Team Chabuk : રાજા ફરી મડદા પાસે પહોંચ્યો. સિદ્ધવડ પરથી તેને ઉતારી પીઠ પર નાખ્યો અને ચાલવા લાગ્યો. વેતાલે રસ્તો કાપવા માટે રાજાને વાર્તા કહેવાની શરૂઆત કરી.
બનારસમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને હરિદાસ નામનો પુત્ર હતો. હરિદાસની ખૂબ જ સુંદર પત્ની હતી. નામ હતું લાવણ્યવતી. એક રાતે પતિ પત્ની બંને મહેલની છત પર ઊંઘી રહ્યા હતા. અડધી રાત વિતી ગઈ હતી ત્યાં તો ગંધર્વ કુમાર આકાશમાં રખડતા રખડતા ત્યાંથી પસાર થયા.
આકાશમાંથી છત પર ઊંઘી રહેલી લાવણ્યવતીના સૌંદર્યને જોઈને એ મુગ્ધ થઈ ગયા. સવારે ઉઠતા જ હરિદાસે પથારીમાં જોયું તો લાવણ્યવતી ત્યાં હતી જ નહીં. લાવણ્યવતીના પ્રેમમાં પાગલ થયેલો ગંધર્વ કુમાર તેને ઉઠાવી ગયો હતો. આ બાજુ હરિદાસ પત્નીની ગેરહાજરીના કારણે પાગલ થઈ ગયો હતો.
હરિદાસે પત્નીને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ એ કોઈ જગ્યાએ મળી નહીં. પત્નીને ન જોતા હરિદાસે મોતને મીઠું કરવાનું નક્કી કર્યું. આજુબાજુ લોકો એકઠા થઈ ગયા. લોકોએ તેને સાંત્વના આપી ખાટલા પર બેસાડ્યો. વડીલોની વાત માની હરિદાસે આત્મહત્યા તો ન કરી પણ તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું. નહીં ને કોઈ પાપ થયું હોય તેમાંથી તીર્થયાત્રા થકી મુક્તિ મળી જાય અને પત્ની પરત મળી જાય.
તીર્થયાત્રા કરતાં કરતાં તે એક ગામમાં બ્રાહ્મણના નિવાસસ્થાને પહોંચ્યો. તેને ભૂખ્યો જોઈ બ્રાહ્મણીએ તેને કટોરો ભરીને ખીર આપી દીધી અને તળાવના કિનારે બેસીને ખાવાનું કહ્યું. જેથી હાથ મોઢું પણ ધોવાઈ જાય અને ખીર પતતા તળાવનું પાણી પી તરસ પણ છુપાઈ જાય. હરિદાસ ખીર લઈને વૃક્ષની નીચે આવ્યો અને કટોરાને ત્યાં રાખી તળાવના કિનારે હાથ મોઢું ધોવા ચાલ્યો ગયો.
આ વચ્ચે એક બાજ એક સાંપને લઈને એ વૃક્ષ પર આવી બેઠો. સાપને લોચી લોચીને ખાવા માંડ્યો. મરેલા સાંપના મોઢામાં રહેલું વિષ હરિદાસના ખીરથી ભરેલા કટોરામાં પડી ગયું. હરિદાસને તો આ વાતની ખબર પણ નહોતી. એ તો ગીત ગાતો ગાતો હાથ મોઢું ધોતો હતો.
હાથ પગ ધોઈ પરત આવીને તે ખીર ખાઈ ગયો. ઝેરની અસર થતા જ તે તડફડવા લાગ્યો. દોડીને બ્રાહ્મણીની પાસે આવીને કહે, ‘તે તો મને ઝેર આપી દીધું….’ આનાથી વધારે એક શબ્દ પણ હરિદાસના ગળામાંથી ન નીકળ્યો અને તે ત્યાં જ પડીને મરી ગયો.
પતિએ આ જોયું તો પત્નીને બ્રહ્મઘાતિની કહી ઘરમાંથી કાઢી મૂકી. વેતાલે વાર્તા પૂરી કરી, ‘રાજન્ બતાવ કે સાંપ, બાજ અને બ્રાહ્મણી આ ત્રણેમાં અપરાધી કોણ કહેવાય ?’
રાજાએ કહ્યું, ‘કોઈ નહીં.’
‘શા માટે ?’ વેતાલે પૂછ્યું
રાજાએ આખી વાત કહી, ‘સાપ તો એ માટે નહીં કારણ કે તે શત્રુના વશમાં હતો. બાજ એટલા માટે નહીં કારણ કે તે ભૂખ્યો હતો. જે તેને મળી ગયું એને જ તે ખાવા લાગ્યો. બ્રાહ્મણી એટલા માટે નહીં કારણ કે તેણે તો તેને પોતાનું ધર્મ સમજીને ખીર આપી હતી અને ઝેર વિનાની જ ખીર આપી હતી. જો આ ત્રણેમાંથી કોઈને પણ કોઈ દોષ આપે છે તો એ સ્વયં અપરાધી ઠરશે. અટલે અપરાધી બ્રાહ્મણ પોતે જ હતો જેણે કંઈ આગળ પાછળનું વિચાર્યા વિના બ્રાહ્મણીને ઘરેથી કાઢી મૂકી.’
‘અતિ ઉત્તમ રાજા અતિ ઉત્તમ. રાજા પરાક્રમી નહીં પણ જ્ઞાની અને ન્યાયી પણ હોવો જોઈએ, તે બીજા રાજાઓએ તારી પાસેથી શીખવાની આવશ્યકતા છે, પણ ન બોલવાનું તારે એ રાજાઓ પાસેથી શીખવાની જરૂર છે…. હાહાહાહાહાહાહાહા….’ વેતાલ આકાશમાં ઉડી ગયો અને સિદ્ધવડ પર લટકી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત