Homeદે ઘુમા કેભારતે શ્રીલંકા સામે મોહાલીમાં મહાવિજય મેળવ્યો પણ રાજકોટ મેદાનનો આ રેકોર્ડ ન...

ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં મહાવિજય મેળવ્યો પણ રાજકોટ મેદાનનો આ રેકોર્ડ ન તૂટ્યો

Team Chabuk-Sports Desk: મહેમાન શ્રીલંકાની વિરૂદ્ધ મોહાલીમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 222 રનથી જીતી લીધી છે. મેચની પ્રથમ ઈનિંગમાં ભારતની ટીમે શ્રીલંકાની ટીમને 174 અને બીજી ઈનિંગમાં 178 રન પર પવેલિયન ભેગી કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં આઠ વિકેટના નુકસાન પર 574 રન ખડક્યા હતા. ભારતની જીતનો હીરો રવીન્દ્ર જાડેજા રહ્યો હતો. જેણે નોટઆઉટ 175 રનની સાથે મેચમાં નવ વિકેટ પણ ઝડપી હતી. રવીન્દ્રને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીને 100મી ટેસ્ટમાં જીત તરીકે એક મોટી ભેટ મળી હતી.

શ્રીલંકાની પ્રથમ ઈનિંગ

શ્રીલંકાએ મેચના ત્રીજા દિવસે ચાર વિકેટના નુકસાન પર 108 રન બનાવ્યા હતા. મેચની શરૂઆત અહીંથી થઈ. પથુમ નિસાંકાએ 26 અને ચરિત અસાલંકાની વચ્ચે હાફ સેન્ચુરીની ભાગીદારી નોંધાઈ હતી. નિસાંકાએ હાફ સેન્ચુરી પૂર્ણ કરી. 161ના સ્કોર પર શ્રીલંકાની પાંચમી વિકેટ પડી ગઈ. અસાલંકા 19 રન બનાવી બુમરાહની બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયો. તેના આઉટ થતા જ પત્તાના મહેલની માફક શ્રીલંકાની ઈનિંગ ધરાશાયી થઈ ગઈ. માત્ર 13 રનની અંદર અંદર શ્રીલંકાની ટીમ 174 રનમાં પસ્ત થઈ ગઈ. પથુમ નિસાંકાએ 133 બોલમાં 61 રન કરી નોટ આઉટ રહ્યો હતો. ડિકવેલા બે રન બનાવી જાડેજાની બોલમાં આઉટ થયો. લકમલ, એમ્બુડેનિયા, વિશ્વા ફર્નાંડો અને લાહિરુ કુમાર ખાતું પણ ન ખોલાવી શક્યા. ભારત માટે પ્રથમ ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાએ પાંચ, જયંત યાદવ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી.

શ્રીલંકાની બીજી ઈનિંગ

ભારતને પ્રથમ ઈનિંગમાં 400 રનની વિશાળ લીડ મળી. શ્રીલંકા ફોલોઓન ટાળવા માટે મેદાનમાં ઉતરી. બીજી ઈનિંગમાં પણ શ્રીલંકાના બેટર્સ કંઈ ખાસ નહોતા ઉકાળી શક્યા. ઓપનર લાહિરુ થિરિમાન શૂન્ય પર પવેલિયન ફર્યો. તેની વિકેટ અશ્વિને લીધી. પુથુમ નિસાંકા છ રન બનાવી ફરી અશ્વિનની બોલ પર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો. 27 રન પર દિમુથ કરુણારત્ને શમીની બોલ પર પંતના હાથે કેચ આઉટ થયો. શીર્ષક્રમ ધડાધડ આઉટ થયા બાદ પાછળના બેટર્સ કંઈ ખાસ નહોતા કરી શક્યા. ધનંજય ડિ સિલ્વા 30 રન બનાવી જાડેજાની બોલ પર શ્રેયસ અય્યરને કેચ આપી બેઠો. અસાલંકા વીસ રન પર અશ્વિનની બોલમાં કોહલીને કેચ આપી બેઠો. એન્જેલો મેથ્યૂઝ 28 રન બનાવી જાડેજાના હાથે એલબીડબલ્યૂ થયો. સુરંગા લકમલ શૂન્ય પર જાડેજાની બોલમાં જયંતના હાથે કેચ આઉટ થયો. એમ્બુલડેનિયા બે રન બનાવી જાડેજાનો શિકાર બન્યો. વિશ્વા ફર્નાંડોને મોહમ્મદ શમીએ એલબીડબલ્યૂ આઉટ કર્યો. લાહિરુ કુમારને અશ્વિને શમીના હાથે કેચ આઉટ કરાવ્યો. ડિકવેલા 51 રન બનાવી નોટ આઉટ રહ્યો. ભારત માટે બીજી ઈનિંગમાં અશ્વિન અને જાડેજાએ ચાર-ચાર વિકેટ લીધી. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બે સફળતા પ્રાપ્ત થઈ.

રાજકોટનો રેકોર્ડ અણનમ

ઈનિંગની રીતે ભારતની શ્રીલંકા પર આ બીજી મોટી જીત છે. આ પૂર્વે 2017માં નાગપુર ખાતે રમાયેલી ટેસ્ટમાં ઈનિંગ અને 239 રનથી પરાજય આપ્યો હતો. 2017માં શ્રીલંકાના પલ્લેકેલેમાં ઈનિંગ અને 171 રનથી જીત પ્રાપ્ત કરી હતી. ઓવરઓલ રેકોર્ડની જો વાત કરવામાં આવે તો ભારત પોતાના જૂના રેકોર્ડને નથી તોડી શક્યું. 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને ઈનિંગ અને 272 રનથી પરાજય આપ્યો હતો.

ભારતની ટેસ્ટમાં સૌથી મોટી જીત

વિરોધી ટીમજીતનું અંતરમેદાનવર્ષ
વેસ્ટ ઈન્ડિઝઈનિંગ અને 272 રનરાજકોટ2018
અફઘાનિસ્તાનઈનિંગ અને 262 રનબેંગ્લોર2018
બાંગ્લાદેશઈનિંગ અને 239 રનમીરપુર2007
શ્રીલંકાઈનિંગ અને 239 રનનાગપુર2017
શ્રીલંકાઈનિંગ અને 222 રનમોહાલી2022

અશ્વિને કપિલ દેવનો કિર્તીમાન તોડ્યો

રવિચંદ્રન અશ્વિન ભારત માટે ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેનારો બીજો બોલર બની ચૂક્યો છે. તેણે ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવના વિક્રમને પાછળ છોડ્યો છે. કપિલ દેવે ટેસ્ટમાં 434 વિકેટ લીધી હતી. ભારત તરફથી સર્વાધિક વિકેટ લેવામાં અનિલ કુંબલેનું નામ હજુ શીર્ષ પર છે. કુંબલેએ 619 વિકેટ લીધી છે. કપિલ દેવ બાદ પૂર્વ ઓફ સ્પિનર હરભજનસિંહ છે. જેણે 417 વિકેટ લીધી છે. બંને ફાસ્ટ બોલર ઝહીર ખાન અને ઈશાંત શર્માના નામે અનુક્રમે 311-311 વિકેટ છે.

ભારત તરફથી એક સેન્ચુરી અને ત્રણ ફિફ્ટી

ભારતની પ્રથમ ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાએ સૌથી વધારે 175 રન બનાવ્યા. એ પછી ઋષભ પંત 96, રવિચંદ્રન અશ્વિન 61 અને હનુમા વિહારીએ 58 રનની ઈનિંગ રમી. વિરાટ કોહલી 45, મયંક અગ્રવાલ 33, રોહિત શર્મા 29, શ્રેયસ અય્યર 27 અને મોહમ્મદ શમીએ નોટ આઉટ 20 રન બનાવ્યા. જયંત યાદવે બે રન કર્યા. શ્રીલંકા માટે સુરંગા લકમલ, વિશ્વા ફર્નાંડો અને એમ્બુલડેનિયાએ બે-બે વિકેટ ઝડપી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments