે આવેલા મજૂર વર્ગના લોકો છાપરા બાંધીને રહેતા હોય તે જગ્યાઓએ દિવસ દરમિયાન તથા રાત્રીના સમયે નાની ઉંમરની બાળકીઓનું અપહરણ, બળાત્કાર અને હત્યાના બનાવો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ જધન્ય બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાઓ આચરનારા ઇસમને તાત્કાલીક શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આ બંને ગુનાઓની તપાસ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અલગ-અલગ 12 ટીમો બનાવી બનાવ વિસ્તાર કેનાલ ઉપર, આસપાસ આવેલી ફેકટરીઓ તથા આજુબાજુના ગામડાઓની ગ્રામ પંચાયતના તથા પ્રાઇવેટ સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ઘરવામાં આવી હતી.

દિવાળીના દિવસે પ્રથમ ઘટના બની

દિવાળીના દિવસે એટલે કે 4 નવેમ્બરનાં રોજ રાંચરડા ગામની સીમમાંથી 5 વર્ષની બાળકીને કોઇ અજાણ્યા ઇસમ તેની ઓરડી પાસેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી અવાવરૂં જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરી રાંચરડાથી ડાભલા જતા રોડ ઉપર છોડી દીધી હતી. જેથી તેની માતાએ ફરિયાદ કરતાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બનાવની જગ્યા મજૂરવર્ગના રહેણાંકવાળી હોવાથી આજુ બાજુના વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેજ ઉપલબ્ધ હતા નહી. જેથી પોલીસ દ્વારા જે જગ્યાએથી બાળકી મળી આવી તે સ્થળ સુધી આવતા રૂટને ધ્યાને લઇ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યાં હતા. જેમાં બનાવથી નજીક આવેલી એક ફેક્ટરીના કેમેરા ચેક કરતા એક બાઇક ચાલક બાળકીને લઇ જતી શંકાસ્પદ મુવમેન્ટ જણાઇ આવી હતી. જોકે, તે ફુટેજ અસ્પષ્ટ હોવાથી તે ફુટેજના સમયને ધ્યાને રાખી આસપાસના ગામડાઓમાંથી તથા ફેક્ટરીના કેમેરાઓમાંથી પસાર થતા તે અસ્પષ્ટ વર્ણન વાળા તમામ બાઇક ચાલકોને ટ્રેક કરવામાં આવ્યાં હતા. જે આધારે લાવેલા શંકાસ્પદ ઇસમો પૈકી હાલમાં અટક કરેલા આરોપી વિજય પોપટજી ઠાકોર હકીકત છુપાવતો હોવાનું જણાઇ આવતા તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને દીવાળીના દીવસે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાના ગુનાની કબૂલાત કરી હતી.

નવા વર્ષે બીજી ઘટના બની

નવા વર્ષના દિવસે 5 નવેમ્બરે રાત્રીના સમયે ખાત્રજ ચોકડી પાસે આવેલ છાપરામાંથી ત્રણ વર્ષની એક બાળકીનું પણ અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દુષ્કર્મ ગુજાર્યાની પણ આરોપીએ કબૂલાત કરી હતી. આ અંગે રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપીની બાળકી વિશે પૂછતાછ કરતાં આરોપીએ તેને અવાવરું જગ્યાએ છોડી દીધી હોવાનું કહ્યું હતું. આરોપીના જણાવ્યા મુજબ તે જગ્યાએ જતા ખાત્રજથી મોટી ભોયણ જતા રોડ ઉપર દેમાઇ તળાવની સામે ગરનાળાની નીચે અવાવરું જગ્યાએ બાળકીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ. જે આધારે આરોપીને ગઈકાલે રવિવારે અટક કરી બાળકીના મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરાવતા બાળકીના ગુપ્ત ભાગે ઇજાઓ થયાનું ખુલ્યું હતું. તથા બાળકીનું મૃત્યુ ગળુ દબાવવાથી થયેલ હોવાનું પ્રસ્થાપિત થતા આરોપીની ધરપકડ કરી 11 નવેમ્બર સુધીના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.

પોલીસ રીમાન્ડ દરમિયાન આરોપીની પુછપરછ કરતાં આજથી આઠથી દશેક દિવસ અગાઉ અન્ય એક બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની પણ કબૂલાત કરી હતી. આ સિવાય અન્ય કેટલા ગુન્હા કરેલ છે તે બાબતે પણ તપાસ ચાલુ છે. આરોપીએ પોતાની પુછપરછ દરમિયાન જણાવેલ છે કે, દિવાળીના દિવસે પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ પોતાના પડોશના ગામમાં ગરબાનું આયોજન હોય પોતે રાત્રે ગરબા રમવા ગયેલ ત્યારબાદ નવા વર્ષના દિવસે પોતાના ગામમાં ગરબાનું આયોજન હોઇ પોતે ગરબા રમ્યા બાદ ખાત્રજ ચોકડી ખાતેથી બાળકીનું અપહરણ કરી ખૂન કર્યા બાદ દુષ્કર્મ કરેલ છે જે આરોપીની ક્રુર માનસિકતા છતી કરે છે.

આરોપી હાલ રીમાન્ડ ઉપર પોલીસ કસ્ટડીમાં હોઇ કરેલા ખુન તથા દુષ્કર્મના ગુન્હા બાબતે પુરાવાઓ એકત્રિત કરવા ઉપર તથા અન્ય ગુન્હાઓ આચરેલ છે કે કેમ તે બાબતે ગાંધીનગર પોલીસ અધિક્ષક સીધા માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે. આવા કોઇ આવા અન્ય બનાવો બનેલ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments