Homeવિશેષસિંહાસન બત્રીસી : રાણી રૂપવતીની અંતિમ વાર્તા

સિંહાસન બત્રીસી : રાણી રૂપવતીની અંતિમ વાર્તા

Team Chabuk : બત્રીસમી પુતળી રાણી રૂપવતી સિંહાસનમાંથી બહાર આવી. તેણે જોયું કે રાજા ભોજને એ સિંહાસન પર બેસવાની કોઈ રૂચિ નથી. તેઓ હજુ પણ સિંહાસનને એકધારા તાકી રહ્યા હતા. કોઈ વિચારોમાં ખોવાઈ ગયા હતા.

‘મહારાજા’ તેણે રાજા ભોજના વિચારોમાં ખલેલ પહોંચાડતાં પૂછ્યું, ‘આજે તમારામાં સિંહાસન પર બેસવા માટે પહેલા જેવી વ્યગ્રતા કેમ નથી દેખાઈ રહી?’

રાજા ભોજે કહ્યું, ‘રાજા વિક્રમાદિત્યના દેવતાઓવાળા ગુણની કથા સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આટલી વિશેષતાઓ અને એ પણ એક મનુષ્યમાં તો અસંભવિત છે. મારામાં તો કેટલી બધી ઉણપો છે. હું રાજા વિક્રમાદિત્યની તોલે ન આવું.’

‘તો તમને શું લાગે છે ?’ રૂપવતીએ પૂછ્યું.

‘હું આ સિંહાસનને લાયક નથી. હું આ સિંહાસનને એ જ જગ્યાએ ફરી દટાવી દઈશ જ્યાંથી આ નીકળ્યું હતું.’

રાજા ભોજનું આટલું જ બોલવું હતું ત્યાં તો સિંહાસનમાંથી એક બાદ એક તમામ પુતળીઓ સામે આવી ગઈ. તેમણે આનંદિત થઈને રાજા ભોજના નિર્ણયનું અભિવાદન કર્યું. પુતળીઓએ ભોજને જણાવ્યું, ‘આજથી અમને મુક્તિ મળી ગઈ. આજથી આ સિંહાસન પુતળીઓ વિનાનું થઈ જશે. મહારાજા ભોજ તમારામાં પણ વિક્રમાદિત્ય જેવા આંશિક ગુણો છે. નહીં તો તમને આ સિંહાસનના દર્શન કેવી રીતે થાય ?’

અચાનક પુતળીઓ શાંત થઈ ગઈ. મહારાજાએ પૂછ્યું, ‘કેમ શું થયું ?’

‘હવે સિંહાસનની આભા ઓછી પડી જશે. ધરતીની તમામ વસ્તુઓની માફક તેને પણ એક દિવસ જૂનું અને જર્જીરીત થઈ નષ્ટ થવું પડશે.’

આટલું કહી એ પુતળીઓએ રાજા પાસેથી વિદાય લીધી. એ આકાશમાં ઊડવા લાગી. આંખના પલકારે જ એ પુતળીઓ આકાશમાં વિલીન થઈ ગઈ.

પુતળીઓના ગયા પછી મહારાજાએ કર્મચારીઓને બોલાવ્યા અને ખાડો ખોદવાનો આદેશ આપ્યો. મજૂરો દ્વારા ખાડો ખોદવામાં આવ્યો એ પછી પંડિતો દ્વારા વેદશાસ્ત્રો મુજબ પાઠ ભણવામાં આવ્યા. માટી નાખીને એવી જ ટોચ બનાવવામાં આવી. જેના પર ભરવાડનો છોકરો બેસીને ન્યાય આપતો હતો. સિંહાસન દાટી દીધા પછી તેના પર બેસવાની દરેક વ્યક્તિએ કોશિશ કરી પણ હવે તેમાં પહેલા જેવો જાદુ નહોતો રહ્યો.

ઉપસંહાર

દરેક સિંહાસન બત્રીસીમાં ઉપસંહારના રૂપે એક કથા વધારે જોવા મળે છે. ગુજરાતી કે હિન્દીના પુસ્તકોમાં તો તે અપ્રાપ્ય જ છે. એ બાકી બચેલી કથામાં સિંહાસનને દાટ્યા પછી શું થયું તેની કથા છે. સંસ્કૃત સંસ્કરણમાં આ કથા નથી પણ તેને લોકોએ લોકકથાના મારફકે જીવંત રાખી છે. લોકોમાં તે ખૂબ જ પ્રચલિત છે. એ વાર્તા પણ વાંચો.

****

સિંહાસન ગયું ક્યાં ?

ઘણા વર્ષો પસાર થઈ ગયા. એ ટોચ એટલી પ્રસિદ્ધ થઈ ચૂકી હતી કે દૂર દૂરથી તેને જોવા માટે લોકો આવતા હતા. તમામને ખબર હતી કે આ ટોચની નીચે સિંહાસન છે. એક દિવસ ચોરોની એક ટૂકડીએ નક્કી કર્યું કે એ સિંહાસનના ટૂકડા ટૂકડા કરીને વેચી નાખીએ.  

તેમણે ટોચથી ઘણે દૂર એક ખાડો ખોદ્યો. એ ખાડામાંથી સુરંગ કાઢી જે સીધી સિંહાસન સુધી પહોંચતી હતી. સિંહાસન સુધી તેઓ પહોંચી ગયા અને સુરંગમાંથી બહાર કાઢી તેને એક નિર્જન સ્થળ પર લાવ્યા.

તેના પર જોર જોરથી હથોડાના પ્રહાર કર્યા. હથોડો મારતા જ એવી ભયાનક આગ નીકળતી હતી કે તેનાથી હાથ સળગવા લાગતો હતો. સિંહાસનમાં તો એટલા રત્નો અને માણેક લગાવેલા હતા કે ચોર પોતાનો મોહ ત્યાગ નહોતો કરી શકતા.

સિંહાસન સમગ્ર રીતે સોનાથી નિર્મિત હતું. ચોરોને લાગતું હતું કે તમામ સોનુ વેચી દીધાં પછી અઢળક સુવર્ણમુદ્રાઓ મળી જશે. અને તેમના હાથમાં એટલું ધન આવશે કે તેમની પેઢીઓને વર્ષો સુધી કમાવાની જરૂર નહીં પડે.

એ હથોડી લઈ મહેનત કરતા રહ્યા પણ સિંહાસનને તો જરા અમથી પણ આંચ નહોતી આવી રહી. હથોડી મારતા જે અગ્નિ નીકળતી તેનાથી તેમની આંખ દુખવા લાગી હતી. હથોડીના ઘા મારી મારીને થાકી ગયા પછી તેમણે એકબીજાને કહ્યું, ‘આ સિંહાસનમાં નક્કી કોઈ ભૂત છે.’

‘હા, સાચી વાત છે. નહીં તો મહારાજા ભોજ આ સિંહાસન છોડી કેમ દે?’

ત્રીજા ચોરે કહ્યું, ‘મહેલમાં રાખ્યા પછી તેમને જરૂર કોઈ પરેશાની થઈ હશે. બાકી આટલા મૂલ્યવાન સિંહાસનને કોઈ જમીનમાં કેમ દાટી દે?’

એ વિચારવા લાગ્યા કે આનો મોહ મહારાજા વિક્રમની માફક જ ત્યાગી દેવો જોઈએ.

ચોરનો મુખીયા બોલ્યો, ‘સિંહાસનને તોડી તો ન શકાય પણ તેને ઉઠાવીને બીજી જગ્યાએ તો લઈ જ જવાય ને ? એ જગ્યાએ જ્યાં આ સિંહાસનથી કોઈ પરિચિત ન હોય અને તેને મોટી કિંમતે વેચી દેવાય.’

ચોરોએ એ સિંહાસનને બરાબર કપડામાં વીંટી લીધું અને બીજા રાજ્યમાં તેને લઈ જવાની યોજના બનાવવા લાગ્યા. એ સિંહાસનને લઈને મહીનાઓની યાત્રા બાદ દક્ષિણ રાજ્યમાં પહોંચ્યા. દક્ષિણમાં એ સિંહાસન વિશે કોઈને કશી ખબર નહોતી.

તેમણે સોનીનો વેશ ધારણ કર્યો અને ત્યાંના રાજાને મળવાની તૈયારી કરવાનું નક્કી કર્યું. તેમણે રાજાને એ રત્નજડિત સુવર્ણ સિંહાસન દેખાડતા કહ્યું કે, ‘અમે તો ખૂબ જ દૂરના રહેવાસી છીએ. અમારી જીવનની મૂડી લગાવીને આ સિંહાસન તૈયાર કરાવ્યું છે.’

રાજાએ એ સિંહાસનની શુદ્ધતા માટે પોતાના રાજ્યના ઝવેરીઓ અને ખ્યાતનામ સોનીના કારીગરોને બોલાવ્યા. જે પણ સિંહાસનના સોનાની શુદ્ધતાની તપાસ કરતું હતું એ વખાણ કરતા થાકતું નહોતું. આવું અનમોલ સિંહાસન તેમણે જીવનમાં ક્યારેય નહોતું જોયું.

રાજાએ સોનીના વેશમાં આવેલા ચારે ચોરોને મોઢે માગ્યું ધન આપ્યું અને સિંહાસન તેમના બેસવા માટે લઈ લીધું. એ સિંહાસનને દરબારમાં રાજાના બેસવાની જગ્યાએ રાખવામાં આવ્યું ત્યારે તેની અલૌકિક રોશનીથી એ ઝગમગાવા લાગ્યું. રાજાએ પંડિતોને બોલાવ્યા. એક શુભ મુહુર્ત પર પૂજા કરાવી. પૂજા પત્યા પછી એ તેના પર બેસવા લાગ્યો.

સિંહાસનની ચર્ચા તો દૂર દૂર સુધી ફેલાવા લાગી. ક્યાં ક્યાંથી લોકો તેને જોવા માટે આવતા હતા. તમામ લોકો રાજાના ભાગ્યની પ્રશસ્તિ કરતા હતા કે આવું સિંહાસન તો નસીબવાળાને જ મળે. આ વાત ધીમે ધીમે રાજા ભોજના કાને પડી ગઈ. એમને મનમાં થયું કે ક્યાંક એ વિક્રમાદિત્યનું સિંહાસન ન હોય. એમણે તાત્કાલિક મજૂરોને બોલાવ્યા અને ટોચને ખોદાવવાનો નિર્ણય લીધો. ટોચ ખોદાવતા તેમની શંકા સત્ય નીકળી. સિંહાસન નહોતું.

રાજા ભોજ મનમાં ગણગણ્યા, ‘એ રાજા સિંહાસન પર આરૂઢ કેવી રીતે થઈ ગયો ? શું એનામાં પણ રાજા વિક્રમાદિત્યના જ ગુણોનો ભંડાર છે. જો તેનામાં એવા ગુણ હોય તો મારે તેની સાથે ભેટ કરવી જોઈએ.’

તેમણે કેટલાક કર્મચારીગણો અને સૈનિકોની સાથે એ રાજ્યનો પ્રવાસ કરવાનો નક્કી કર્યો. ખાસ્સા દિવસોની યાત્રા બાદ રાજા ભોજ પોતાના લોકોની સાથે દક્ષિણમાં પહોંચ્યા. એ રાજાએ તેમનો આદર સત્કાર કર્યો.

રાજા ભોજે તેને સિંહાસન વિશે પૂછ્યું, ‘આ સિંહાસન પર બેસવામાં તમને કોઈ મુસીબત…’

‘ના… ના મહારાજા ભોજ. હું તો આરામથી બેસી ગયો. મને કોઈ મુસીબત કે તકલીફ નથી પડી.’ મહારાજા ભોજ તો ચોંકી ગયા.

‘કોણ આપ્યું ?’

‘કોઈ ચાર સોની આવ્યા હતા.’

‘સોની ?’

‘કેમ શું થયું ?’

રાજા ભોજે પોતાના જ્યોતિષીઓ અને પંડિતોની સાથે વિચાર વિમર્શ કર્યો. અનુભવી પંડિતે કહ્યું, ‘મહારાજા કદાચ હવે તમે વિચારો છો એવું છે નહિ. એ સિંહાસનમાં હવે પહેલા જેટલી અને જેવી શક્તિઓ નથી રહી. એવું પણ હોય શકે કે જે હીરા અને માણેક તમારી આંખને ઓઝલ કરે છે એ ખોટા પણ પડી ગયા હોય. એ કાચના ટુકડા માત્ર હોય.’

પેલા રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે કહ્યું, ‘આ વાત અસંભવ છે. મારી પાસે આવેલા સોનીઓ પાસેથી ખરીદતા પહેલા મેં મારા અનુભવી ઝવેરીઓ પાસેથી તેની તપાસ કરાવી હતી. તમે કહો તો ફરી એક વખત.’

‘તપાસ કરી લેવી જોઈએ, કારણ કે એ સોની નહીં ચોર હતા.’ રાજા ભોજની વાત સાંભળી દક્ષિણના રાજાની તો આંખો પહોળી થઈ ગઈ. મહારાજા ભોજે એ સિંહાસનના ઈતિહાસની આખી વાત રાજાની સામે મૂકી.

ફરી સિંહાસનને ઝવેરીઓના હવાલે કરવામાં આવ્યું. મહારાજા ભોજના પંડિતો સાચા ઠર્યા. એ સિંહાસન પોતાની ઓળખ ગુમાવી ચૂક્યું હતું. એકદમ પીતળનું થઈ ગયું હતું. રત્ન અને માણેકની જગ્યાએ કાચના રંગીન ટૂકડાઓ હતા. સિંહાસન પર બેસનારા રાજાને પણ ઘોર આશ્ચર્ય થયું. તેણે પોતાના જ્યોતિષીઓ અને પંડિતોને બોલાવ્યા અને આ રહસ્યની તપાસ કરવાનું કહ્યું.

એમણે તપાસીને કહ્યું, ‘મહારાજા સિંહાસન હવે અપવિત્ર થઈ ગયું છે. તેનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. હવે મૃત સિંહાસનને શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરી પાણીમાં વહાવી દેવું જોઈએ.’

મહારાજાએ શાસ્ત્રોક્ત વિધિથી પૂરા સન્માન સાથે એ સિંહાસનને કાવેરી નદીમાં વહાવી દીધું.

સમય પસાર થઈ ગયો. એ સિંહાસન હવે ફક્ત પાનાઓમાં રહી ગયું છે. લોકકથાઓ અને જન માનસમાં તેની ચર્ચાઓ થયા કરે છે. ખબર પડી કે સિંહાસનને કાવેરી નદીમાં ડૂબાડી દેવામાં આવ્યું છે ત્યારે અન્ય રાજ્યનાં રાજાઓએ તેની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તરવૈયાઓને પાણીમાં કૂદાવેલા અને તેની શોધ કરેલી. પણ આજ સુધી એ સિંહાસનનો પતો નથી લાગ્યો. લોકોનો વિશ્વાસ છે કે આજે પણ જો વિક્રમાદિત્યની ખૂબીઓ ધરાવતો કોઈ સમ્રાટ હોય તો એ સિંહાસન પોતાની તમામ વિશેષતાઓ અને ચમકની સાથે બહાર આવી જશે.

(સંપૂર્ણ)

સિંહાસન બત્રીસીની આ શ્રેણી તમને કેવી લાગી તે જણાવવાનું ભૂલતા નહીં. ફરી પધારીશું ભારતના આવા જ ભવ્ય વારસાની વાતો સાથે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments