Team Chabuk-Gujarat Desk: હાલ મહાશિવરાત્રિનો પરંપરાગત મેળો જૂનાગઢ ખાતે ગિરનારની ગોદમાં ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના ભવનાથના મહાશિવરા6ના મેળામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અખાડા અને આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ લઈ શ્રદ્ધાપૂર્વક જણાવ્યુ હતું કે, સંતો-મહંતો ભાવિકોને ભગવાને ચિંધેલા માર્ગ પર લઈ જાય છે.
માણસને તકલીફ ન પડે તેમ સેવાકાર્યો કરવા છે
મહાશિવરાત્રીના મેળામાં શિવ અને જીવનુ મિલન થાય છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ ભાવમય થઈને કહ્યુ કે, જે રીતે આપણને છોડમાં રણછોડના દર્શન થાય તે રીતે મહાશિવરાત્રીમાં જીવમાં શિવના દર્શન કરી શ્રદ્ધાના માર્ગે પરમ સુખ-શાંતિની પ્રાપ્તિ કરવાની છે. મુખ્યમંત્રીએ સંતો-મહંતોએ ચિંધેલી કેડી પર પ્રજાની સેવા કરી શાસન ચલાવવું છે તેમ જણાવી નાનામા નાના માણસને તકલીફ ન પડે તે રીતે સેવા કાર્યો કરવા છે તેમ પણ કહ્યુ હતું.
જનતાની સેવા કરતાં રહીએ તેવી શિવજીને પ્રાર્થના
મુખ્યમંત્રીએ બ્રહ્મલીન ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારા મહોત્સવમાં સહભાગી થઈ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતી આશ્રમમાં હંમેશાથી જ્ઞાતી, જાતિના ભેદભાવ વગર ભંડારો ચાલે છે અને આગળ પણ ચાલતો રહેશે. સંતોના આશીર્વાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયા છે. સંત સમાજ માટે વડાપ્રધાનને પણ વિશેષ આદર છે. એ કેડી પર ગુજરાતનુ શાસન ચલાવવું છે. અમારી સરકાર ટીમ વર્કથી કામ કરી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે, નાનામા નાના માણસને કોઈ તકલીફ ન પડે તે ધ્યેયથી આગળ વધી રહ્યા છે. અમે આ રીતે જનતાની સેવા કરતા રહીએ તેવી શિવજીના ચરણમાં પ્રાર્થના કરું છું.

મુખ્યમંત્રી સરળ, સાદગી અને નિખાલસ સ્વભાવનાઃ મોરારીબાપુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાત્રિના પાવન પર્વ પર ગુજરાત રાજ્યના દરેક નાગરિકના સર્વાંગી, સુખાકારી, ઉન્નતી માટે સદૈવ કાર્યરત રહેવા ભવનાથ મહાદેવ અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. રામકથાકાર માનસ મર્મજ્ઞ મોરારીબાપુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય જનની જેમ રહી ગુજરાતની પ્રજાની સેવા કરે છે તેમ જણાવી વધુમાં કહ્યુ કે, તેઓ સરળ, સાદગી અને નિખાલસ સ્વભાવના છે. ભુપેન્દ્ર પટેલ આ જ રીતે ગુજરાતની પ્રજાના કલ્યાણના કાર્યો કરતા રહે અને ભોળાનાથના આશીર્વાદ સદૈવ તેમના પર રહે તેવી પ્રાર્થના કરી હતી.
મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, શાસન સાધુ-સંતોના અનુશાસનમાં રહે ત્યારે રામ રાજયની સંકલ્પના સાકાર થતી હોય છે. આ રામ રાજ્યનો સિદ્ધાંત છે. મહાશિવરાત્રિના મેળામાં ભજન-ભોજનનું સદાવ્રત અને સાધુ-સંતો દ્વારા શિવનુ સ્મરણ થાય છે. મેળામાં મુખ્યમંત્રી પધાર્યા તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા આશીર્વાદ
મુખ્યમંત્રી મહાશિવરાત્રિના મેળામાં સૌ પ્રથમ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં શેરનાથ બાપુના આશ્રમમાં ધૂણાના દર્શન કર્યા હતા. મહંત ઇન્દ્રભારતી બાપુના આશ્રમે ગુરૂ ગાદીના દર્શન પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ બ્રહ્મલીન મહામંડલેશ્વરશ્રી વિશ્વંભર ભારતી બાપુની મૂર્તિ સમાધિના સ્થળે દર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ગીરનાર તળેટી સ્થિત ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ તેમજ અંબાજી માતાજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.

સંતો-મહંતોએ કર્યુ સન્માન
આ પ્રસંગે રામકથાકાર મોરારીબાપુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી જુના અખાડા મહંત હરીગીરીજી મહારાજ, અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુ, મહંત ઉમાશંકર ભારતીજી મહારાજ, મહંત પ્રેમગીરીજી મહારાજ, જેન્તીરામ બાપા સહિતના સંતો-મહંતોએ મુખ્યમંત્રીને નંસ પુષ્પમાળા, શાલ, સ્મૃતિચિહ્નથી સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવા માલમ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, જૂનાગઢ સાસંદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડા, ધારાસભ્ય ભીખા જોશી, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, દિનેશ ખટારીયા, શૈલેષ દવે સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
