‘‘આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઇચ્છીએ. આ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, માટે એ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે.’’
~ સુરેશ જોષી જનાન્તિકે
મયૂર ખાવડુ: સર્જક કોઈ એક એવા સાહિત્યિક પ્રકારની શોધમાં હોય છે જ્યાં તે પોતાનું જીવન ઉતારી શકે. આત્મકથામાં એ થઈ શકે પણ દરેકનું જીવન આત્મકથામાં ઢાળવા લાયક તો નથી હોતું. આપણે સૌ ક્યાં સરખા છીએ. નથી ચહેરાથી. નથી આકારથી. નથી જીવનથી. નથી વ્યવસાયથી. નથી કળાથી.
જીવનમાં બનેલા કેટલાક એવા પ્રસંગો હોય છે જેની છાપ છોડવા માટે સર્જકની અંદરનો દાવાનળ ભભૂકતો હોય છે. કવિ હોય તો કદાચ એ કવિકર્મથી પોતાના જીવનને તેમાં ઉતારવા મથે છે. ભાતભાતના રંગો પૂરે છે. લેખક કોઈ વખત વાર્તા પર આવે છે. નવલકથા પર આવે છે. કેટલી બધી જગ્યાએ પોતાની કલમને નીચોવી નાખે છે. તોય જોઈતું ચિત્ર ઉપસતું નથી. એમને મજા આવતી નથી. મજા નથી આવતી એટલે એનો અર્થ એ નથી થતો કે હવે બંધ કરી દેશે. એ નિબંધના સ્વરૂપને પકડે છે. નિબંધમાં સર્જકને જે ખીલવાની પુષ્કળ તક મળે છે એવા બીજા કોઈ સાહિત્યિક સ્વરૂપોમાં શાયદ નથી મળતી.
વ્યક્તિ જેમ જેમ મોટો થાય તેમ તેમ તેને પોતાના શૈશવનું સ્મરણ થતું જાય છે. એક એવું ઝાડ જેને મૂળિયા દેખાતા નથી પણ જોવા છે. એ માત્ર અનુભવી શકે છે. જ્યારે એ નાનો હતો ત્યારે અંદર કેવાં હતાં. હવે તો વિરાટ થઈ ગયો છે. કોઈનો હાથ તેની ટોચે ન આંબે એટલો મોટો થઈ ગયો છે. આ ઊંચાઈ ક્યાં જઈ ઊભી રહેશે. હું જે છું એ તો મૂળિયાથી જ છું.
કોઈ અગમ શક્તિ સર્જકને ધક્કો મારે છે અને તે વર્તમાનમાં હોવા છતાં ભૂતકાળમાં ચાલ્યો જાય છે. આવું તેની સાથે વારંવાર-અહર્નિષ બન્યાં કરે છે. એને ભવિષ્યની સમૃદ્ધિની નથી પડી પણ મારો ભૂતકાળ કેવો ઠાઠમાઠ ધરાવતો હતો તેની પડી છે.
એને એ શેરીમાં પાછો આટો મારવો છે. એના ગામમાં આવી ચડેલા શ્રાવણના માવઠાનો નજીકથી સ્પર્શ કરવો છે. ભીની માટીની સુગંધને ધ્રાણેન્દ્રિયમાં ભરવી છે. અત્યારે તો એ શહેરમાં છે. શહેરમાં પડતાં વરસાદને જોઈ તેની અંદર ગાજવીજ થવા લાગે છે. આ ગાજવીજ કાંઈ એના શહેરની નથી. આ તો એના વતનની માટીની ધૂળની છે. પ્રથમ વર્ષાની માટીની ભીની ભીની સુગંધ. માથામાં શણનો કોથળો ઓઢીને કેવા હાલ્યા જતાં હતાં! એ સૃષ્ટીમાં અલોપ થઈ જવા તેનું મસ્તિષ્ક પાપા પગલી ભરવા માડે છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં ઢેલ પગલાં મૂકે ત્યારે તેના પગલાંની છાપનું સ્મરણ થાય છે. કાંઈક તેવું જ. તેના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટે છે અને તે પોતાના ગામની નદીની નજીક ચાલ્યો જાય છે. જ્યાં ઊભા છે તેના સ્વજનો. જ્યાં ઊભા છે તેના બા-બાપુજી. તેના બાપુજી તેની આંગળી પકડીને તેને નદીની સમજણ આપે છે. એ સમજણ પણ નદીના ઘોડાપૂરના અવાજની સાથે દબાય જાય છે. એ ધ્યાન નથી આપતો. બાપુજીએ કહેલું આપણે ક્યાં માથે ચડાવીએ છીએ. બાકી એકડે એકથી સમજવાની આપણે શરૂઆત થોડી કરવી પડે.
બાપા વિશે તો જનક ત્રિવેદીએ મારો અસબાબ પુસ્તકના ‘શ્રાવણનાં થોડાં માવઠા-એક’ નામના નિબંધમાં કેટલી સાચી અને સરસ વાત કરી છે, ‘કોઈ પણ પ્રકારના બાપા હોય પણ તે મહાન કર્મ, દાર્શનિક, પવિત્ર, ભલાભોળા, ઉદાર, પ્રામાણિક અને સાલસ જ હોવાના. ખાસ કરી ગુજરાતી સાહિત્યકારના બાપા.’
ગુજરાતી સાહિત્યકારના બાપા કોઈ દાડો ખરાબ નથી હોતા. એ ઊચ્ચ વિચારો ધરાવતા હોય છે. પુસ્તકો વચ્ચે જ આળોટતા હોય છે. સાત ધોરણ ભણેલા હોવા છતાં તેમનાં વાંચન વિશાળનું તો શું કહેવું. ‘અ’ નામનો લેખક તેના ‘આ’ નામેરી બાપા વિશે લખે છે કે એમણે હજ્જારો પુસ્તકો વાંચ્યા છે. ને તોપણ લેખક ન બનીને ગુજરાતી ભાષાની તેમણે કેટલી સેવા કરી છે?
આપણી ધડાધડ ચાલતી ગાડી પાટા પરથી ઉતરી દૂર ચાલી ગઈ. બાપા પછી માતાનો વારો આવે. આ બે પાત્રો વિશે તો કલમઘસુ લેખક ખોટું ન જ લખી શકે. અતિશ્યોક્તિ પણ કરે. હું ય એમાંથી બાકાત તો નથી જ રહી શકવાનો.
મારી પણ એક શેરી છે. જેમાં કાંટાની વાડની પાછળ બકરાઓ એકધારા બેં બેં કરી રહ્યા છે અને કોઈ દોણીયો આવી એવી અફવાઓ ફેલાવે છે કે, ‘ગ્યરમાંથી સિંહ આયવો છ. સંધાય બકરાઉંને સોડી મેલો.’ આ તો આપણી એક જૂની વાર્તા જેવું કાંઈક થ્યું.
એ વાડની પાછળ ભેંકાર સ્મશાન છે. એ સ્મશાનમાં રાતના નીકળીએ તો ચૂડેલ ભરખી જાય તેવી ગામમાં અફવા ઉડી રહી છે. નવરાત્રિની રાતે એ સ્મશાનની નજીકમાંથી પસાર થાઉં અને એનકેન પ્રકારે એ શબ્દો મને ચૂડેલની જેમ વળગી પડે. હું તેનાથી વછૂટવાની ખૂબ કોશિશ કરું પણ વછૂટી ન શકું. એ ક્ષણે મારી અંદર ભૂત સિવાયનો કોઈ વિચાર ન હોય. હિરણ નદીમાંથી સતત વહેતો પાણીનો ખડખડ પ્રવાહ અને ભારે પવનના કારણે બાળવનું ઝાડ કાંઈક અગોચર અવાજ કરતું હોય. ઉનાળો ગયા પછી આંબો કેરી વિના બિહામણો લાગે. એ સૂડસૂડ અવાજ કરે અને મને થઈ જાય કે સાચુંકલા આ તો ભૂત આવ્યું. હું બે હાથની મુઠ્ઠીઓવાળી ભાગવા લાગું. જ્યાં સુધી નરસિંહ ટેકરીનું ઘર નથી આવી જતું ત્યાં સુધી મારી મુઠીયું અને ઘાયે ઘા ધોડવાની સ્પીડમાં ઓછપ નથી આવવા દેતો. ઘરે જઈ ધડાધડ બારણું ખખડાવવા લાગું. જો કોઈ રામાપીરના મંદિરે બેઠેલું હોય તો મારી બીકને ઉડાવી શૂરવીરતાના ભાવ ચહેરા પર લાવી દઉં. રાતરાણીની જેમ સુગંધ પથરાવતો હું એની સાથે વાતે લાગી જાઉં છું.
‘સ્મશાન બાજુના રસ્તેથી આઈવો ?’ એ પૂછે. જાણે મને ચૂડેલ ચોંટી ગઈ હોય અને એનો ચેપ આવડા ઈને લાગવાનો હોય.
‘હા.’ હું ઊંચા અવાજે બોલું. સાચી તો મને ખબર હોય કે મારા ઝાંક મોકરા થઈ ગયેલા. તોપણ એ ‘હા’ કાંઈક એવી રીતે બોલાયું હોય કે સામે વાળો તો હતભ્રત થઈ જાય. એને મારી વીરતા પર વિશ્વાસ આવી જાય.
નોરતા કાંઈ એમ થોડાં પૂરા થવાનાં હોય. દસ દિવસ સુધી ચાલે અને છેલ્લા દિવસે નરસિંહ ટેકરીની ગોપાબાપાની ને દિનેશભાઈની ગરબીએ ઈનામનું વિતરણ થવાનું હોય ત્યારે તો ઈનામમાં શું શું મળવાનું છે એ જોવા જવાનું જ. દસમાં દિવસે જવાનું મારું અને પ્રતીકનું કારણ તો એ જ કે ત્યાંથી પ્રસાદી મળે અને ઘરેથી બે રૂપિયા મળે તો હોકો ખાવાનો. જેને હોકો ખાવો હોય એ હોકો ખાઈ જેને પીપરમેન્ટ ખાવી હોય એ પીપરમેન્ટ ખાઈ. બખાઈ આંબલી ખરી પણ બે દિવસ સુધી દાંત ખાટા રહે એની મજા ન આવે. મોટાભાગે તો ગરમા ગરમ ખારીશીંગે જ પતાવીએ.
તાલાળામાં નવરાત્રિના દિવસોએ બા એની બહેનપણીઓની સાથે કોઈ એક દિવસ પસંદ કરી નીકળતી. આસ પડોશની બધી સ્ત્રીઓ હોય અને સાથે હોઈએ હું, મારો ભાઈ અને પ્રતીક. અમારો જવાનો ઉદ્દેશ્ય તો એટલો જ કે બા દાબેલી કે પાણી પુરી ખવડાવે. બાકી ગરબા કોને જોવા હોય? અમારા માટે ગરબા એટલે બાનો ભાગ. એ ભાગ મોંઘો પડી જતો. બા એક એક ગરબી રખડાવતી. જ્યાં બેસે ત્યાંથી ઊભા થવાનું નામ જ ન લે. એ પંદર મિનિટ પણ મને તો કલાકો જેટલી લાંબી લાગતી. હું બાનો પાલવ ખેંચતો પણ એ ઊભી ન થતી. છેક રાતના સાડા અગિયાર બાર વાગ્યે અમારો દાબેલી ખાવાનો વારો આવતો. પછી તો થોડા મોટા થયા એટલે એકલા જવાની છૂટ મળી ગઈ. એ એકલા જવામાં જ સ્મશાનની આ શૂરવીરતાનું પરાક્રમ કરેલું.
સ્મશાનની બાજુમાંથી થઈને આવ્યો છું એ વાત મિત્ર સાંભળે એટલે આપણી શૂરવીરતાને સો સો સલામ ફટકારે. આપણેય યુદ્ધિષ્ઠિરની જેમ વેત અદ્ધર થઈ જઈએ! એ ભલે સાચું બોલીને થયા હોઈ આપણે તો ખોટું બોલીને જ થવું પડે. સારાનો ક્યાં જમાનો છે. આપણને થાય કે બે જણા વચ્ચે વાતું થશે. વાતો થાય પણ ખરી, જોકે એ મિત્ર આઠમાં નોરતે પોતાના ભેરુઓને લઈ આવે અને આ ભાઈ તો ક્યાં ચૂડેલથી ડરે છે. સ્મશાનવાળા રસ્તેથી ઓલે નોરતે આવ્યાં, કહી પાનો ચડાવે. એટલે બીજા પણ મારું ખોટું શૂરાતન જોવા માટેની હઠ પકડે. એ હઠાગ્રહ આગળ તો નમ્યે જ છૂટકો.
હું તો સૂનમૂન બેસી જાઉં. પ્રતીકને કઉં ખરો કે હાલ્યની મારી ભેગો, પણ પ્રતીકને બીજું કાંઈક કામ આડું આવી જ ગ્યું હોય. એ અંધારી રાતે તારા ટમટમતા હોય. સાથે આગિયાનું ટમટમવું પણ તારાને ઈર્ષ્યા પમાડતું હોય. અમારા તાલાળાના સીદી બાદશાહના છોકરાઓ આગિયાની પાછળ દોરો બાંધે અને પતંગ ચગાવતા હોય એમ ચગાવે.
રાતના દૂર દૂરથી ગરબીમાં ગાવાના અવાજો આવતા હોય. કોઈ વખત એ અવાજો જ ભેંકાર લાગી જાય. કેટલું ખરાબ ગાઈ! નોરતા જોઈને આવીએ એટલે મિત્રો પરાણે રાતના બાર વાગ્યે સ્મશાનની બાજુથી ચલાવે. મારી તો પૂરતી ઈચ્છા હોય કે હનુમાન દાદાના મંદિર બાજુથી જઈએ. એય હનુમાન ચાલીસા બોલતાં બોલતાં. રામનું નામ લેતા લેતા, પણ પેલા રઘવાયા થોડા જવા દે. એને તો આપણા પરાક્રમનું માપ કાઢવું હોય. છેલ્લે વીરતા દેખાડ્યે જ છૂટકો. ગાંધીજીની જેમ સત્યનો આગ્રહ રાખવો એ કેટલું વ્યાજબી, એનો તો એવે ટાણે ખ્યાલ આવે. ગાંધીજી વ્હાલા વ્હાલા લાગે. કપાતર મગજને આ શું સુઝ્યું કે સ્મશાનથી બીક નથી લાગતી. ચૂડેલથી બીક નથી લાગતી, આવું કહી બેઠા. ગાયની ચામડી બહારથી કેવી થરથર કાંપતી દેખાય. મનેય અંદરથી તો એમ જ થતું. ફરરર ફડક… ફડક… ને શાંતિ….
અમે સ્મશાન પાસે પહોંચીએ. રાતની નિરવતાને ચીરતો તમરો તેની એકાગ્રતામાં ભંગ પાડતો હોય. ગૌ શાળામાં બાંધેલી ગાયોના ભાંભરવાના અવાજો ય કાનને ભૂતડા આવ્યાંના ખોટા સંદેશાઓ પાઠવતા હોય. લખાનીના ચંપલ માંડ માંડ ડગલાં ભરતા હોય. લખાનીના ચંપલ ભાગવામાં સારા હો. એવું મિત્ર કહે ત્યારે સ્મશાને જો ચૂડેલ મળી જાય તો લખાની કંપની થોડી દોડવામાં ટેકારૂપ થવાની છે. લખાનીનો તો વીમોય નથી.
મને તો દલપતરામે કહેલી વાત યાદ આવી જાય છે, ‘‘ગુજરાતમાં ભૂતનો ભ્રમ ઊપજે છે, તેનું એક દૃષ્ટાંત છે, કે જેમ કોઈ એક ભોળો માણસ વનમાં ચાલ્યો જતો હતો. અને ત્યાં ઘણી ભયંકર જગ્યા જોઈને બીહીવા લાગ્યો, કે હમણાં અહીંયાથી વાઘ આવશે, કે પણેથી આવશે, તેવામાં કોઈ ઝાડનાં પાનડાં ખડખડ્યાં, એટલે જાણ્યું કે વાઘ આવ્યો; એટલે તરત મુઠિયો વાળીને પાછો નાઠો…’’
ફરી એ જ વસ્તુ. બાવળનું ઝાડ હલબલે છે. કેરી વિનાનો આંબો તો ભયંકર બાપલિયાં. પાણી સાથે પવનમાં ઠંડકનું મેરવણ થઈ ગયું હોય. સ્મશાન આવી ગયું હોય. ઉઉઉઉઉ કરતું કૂતરૂં રડવા લાગે. એ ચારમાંથી એક મિત્રને તો પછી સાચેક ચૂડેલ આવી ગઈ હોવાનું લાગી જાય. એ ભાગે. એની પાછળ બીજા ભાગે. કાંટાની વાડની પાછળ રહેલા રબારીભાઈઓનાં છૂટાછવાયા ઘેંટાઓ અમારા ગાડરિયા પ્રવાહ પર તેની ભાષામાં હસે. અમારા પગ ધબ ધબ કરતાં જતાં હોય તો બકરીયુંની બે લીંડી વધારે મૂકાઈ જાય. સંધાયની પાછળ હું હોઉં. નરસિંહ ટેકરીના રામદેવ પીરના મંદિરે પહોંચીએ ત્યારે હું ફરી મારી શેખી મારું કે, ‘એલા હું રોકાવાનું કઉં તોય ભાગતા’તા કાં? બીકણા સારા…’ આ વખતે મારું પેલા ગાંધીજી વ્હાલા હતાં એ ક્યાં ગ્યું?
એ બચારા શું જવાબ આપે? અમારા અસલમ મીયાંને તો બીજા દિવસે જેનું અસ્તિત્વ જ નથી તેનાં અસ્તિત્વમાં જ રાચતા રાચતા તાવ આવી ગયો હોય. અમે રમવા બોલાવવા જઈએ એટલે એનાં ઘર માલીકોરથી અવાજ આવે, ‘ઈ દવાખાને ગુડાણો.’
(નિબંધ સંગ્રહ – નરસિંહ ટેકરીમાંથી)
~મયૂર ખાવડુ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત