Homeગુર્જર નગરીસ્વાગત કરો : 86 વર્ષ પછી ગીરના જંગલમાં વીસ ચિલોત્રાની (ગ્રે હોર્નબિલ)...

સ્વાગત કરો : 86 વર્ષ પછી ગીરના જંગલમાં વીસ ચિલોત્રાની (ગ્રે હોર્નબિલ) એન્ટ્રી

Team Chabuk-Gujarat Desk: અંગ્રેજીમાં કહેવાય ગ્રે હોર્નબિલ અને ગુજરાતીમાં કહેવાય ચિલોત્રા. આજથી બરાબર 86 વર્ષ પહેલા ગીરના જંગલમાં ચિલોત્રા પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. 1936માં આ પક્ષી કાળક્રમે લુપ્ત થઈ ગયું. હવે પક્ષીપ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. વીસ ચિલોત્રા પક્ષીઓને ગીરના જંગલમાં ફરી એક વખત છોડવામાં આવ્યા છે. આ પક્ષીઓને ગીરમાં પુનઃસ્થાપિત કરવા માટે વનવિભાગ દ્વારા રાખોડી ચિલોત્રા પક્ષીઓને પકડી ટેગ લગાડી તેને ગીર વિસ્તારમાં છુટા મુકવામાં આવ્યા છે. તેના મોનીટરીંગ દરમ્યાન આ પક્ષીઓ સામાન્ય વર્તુણક કરતા જોવા મળી રહ્યા છે.

પગમાં ટેપ મારી છોડવામાં આવ્યા

ગીરના જંગલમાં જે ચિલોત્રો પક્ષીને છોડવામાં આવ્યા છે તે રાખોડી રંગના છે. વીસ જેટલા ચિલોત્રા પક્ષીને અંબાજી નજીક આવેલા બાલારામ વિસ્તારમાંથી નિષ્ણાત ટ્રેપર્સની મદદથી પકડવામાં આવ્યા અને બાદમાં સાસણ જંગલ ખાતે લઈ જઈ ત્યાં પગમાં ટેપ મારવામાં આવી હતી. જેમાં સૌર ઉર્જાથી સંચાલિત સેટેલાઈટ ડિવાઈઝ પહેરાવાયું હતું. પગમાં રિંગ પહેરાવવામાં આવી હતી. સોલાર ઉર્જા સાથેના સેટેલાઈટ ડિવાઈઝ મારફત ટ્રાન્સમિટર્સ દ્વારા ડેટા મેળવી શકાય. રિંગમાં પક્ષીની ઓળખ માટે કોડ લખેલો હોય.

‘RSD’ અને ‘LK’

રાખોડી ચિલોત્રા જંગલ પરિસરતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા હોવાથી જાણીતા પક્ષીવિદ સ્વ. આર. એસ. ધર્મકુમારસિંહજીએ ગીરમાં રાખોડી ચિલોત્રાનું પુનઃસ્થાપન કરવા સૂચન કર્યું હતું. સૌરાષ્ટ્રના પક્ષીવિશેષજ્ઞ ધર્મેન્દ્રસિંહજી રાઓલ અને પક્ષીવિદ્દ લવકુમાર ખાચરની સ્મૃતિમાં ટેગ તૈયાર કરવામાં આવ્યા. જેમાં ‘RSD’ અને ‘LK’ લખવામાં આવ્યું હતું. જે ટેગને પક્ષીઓનાં ડાબા પગમાં બાંધવામાં આવ્યા છે. આ પૂર્વે પણ 1980ની સાલમાં 6 ગ્રીન હોર્નિબલ જંગલમાં છોડવામાં આવ્યા હતા. જોકે તે બાદમાં પલાયન કરી ગયા હતા.

ગીરના જંગલમાં કેવી રીતે ઉપયોગમાં આવશે?

ગ્રે હોર્નબિલ એટલે કે આપણા ચિલોત્રોની ખાસિયત એ છે કે એ કોઈ પણ ફળ, જેવા કે વડના ટેટા, લીમડામાં લીંબોડી, ખીજડાના બી, ગરમાળાની શિંગ વગેરે મોમાં લઈ ઉડે છે. પણ દરેક ફળને તે ગળા નીચે ઉતારતું નથી. મોટાભાગનાને પોતાની મોટી ચાંચથી ફોલી ફેંકી દે છે. એ જમીનમાં નીચે પડે ત્યાં વૃક્ષ ઉગી નીકળે છે. એટલે કે ચિલોત્રો કુદરતી સંપદાની વૃદ્ધિ કરનારું પક્ષી છે. ગીરને એ કારણે જ ચિલોત્રો ફળવાનો છે.

આવી હોય છે જીવનશૈલી

આ પક્ષી હંમેશા જોડીમાં વસવાટ કરે છે. માદા ઈંડા મૂક્યા બાદ માળામાં ફક્ત નર પક્ષી પોતાની ચાંચ ઘુસાડી શકે એટલી જગ્યા જ ખુલ્લી રાખે છે. ત્રણ મહિના સુધી માદા બચ્ચાઓની સાથે રહે છે અને નરની જવાબદારી ભરણપોષણની હોય છે. નર ખોરાક શોધી લાવી માળામાં મૂકતો જાય છે. નર નાની એવી બખોલમાં ચાંચ નાખી તેમાં લાવેલો ખોરાક માદા અને બચ્ચાઓને આપે છે. જો કોઈ કારણોસર નરનું મૃત્યુ થઈ જાય છે તો બચ્ચા અને માતા પણ મૃત્યુ પામે છે. તેની પાછળનું કારણ છે કે માદા આ માળાને અંદરથી તોડી શકતી નથી. ત્રણ મહિના બાદ બહારથી નર માળો તોડે છે. માળો તોડ્યા બાદ ફરી બખોલનું મોઢું બંધ કરી દે છે. જ્યારે બચ્ચાઓ પુખ્ત થાય ત્યારે તે માળાની બહાર કાઢે છે. ઘેઘુર ઝાડીઓમાં અને ગીચ જંગલમાં ચિલોત્રો પક્ષી માળો બનાવવાનું પસંદ કરે છે.

દેખાવ વિશે

ઈન્ડિયન ગ્રે હોર્નબિલને ભારતીય રાખોડી દૂધરાજ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો અગાઉ કહી ગયા તે પ્રમાણે તેને ચિલોત્રો કે ચિલોતરો પણ કહેવામાં આવે છે. આ પક્ષી દૂધરાજ કૂળનું હોય છે. દેખાવમાં ભલે ગમે તેવું હોય પણ તેની ચાંચ વિશેષ આકર્ષણ જગાવે છે. ચાંચની ઉપરના ઉપસેલા ભાગના કારણે જ તે વિશ્વભરમાં ચર્ચાનો અને સુંદરતાનો વિષય બન્યું છે. તેની ચાંચની બરાબર ઉપર ઉપસેલા ભાગને કારણ તેને હોર્નબિલ નામ અપાયું છે. ગુજરાતના વડોદરા શહેરની આસપાસ ગ્રે ગ્રે હોર્નબિલ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સિવાય ડાંગ, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આ પક્ષી છે. વિશ્વભરમાં ગ્રે ગ્રે હોર્નબિલની 62 પ્રજાતિઓ છે. જેમાંથી એક આપણી ઈન્ડિયન પણ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments