Team Chabuk-Gujarat Desk: આજના સમયમાં લગ્ન પ્રસંગમાં ભપકો કરવાની ફેશન શરૂ થઈ છે. લગ્ન પ્રસંગમાં રૂપિયાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. સાથે જ આજકાલ લગ્ન પ્રસંગોમાં વિદેશી દારૂ પીરસવાનો પણ ચીલો શરૂ થયો છે. નવી પેઢીમાં શરૂ થયેલા આ ટ્રેન્ડના કારણે રાજ્યમાં દારૂની હેરફેર વધી ગઈ છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ દારૂનો જથ્થો એક સારા પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી પીવા માટે મંગાવવામાં આવ્યો હતો.
વાપી જીઆઇડીસી વિસ્તારમાં એક ગોડાઉનમાં લગ્ન પ્રસંગ માટે એકઠો કરવામાં આવેલા 5 લાખ રૂપિયાથી વધુના દારૂ સાથે ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી લીધા છે. આ કેસમાં પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 5.18 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને કાર મળી અંદાજે 10.88 લાખના મુદ્દામાલ સાથે ત્રણ જાણીતા વેપારીઓની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે.
સમગ્ર બનાવની વિસ્તારથી વાત કરવામાં આવે તો વાપી જીઆઇડીસી પોલીસે જીઆઇડીસીના ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલા પ્રથમ પ્લોટ નંબર 779/2માં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગોડાઉનમાં પાર્ક કરવામાં આવેલી એક કારમાં તપાસ કરતાં કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઓમ માર્કેટિંગ સર્વિસ નામના આ ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે જી.આઇ.ડી.સી.ના આ ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરેલો હતો. આથી પોલીસે ગોડાઉનમાં પાર્ક કરેલી કાર અને ગોડાઉનમાં મળેલા આ વિદેશી દારૂના જથ્થાના મામલામાં ઉજ્વલ સુબોધ દેસાઈ, રમેશચંદ્ર દેસાઈ અને કરણ અનિલકુમાર ઘડિયાલીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા.
લગ્ન માટે મંગાવ્યો હતો દારૂ
વાપી જી.આઈ.ડી.સી પોલીસે આ રેડ દરમિયાન 10.88 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી સેલવાસના નરોલીમાં આવેલા પૃથ્વીરાજ બારમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી અને અહીંયા સંગ્રહ કરી દીધો હતો.
પોલીસે સેલવાસના નરોલીમાં આવેલા પૃથ્વીરાજ બારના સંચાલકને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. કેસમાં પોલીસે વાપીના જી.આઇ.ડી.સી.ના ફોર્ટી શેડ એરિયામાં આવેલા ઓમ માર્કેટિંગ સર્વિસના ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તમામ ત્રણે જાણીતા ચહેરાઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ વાપીના સારા ઘરના એવા અને જાણીતા વેપારી લાઈનના આ ત્રણે આરોપીઓ ઉજ્જવલ દેસાઈ, ધવલ દેસાઇ અને કરણ ઘડિયાલીની ધરપકડથી અનેક જાણીતા અગ્રણીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પતાવટ માટે ધમપછાડા કર્યા. પરંતુ જીઆઇડીસી પોલીસે કોઇ પણ જાતની શરમ રાખ્યા વિના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. આમ વાપી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એક સારા ઘરમાં આવનાર લગ્ન પ્રસંગ માટે સંગ્રહ કરવામાં આવેલો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત