Team Chabuk-Gujarat-Desk : આજે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ આવશે. છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 2 હજાર 676 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. સાથે સાંજ સુધીમાં એ પણ સામે આવી જશે કે મહાનગરોમાં કઈ પાર્ટી રાજ કરશે. કોરોના વાયરસના કારણે આ વખતે મતગણતરીની પ્રક્રિયા થોડી મોડી પડે તેવી શક્યતા છે. પરિણામ સાંજના સમયે આવશે. સવારે આઠ વાગ્યાથી રૂઝાન આવવાનું શરૂ થઈ ગયા છે.
ક્યાં કેટલી બેઠકો માટે મતગણતરી ?
| શહેર | બેઠક |
| અમદાવાદ | 191 |
| સુરત | 120 |
| વડોદરા | 76 |
| રાજકોટ | 72 |
| જામનગર | 64 |
| ભાવનગર | 52 |
અમદાવાદમાં કુલ 48 વોર્ડમાં મતદાન થયું હતું જેમાં 24 વોર્ડની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થઈ રહી છે બાકીના 24 વોર્ડની મતગણતરી ગુજરાત કોલેજમાં થઈ રહી છે.
સુરતમાં કુલ 30 વોર્ડની મતગણતરી થઈ રહી છે. 16 વોર્ડની મતગણતરી SVNITમાં અને બાકીના 14 વોર્ડની મતગણતરી ગાંધી કોલેજમાં થઈ રહી છે.
વડોદરાના કુલ 19 વોર્ડની મતગણતરી પોલિટેકનિક કોલેજમાં થઈ રહી છે.
રાજકોટમાં કુલ 6 કેન્દ્રો પર મતગણતરી થઈ રહી છે.
જામનગરમાં 16 વોર્ડની મતગણતરી હરિયા કોલેજમાં થઈ રહી છે.
ભાવનગરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મતગણતરી શરૂ થતાની સાથે જ ઉમેદવારો મતગણતરી કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓનો પણ મતગણતરી કેન્દ્રો બહાર જમાવડો થયો છે.
બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મતગણતરી કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મતગણતરી કેન્દ્રો બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે.
સૌ પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી કર્યા બાદ ઈવીએમ મશીનમાં પડેલા મતની ગણતરી કરાશે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યું છે એવામાં મતગણતરીની પ્રક્રિયામાં પણ કોરોનાની ગાઈડલાઈન્સના તમામ નિયમોનું કડક રીતે પાલન કરી કર્મચારીઓએ મતગણતરી કરવી પડશે.
છ મહાનગરપાલિકાઓમાં સૌથી પહેલું પરિણામ ભાવનગરનું આવે તેવી શક્યતા છે. ત્યારબાદ જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરા અને રાજકોટનું પરિણામ આવી શકે છે. બપોર બાદ તમામ મહાનગરપાલિકાઓની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ગઈકાલે અફવા ફેલાઈ હતી
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલાં વિવાદ સર્જાયો હતો. ગઈકાલે મોડીરાત્રે ગુજરાત કોલેજના ઈવીએમમાં છેડછાડ થઈ હોવાની અફવા ફેલાતા બબાલ થઈ હતી. અફવા ફેલાતાની સાથે જ કેટલાક ઉમેદવારો તાત્કાલિક ગુજરાત કોલેજ પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો હતો. બનાવની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. અફવા ફેલાઈ હતી કે શાસકપક્ષના કેટલાક કાર્યકર્તાઓ EVM લઈ ગયા છે. જેથી ચૂંટણી લડી રહેલા અન્ય ઉમેદવારો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને અંદર જવા માટે પોલીસ સાથે બોલાચાલી કરી હતી.
તો એલડી એન્જિનિયરિંગ કોલેજ બહાર આમ આદમી પાર્ટીના કાર્યર્તાઓએ એક શંકાસ્પદ વાહન ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસ અને કોંગ્રેસ બંનેનો લોગો લગાવેલો હતો. કારમાં બેસેલા લોકો નશાની હાલતમાં હોવાનો પણ દાવો કર્યો હતો. ગાડીમાંથી શંકાસ્પદ દારૂની બોટલ પણ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત