Homeગુર્જર નગરીલોકોને સરકારી કચેરીના ધક્કા વગર ઘર આંગણે જ કામ પતી ગયા

લોકોને સરકારી કચેરીના ધક્કા વગર ઘર આંગણે જ કામ પતી ગયા

Team Chabuk-Gujarat Desk: પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના સેવાયજ્ઞ હેઠળ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાલાવાવ ગામે યોજાયેલો સેવા સેતુ જાણે કે સંવેદના કથાઓથી છલકાયો હતો. અહીં વિપદામાં ફસાયેલા પરિવારોને સરકારી યોજનાઓની હુંફ આપવાનું કામ થયું તો કેટલાક કિસ્સાઓમાં નાના નાના કામો માટે છેક સેવા સદન સુધી દોડવાની ગ્રામજનોની હાલાકીનું નિવારણ થયું. પરિણામે સહુના ચહેરાઓ પરથી ચિંતાની લકીરો હટી અને રાહતનું સ્મિત રેલાયું.

આમ, તો રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાઓ સરળ અને પારદર્શક બનાવી છે. ઇ-સેવા સેતુ હેઠળ સરકારી સેવાઓ ગામની પંચાયત કચેરીમાં ઉપલબ્ધ કરાવી છે. તેમ છતાં, સેવા સેતુ લોકોના નાના નાના કામોના નિરાકરણમાં ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે. તેનું કારણ કદાચ એ હશે કે સેવા સેતુ સરકારી કચેરીના શુષ્ક વાતાવરણમાં નહીં પણ મુશ્કેલીઓનો સકારાત્મક હલ શોધવાની પ્રતિબદ્ધતાના, અરજદારોની સેવા કરવા અને એમને સરકારની હૂંફની અનુભૂતિ કરાવવાના ઉષ્માભર્યા પર્યાવરણમાં યોજાય છે.

વાલાવાવના સેવા સેતુમાં લોકોના નાના કામો તકલીફ વગર કરી આપવાની સંવેદનાની અનુભૂતિ કરાવતા કેટલાંક કિસ્સાઓ જાણવા જેવા છે… કોરોના એ માતાપિતા પૈકી એક વાલીનું છત્ર છીનવ્યું તો સરકારી યોજનાએ ટેકો કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બોડકના મુવાડાના સરોજબેન અને રાજપુરના મુવાડાના મહિલાના પતિ કોરોનામાં અવસાન પામ્યા. પરિણામે ઘરના આધાર સમા પિતાના અવસાનથી જાણે કે માતા અને સંતાનોના માથે આભ ફાટ્યું. જો કે સેવા સેતુમાં આ બંને પરિવારના બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભો માટે નોંધણી કરવામાં આવી જેથી આ પરિવારોને ઘણી મોટી રાહત થવાનો માર્ગ ખુલ્યો છે.

રાજ્ય સરકારે આ યોજના કોરોનામાં માતા અને પિતા બંનેનું છત્ર ગુમાવનારા બાળકોને માસિક સહાય આપવા માટે શરૂ કરી છે. તે પછી કોરોનામાં એક વાલી ગુમાવનારા બાળકોની હાલત પણ કફોડી હોવાનું ધ્યાનમાં આવતા તેમનો સમાવેશ પણ યોજના હેઠળ કરવામાં આવ્યો અને આવા કિસ્સામાં માસિક સહાયની અલાયદી જોગવાઈ કરવામાં આવી.

સરોજબેનને ચાર સંતાનો છે, મહિલાને એક બાળકી તુલસી છે અને તેમના પરિવારોએ રોજીરોટી રળનારને ગુમાવ્યા છે. હવે ઉપરોક્ત યોજના હેઠળ તેમની નોંધણી કરીને નિર્ધારિત રકમ માસિક સહાય પેટે અને છેક પુખ્ત વયના થતાં સુધી આપવાની તજવીજ કરવામાં આવી છે. સરકારની સંવેદના આફતના ટાણે આ અસહાય બાળકોનો આધાર બની છે.

પૌત્રનું ઓપરેશન વિનામૂલ્યે થશે એ જાણીને દાદા ખુશ

વાલાવાવ પાસેના તુલસી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલના પૌત્રને હૃદયના વાલ્વમાં કાણું હોવાથી તેઓ મૂંઝવણમાં હતા. દોઢ વર્ષના માસૂમનો જીવ બચાવવા અને તંદુરસ્ત જીવન માટે ખર્ચાળ ઓપરેશન કરાવવું પડે તેમ છે. કોઈએ એમને સેવા સેતુમાં જવા અને મુશ્કેલીની રજૂઆત કરવા માર્ગદર્શન આપ્યું. અહીં તેમના પૌત્રની શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે જરૂરી ઓપરેશન માટે નોંધણી કરવામાં આવી. હવે ખર્ચ વગર પૌત્રની સારવાર થશે, તેને નવું જીવન મળશે એ વિચારથી તેમની ચિંતા દૂર થઈ છે અને તેમના ચહેરા પર ખુશાલી પ્રગટી છે.

સેવા સેતુથી ધક્કામાંથી મળી મૂક્તિ

વાલાવાવના વસંતકુમારને રેશનકાર્ડમાં નામ દાખલ કરાવવું હતું. તેમને મૂંઝવણ હતી કે છેક ડેસર ગામે સેવા સદનમાં જવું પડશે, કામ એકવારમાં નહીં પતે તો ધક્કા ખાવા પડશે અને ખર્ચો થશે. ત્યાં જ સંવેદના દિવસ સેવા સેતુ તેમના ગામમાં જ યોજાયો. જાણે કે ઘેર બેઠા ગંગા આવી. અહીં તેમનું નામ ધરમ ધક્કા, સમય અને નાણાંના ખર્ચ વગર રેશનકાર્ડમાં દાખલ થઈ ગયું. આનંદિત વસંતકુમારે જણાવ્યું કે, સેવા સેતુથી મારા ગામના લોકોના અટકેલાં કામો સહેલાઇથી થઈ ગયાં. ગામ લોકોને તેનાથી ખૂબ ફાયદો થયો છે.

આધારકાર્ડમાં સુધારો કરવાનું કામ ચપટીમાં પતી ગયું

વાલાવાવના દિનેશ રબારીની દીકરી વૈષ્ણવીના આધારકાર્ડમાં દાખલ નામમાં ભૂલ હતી. સુધારો કરાવવો જરૂરી હતો. સેવા સેતૂમાં આ કામ ચપટીમાં પતી ગયું. એમણે કહ્યું કે, આ નાના પણ અગત્યના કામ માટે સેવા સદન સુધી લાંબા થવું પડતું. સમય અને ભાડું ખર્ચાતું. એ બધું બચ્યું અને સેવા સેતુથી ગામમાં જ કામ થઈ ગયું. અત્રે નોંધ લેવી પડે કે, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રો દ્વારા અરજદારોના કામના સ્થળ પર અને હકારાત્મક નિકાલના અભિગમ સાથે જ સેવા સેતુ યોજવામાં આવે છે. આ સંવેદનશીલતાને લીધે સેવા સેતુ આયોજનો ગ્રામજનો માટે આનંદનો અવસર બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments