Homeગુર્જર નગરીપ્રવાસન દિવસઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બતાવતા રાજુ ગાઈડ જેવા મયુરસિંહ

પ્રવાસન દિવસઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બતાવતા રાજુ ગાઈડ જેવા મયુરસિંહ

Team Chabuk-Gujarat Desk: ૨૭મી સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઓળખાય છે. પ્રવાસનના વિકાસમાં જે તે સ્થળના જાણકાર ગાઇડ્સનું પણ નોંધપાત્ર યોગદાન હોય છે. ગાઈડ એટલે તળ ગુજરાતીમાં ભોમિયો. ગાઈડ એ પ્રવાસનનો આત્મા છે. પ્રવાસ ધામ ઐતિહાસિક, ધાર્મિક, પ્રાકૃતિક કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમાન ટેકનોલોજીની કરામત જેવું હોય, ગાઈડ કે ભોમિયો પ્રવાસમાં પ્રાણ પૂરે છે. જો પ્રવાસી મહેમાન છે તો ગાઈડ પ્રવાસધામનો યજમાન છે જે અતિથિ સત્કારની સાથે પ્રવાસને જ્ઞાન સમૃદ્ધ અને યાદગાર બનાવે છે.

rps baby world

ક્લાસિક હિન્દી ચલચિત્ર ગાઇડમાં સદાબહાર દેવાનંદે ગાઈડ કે ભોમિયાની ભૂમિકાને અમર બનાવી છે. એ જ રીતે કેવડિયા કોલોની અને હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસને અને ખાસ કરીને અતિ વિશિષ્ઠ મહાનુભાવોના પ્રવાસને અહીંના સદાબહાર રાજુ ગાઈડ જેવા મયુરસિંહ રાઉલ આનંદપ્રદ અને યાદગાર બનાવે છે. મયુરસિંહ રાજપીપળાના સ્થાનિક વતની છે એટલે અહીંના ઇતિહાસ અને ભૂગોળથી વાકેફ છે. સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું છે છતાં, માત્ર અંગ્રેજી નહિ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં પ્રવાસીઓને અથ થી ઇતિ સુધીની માહિતી જીભના ટેરવે આપી શકે છે. મરાઠી એમના માતાની ભાષા છે એટલે કામચલાઉ મરાઠીમાં સમજણ આપવાની પણ તેમને ફાવટ છે. અને કુશળ ગાઈડ માટે એ અનિવાર્ય છે કે તે એક કરતાં વધુ ભાષાઓમાં પ્રવાસીઓને સ્થળની જાણકારી આપી શકે અને મયુરસિંહ આ કસોટીમાં ખરા ઉતરે છે. અને એટલે જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક  ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા ટુરિઝમ એકસેલન્સ એવોર્ડ ૨૦૨૧માં એમને બેસ્ટ ટૂર ગાઈડ ઓફ ગુજરાતની શ્રેણીમાં રનર્સ અપ એટલે કે ઉપવિજેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમના વહીવટી સંચાલક જેનું દેવને એમને આ એવોર્ડ પ્રદાન કર્યો હતો.

rps baby world

એસ.ઓ.યુ.ના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ જણાવે છે કે, મયુરસિંહ અગાઉ એચ.ડી.એફ.સી.બેંકમાં કાર્યરત હતા. એસ.ઓ.યુ. દ્વારા પ્રવાસીઓને ગાઈડની સુવિધા ઉપલબ્ધ કરાવવા તાલીમ યોજવામાં આવી જેની પ્રથમ બેચમાં તાલીમ લઈ આજે તેઓ ગાઈડ તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

કેવડિયાનું મુખ્ય આકર્ષણ વ્યક્તિત્વની દૃષ્ટિએ અતિ વિરાટ સરદાર સાહેબની મહા પ્રતિમા અને ગુજરાતનો મહા બંધ નર્મદા બંધ છે. તેની સાથે આ સ્થળને સંપૂર્ણ પ્રવાસ ધામ બનાવતા ૩૬ પ્રોજેક્ટ્સ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ટેકનોલોજીની કરામત છે તો તેની સાથે કુદરતી વિવિધતા, આરોગ્યમયતા,  સામાજિક ઉત્કર્ષ પ્રેરક અનેક આકર્ષણ આ સ્થળને યાદગાર દર્શનીયતા આપે છે.

મયુરસિંહની વિશેષતા એ છે તેઓ સ્ટેચ્યુના અણુએ અણુની ઝીણવટભરી જાણકારી ધરાવે છે તો નર્મદા બંધની અનોખી ખાસિયતો તેમની જીભના ટેરવે છે. અહીં બે પ્રકારના ગાઈડ હોય છે.એક ગાઈડ તમામ સ્થળો અંગે જરૂરી પ્રાથમિક માહિતી થી સુસજ્જ હોય છે, તો બીજા સ્થળ વિશેષના નિષ્ણાત ગાઈડ હોય છે. તેઓ પ્રથમ શ્રેણીના ગાઈડ છે એટલે દરેક સ્થળની, દરેક પ્રોજેક્ટની પ્રાથમિક જાણકારી ધરાવે છે.

rps baby world

તેમનો સહજ રમુજી સ્વભાવ પ્રવાસીઓની મુલાકાતને આનંદથી ભરી દે છે.તેઓ સ્ટેચ્યુના પ્રદર્શન વિભાગમાં જેટલી ગહનતા થી સરદાર સાહેબને પ્રેરક જીવન પર પ્રકાશ પાડે છે એટલી જ સહજતાથી પ્રતિમાના ચરણ સ્થળની મોકળી જગ્યાએ રમૂજો થી મુલાકાતીઓને આનંદિત કરી શકે છે. તેની સાથે તેમના વિનય,વિવેક અને સૌજન્યશીલતા પ્રવાસીઓને પ્રભાવિત કર્યા વગર નથી રહેતા. એટલે જ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જેવા ટોચના કેન્દ્રીય મંત્રીશ્રીઓ,અન્ય રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળો, વિદેશી રાજદૂતો, રાજદ્વારીઓ અને પ્રતિનિધિ મંડળો સાથે ગાઈડ તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે.

અને મોબાઈલ ક્રેઝી યુવા સમુદાયમાં તેમની એક ખાસિયત વિશેષ લોકપ્રિય છે. જો કે હવે નાના મોટા સહુને પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનો ભારે શોખ છે. મયુરસિંહ સ્ટેચ્યુના બેસ્ટ સેલ્ફી પોઈન્ટ્સની ઊંડી જાણકારી ધરાવે છે.એટલે સેલ્ફી દ્વારા પ્રવાસીઓના પ્રવાસને યાદગાર બનાવવામાં તેઓ યોગદાન આપે છે. કવિવર ઉમાશંકરે ભોમિયા વિના ડુંગરા ભમવાની હિમાયત કરી છે. પરંતુ ભોમિયા સાથે ડુંગરા ભમવાની કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસધામની મુલાકાત લેવાની લહેજત કંઇક અનેરી હોય છે. મયુરસિંહ જેવા ભોમિયા પ્રવાસને યાદગાર અને લહેજતદાર બનાવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments