Team Chabuk-Gujarat Desk: રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં પહેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા બાદ વધુ એક વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુંઆંક ચાર થયો છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા. બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઈજા પહોંચી છે જેથી તેઓને સારવાર અર્થે લઈ જવાયા છે.
બપોરના સમયે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામ પાસે બપોરે 1 વાગ્યાની આસપાસ આ અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતાં કાર રોડની વચ્ચેના ડિવાઈડરને ઠેકીને રોંગ સાઈડમાં કૂદી ગઈ હતી અને રાજકોટથી કાલાવડ જઈ રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર પડીકું વળી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કુરચેકુરચા નીકળી ગયા હતા. કાર ધડાકાભેર એસટી બસ સાથે અથડાતા આસપાસના લોકો પણ એકઠાં થઈ ગયા હતા. અકસ્માતમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વિદ્યાર્થીઓ ઈજા પહોંચી છે.
આ અકસ્માતમાં કારમાં બેઠેલા પાંચ પૈકીના આદર્શ ગોસ્વામી અને નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ગજ્જરને રાજકોટ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં ફોરમ ધ્રાંગધરીયા નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું અને થોડા સમય બાદ સારવાર દરમિયાન સીમરન ગીલાણીનું પણ મોત નિપજ્યું છે. આમ કુલ 4 વિદ્યાર્થીઓની મોત થયા છે. પાંચેય વિદ્યાર્થીઓ GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર લઈને ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કાર બસની નીચેના ભાગમાં ઘુસી ગઈ હતી કારને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. જેસીબીની મદદથી કારને બહાર કાઢીને અંદરથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતક નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી, સીમરન ગીલાણી અને ફોરમ ધ્રાંગધરીયા રાજકોટના જ વતની છે. ઈજાગ્રસ્ત થયેલી કૃપાલી ગજ્જર ભાવનગરની વતની હોવાનું જાણવા મળ્યું છે. 22 વર્ષીય મૃતક ફોરમ હર્ષદભાઈ ધ્રાંગધરીયા રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા નંદા હોલ પાસેની ભારતી નગર સોસાયટીમાં રહે છે. તે હોમિયોપેથી કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ફોરમના પિતા મિસ્ત્રી કામ કરે છે. બે ભાઈ-બહેનમાં તે મોટી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારમાં કલ્પાત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા કાલાવડના ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ અને જીવુબેન બેચરભાઈને ઈજા થતાં તેઓને રાજકોટ સારવાર માટે દાખલ કરાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત