Homeગુર્જર નગરીગીર સોમનાથના ઊના તાલુકાનું આંગણવાડી કૌભાંડ : સાહેબ તમારી તબિયત કેમ છે...

ગીર સોમનાથના ઊના તાલુકાનું આંગણવાડી કૌભાંડ : સાહેબ તમારી તબિયત કેમ છે ? હેરાન કરીએ છીએ

ગીર સોમનાથના ઊના તાલુકાનું આંગણવાડી કૌભાંડ હાલ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યું છે. આંગણવાડીના ક્લાર્ક બાંભણિયા અને પૂર્વ સીડીપીઓના પુત્ર જય પર સમગ્ર કૌભાંડ આચર્યાનો આરોપ છે. આ મુદ્દો હાલ ગાંધીનગર સુધી પહોંચ્યો છે પરંતુ ચર્ચા છે કે, આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી નિર્દોષ જાહેર થઈ જશે. દાવો છે કે, આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તો લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે એમ છે. એટલું જ નહીં ઊના આંગણવાડીના સૂત્રોનું જ માનીએ તો જો આ કૌભાંડની તપાસ થાય તો આંગણવાડીના બીજા અનેક કૌભાંડ પણ સામે આવી શકે તેમ છે.

આંગણવાડી કૌભાંડ મામલે એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ છે. ઓડિયો ક્લીપમાં હાલના CDPO દર્શનાબેન તેમના ઉચ્ચઅધિકારી સાથે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ દાવો કરે છે કે, તેમના નામે સમગ્ર કૌભાંડ થયું છે. તેમને ફસાવવાનું ષડયંત્ર થયું હોવાનું પણ તેઓ ઓડિયો ક્લીપમાં કહી રહ્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ દાવો કરે છે કે, દોઢ લાખ રૂપિયામાં ભરતી સેટિંગ તેમના નાક નીચે જ થયું છે. રૂપિયાની લેવડ દેવડ પણ તેમની ઓફિસ સામે જ થઈ હોવાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે. અને ઉચ્ચ અધિકારીઓને તપાસ માટે અરજી મોકલવાની વાત કરી રહ્યા છે. સામે અધિકારી તેમને અરજીની સલાહ આપી રહ્યા છે. આ બંનેની વાતચીતમાં જ પૂર્વ CDPOના પુત્રનું નામ લઈ તેઓ આરોપ લગાવી રહ્યા છે કે, સેટિંગ બીજા કોઈએ નહીં પરંતુ તે માતા-પુત્રએ જ કર્યું છે. મેરિટ લિસ્ટ બહાર પડવાના ત્રણ દિવસ પહેલાં જ લિસ્ટ લીક થઈ ગયું હોવાની પણ તેઓ વાત કરી રહ્યા છે.

CDPO અને અધિકારી વચ્ચે વાતચીત

અધિકારી: હ… બેન કેમ છો ?
CDPO:  સાહેબ તમારી તબિયત કેમ છે ?  હેરાન કરીએ છીએ.

અધિકારી: સારું છે હો..સારું છે.
CDPO: સારું છે ને તો વાંધો નહીં.

અધિકારી: ઘણું, ઘણું પહેલાં કરતાં ઘણું સારું એમ.
CDPO: તો વાંધો નહીં સાહેબ

અધિકારી: ના. સારું છે. ભગવાનની દયા.
CDPO: તો વાંધો નહીં સાહેબ, એ તો આપણે જે કર્મ કર્યા હોય એમાં વાંધો આવે જ નહીં.

અધિકારી: 100 ટકા

CDPO:  હવે સાહેબ હું એમ કહેતી હતી કે, ત્રણ દિવસથી બધા લાભાર્થીઓ આવે જ છે. આજે જ આવ્યા હતા. હવે એને આવી રીતે જ કર્યું છે. હવે હું એમ કહું છું સાહેબ કે હું જ તમને, પ્રોગ્રામ ઓફિસરને અને ડીડીઓ સાહેબને એક ટપાલ લખું કે, આવી રીતે ઓફિસમાંથી ત્રણ દિવસ પહેલાં જ મેરિટ લિસ્ટ બહાર પાડીને વહીવટ થઈ ગયો છે તો ઓફિસમાં અમારા કર્મચારી જે અમે આ કામગીરી કરી હતી. ઓફિસમાં તપાસ કરવા વિનંતી એમ કરીને એક લેટર લખી દઉં તો એટલે શું આપણે તો ઓલામાં ન આવીએ.

અધિકારી: હા લખી નાખો વાંધો નહી.
CDPO: હા કેમ કે……

અધિકારી: કાગળ લખો એ વાંધો નહીં. લખવો જ જોઈએ.
CDPO: સામેથી જ હું તપાસ કરવાનું કહું છે કે, અમારા તરફ તપાસ કરો. કેમ કે, જિલ્લામાં ને બધે મારું નામ એવી રીતે આપ્યું છે કે, CDPOએ જ આવો વહીવટ કરાવ્યો છે. મારા નામથી જ બધું થયું છે. કે દર્શના બહેને આમાં બધુ કરવાનું કહ્યું છે દોઢ લાખ રૂપિયા લાવો એટલે થઈ જશે. કાલ તો અમારી પાસે બધુ પ્રુફ આવી જશે. અમે જે તે વ્યક્તિના ખાસને કહ્યું છે એટલે બધુ આવી જશે. મારું નામ જિલ્લામાં પણ આ લોકોએ બદનામ કરી નાખ્યું છે.

અધિકારી: ના ના. એમાં આપણે કંઈ એવું નહી. સત્ય છે એ સત્ય જ રહેવાનું છે. સૂર્ય ક્યારેય ઢાંક્યો રહેવાનો છે ? બસ શું કામ ચિંતા કરો છો.

****************

અધિકારી: સાહેબના ધ્યાને જતું રહ્યું છે ટૂંકમાં.

CDPO: હાં વાત ગાંધીનગર સુધી પહોંચી છે. પાછા એ લોકો હોશિયાર કેવા કે CDPOની ઓફિસનું સરનામું આપે. પૈસા લેવા સીડીપીઓની ઓફિસના ગેટ પાસે આવો. એટલે હું જ જવાબદાર ઠરુંને સાહેબ.

******
CDPO:  ટૂંકમાં એવું પણ થયું હશે કે ડેટા ઓપરેટર છે એનાથી જ લીક થયું હોય એવો અમને થોડો થોડો અંદેશો આવે છે. અમુક એમ કહે છે કે, જિલ્લામાંથી અમને બધા મેસેજ મળ્યા છે.એવું તો કાંઈ હોય નહીં. એટલે હું જ લેટર લખી દઉં કે અમારી ઓફિસમાં આ કામગીરીમાં એટલા વ્યક્તિ હતા. તપાસ કરાવવા વિનંતી. સામેથી જ હું કહી દઉ.

અધિકારી: આમ તો, શક્યતા તો જયની જ છે. શક્યતા તો જયની જ છે. મેઈન લીડર તો એ જ છે.
CDPO: હા. એ અને મેડમ બે.

અધિકારી: હા. તમે એ રીતે વ્યવસ્થિત રિપોર્ટ ફાઈલ કરી દો.

આ ઓડિયો ક્લીપ 6 મિનિટ અને 31 સેકન્ડની છે. જેમાંથી મહત્વની વાતો અહીં મૂકી છે.

હાલમાં જ ઊના તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર તથા તેડાઘરની કુલ 23 ખાલી જગ્યાની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઓડિયો ક્લીપ બાદ હવે અનેક સવાલો ઉઠ્યા છે કે, આંગણવાડીમાં કેટલા લોકોને પૈસા લઈને બેસાડી દેવામાં આવ્યા છે ? કોની કોની પાસેથી દોઢ-દોઢ લાખ રૂપિયા લેવામાં આવ્યા છે ? ખુદ સીડીપીઓ કહી રહ્યા છે કે કૌભાંડ થયું છે તો જવાબદારો સામે પગલાં લેવાશે કે પછી એમાં પણ સેટિંગ જ થશે ? લોકો પણ રાહ જોઈ રહ્યા છે આંગણવાડી કૌભાંડના સુત્રધારોના નામ ક્યારે સામે આવે અને ક્યારે તેઓ જેલના સળિયા ગણે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments