Team Chabuk-Political Desk: લાલુ પ્રસાદ યાદવના જ્યેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવ તેમની ઉટપટાંગ હરકતોનાં કારણે સમાચારોમાં ચમકતા રહે છે. પત્નીના કારણે વિવાદોમાં આવેલા લાલુપુત્ર હવે ભૂતનાં કારણે ચર્ચામાં આવ્યા છે. હમણાં કેટલાક દિવસોથી તેમને સ્વપ્નમાં ભૂતદર્શન થાય છે. ભૂતો તેજભાઈનાં ભાષણ સાંભળે છે. સોમવારના રોજ જ્યારે તેમણે ફેસબુક લાઈવ કર્યું ત્યારે આ દુર્લભ ઘટના વિશે દર્શકોને બતાવતા તેઓ ખૂદને રોકી નહોતા શક્યાં અને આખરે કહી જ દીધું હતું કે, મને સપનામાં ભૂત આવે છે.
તેજપ્રતાપે આ અંગે કહ્યું કે, મેં સ્વપ્નમાં જોયું કે હસનપુરના પૂર પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરવા માટે ગયો છું. ત્યાં તાડના વૃક્ષ ઉપર ભૂત બેઠું છે. મને પકડવા આવી રહ્યું હતું. મહાદેવનું નામ લીધું અને ભૂત પણ દંગ થઈ ગયું. હું ડર્યો નહીં. ઉલટું પૂછ્યું કે, મને ડરાવી રહ્યો છો? તો ભૂતે કહ્યું, ના, હું તો તમારું ભાષણ સાંભળવા આવ્યો છું.
તેજપ્રતાપે ફેસબુક લાઈવમાં એ પણ કહ્યું હતું કે, લોકો મને કહે છે કે તમે જ્યારે ભાષણ આપો છો તો અદ્દલ પિતા લાલુ પ્રસાદ યાદવ જેવા લાગો છો. મારા વિશે તો લોકો સપના પણ જોવા લાગ્યા છે. અમે ગરીબી નથી જોઈ. સંઘર્ષ નથી કર્યો. બધુ ઘરે બેઠા જ મળી ગયું. મારા પિતા મારા આદર્શ છે. તેમણે યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ માટે ખૂબ જ સંઘર્ષ કર્યો અને તમામ જાતિઓને એક કરી.
તેજ પ્રતાપે પિતાની પ્રશંસાના પુલ બાંધતા કહ્યું હતું કે, ફુલવરિયા ગામમાં જ્યારે એક બાળકનો જન્મ થયો ત્યારે કોઈને ખબર નહોતી કે તે મોટો થઈને ભલભલાને ધૂળ ચટાવી દેશે. લાલુ પ્રસાદ યાદવે સદનથી સંસદ સુધી ગરીબો માટે અવાજ ઉઠાવ્યો છે, જ્યારે આજના નેતાઓ નવા નવા હોર્ડિંગ બનાવે છે. નેતાઓ ખાદીના નવા નવા કૂર્તાઓ અને પાયજામા સીવડાવે છે અને ચાર્લીનું સુગંધિત પરફ્યુમ લગાવી લે છે, તો સમજી લે છે કે નેતા બની ગયા. નેતા બનવા માટે તો સંઘર્ષની આવશ્કતા હોય છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતા તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું કે, જેમને પિતાજીએ આગળ વધારવાનું કામ કર્યું એણે જ પિતાજીનું પત્તુ કાપવાનું કામ કર્યું. અમને જોઈને અસંખ્ય યુવાનો વાળ અને દાઢી વધારવા લાગ્યા તો અમે કાપી નાખ્યા. પિતાજી સાથે સતત અમારી વાતચીત થતી રહે છે, અમે તેમની સાથે વાતો કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓ અને યુવાનોને રસ્તા પર સંઘર્ષ કરતા જોવા ઈચ્છીએ છીએ. છાત્ર જીવન પ્રોડક્ટ છે. તેને અમે લોકો તૈયાર કરીએ છીએ. અત્યારના શાસનમાં તો અભ્યાસના નામ પર કાંડ થાય છે. આમલીના ઝાડ ઉપર જેટલા પણ પત્તા હોય છે એટલા કૌભાંડ આ સરકારે કર્યાં છે.
તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું કે, 7 ઓગસ્ટનાં રોજ જાતિય જનગણનાને લઈ આંદોલન થશે. તેમાં જ સરકારનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જેલ ભરો આંદોલન કરવું પડશે. પિતાજીએ જેપીને બચાવવા માટે દંડા ખાધા હતા. આપણે સૌએ પણ લડવું પડશે. ઘણા લોકો સત્તા મળ્યા પછી તેનો દુરઉપયોગ કરે છે. એવું ન થવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત