team Chabuk-Gujarat Desk: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક આવેલી મહી નદી ઉપર આવેલા સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. જેમાંથી એક સગીર અને એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક લોકો સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. ડૂબી જવાથી મોતને ભેટેલા બંને પરિવારના એકના એક પુત્રો હતા.
મળેતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19), સોહન પ્રવિણભાઇ રોહિત (ઉં.વ.17), વિશાલ ગિરીશભાઇ પરમાર (ઉં.વ. 19), અક્ષત અશોકભાઇ રોહિત (ઉં.વ. 11) અને કેતન ગુરુવારે બપોરે 12 વાગ્યાના સુમારે વડોદરા નજીક સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા આવ્યા હતા. ચેકડેમ ખાતે આવી પહોંચેલા પાંચેય મિત્રોએ નદી કિનારે પોતાની પિકનિક બેગ મૂકીને નાહવા માટે ગયા હતા. જેમાં સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19) અને સોહન પ્રવીણભાઇ રોહિત (ઉં.વ.17)નું ચેક ડેમની પાછળના ભાગમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યા હતા. તાલુકા પોલીસે બંનેના મૃતદેહો કબજે કરી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સિંધરોટ ચેક ડેમ ખાતે મોતને ભેટેલા સોહન અને સાગર પરિવારના એકના એક પુત્ર હતા. સોહનને બે બહેન છે અને સાગરને એક બહેન છે. સોહનના પિતા નોકરી કરે છે અને સાગરના પિતા ખેતી કરે છે. સોહનનું ધોરણ-12નું પરિણામ આવવાનું હતું અને તેને સારા ટકા આવવાની પણ આશા હતી. જ્યારે સાગર બી.એ.ના પ્રથમ વર્ષમાં આણંદ ખાતે અભ્યાસ કરે છે. આ બનાવને પગલે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સિંધરોટ ચેકડેમ ખાતે નાહવા માટે આવેલા પાંચ મિત્રો પૈકી વિશાલ ગિરીશભાઇ પરમારે ઘટના અંગે જણાવ્યું હતું કે, અમે પાંચેય મિત્રો ગુરુવારે બપોરે 12 વાગ્યાના સુમારે સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા માટે આવ્યા હતા. નદી કિનારે અમારી બેગો મૂકીને અમો સાથે નાહવા ગયા હતા. બપોરના 2.30 વાગ્યાના સુમારે મને અને કેતનને ભૂખ લાગતા અમે નાસ્તો કરવા માટે ગયા હતા. અમે નાસ્તો કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે સોહન, સાગર અને અક્ષતને પણ નાસ્તો કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું, પરંતુ ત્રણેયમાંથી 11 વર્ષનો અક્ષત રોહિત નાસ્તો કરવા માટે આવી જતા તે બચી ગયો હતો. અમારી સાથે સોહન અને સાગર પણ નાસ્તો કરવા માટે આવી ગયા હોત તો કદાચ આ દુર્ઘટના સર્જાઇ ન હોત.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત