Homeદે ઘુમા કેઅંડર-19 વિશ્વકપમાં ભારત ફાઈનલમાં, કેપ્ટન યશ ધૂલે ઓસ્ટ્રેલિયાની ધૂળ કાઢી નાખી

અંડર-19 વિશ્વકપમાં ભારત ફાઈનલમાં, કેપ્ટન યશ ધૂલે ઓસ્ટ્રેલિયાની ધૂળ કાઢી નાખી

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાઈ રહેલી અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. એન્ટિગુઆના કૂલીઝ ક્રિકેટ ગ્રાઊન્ડમાં રમાય રહેલા સેમીફાઈનલ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 96 રને સજ્જડ પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 290 રનનો તોતિંગ સ્કોર ઊભો કરી દીધો હતો. ભારત તરફથી સુકાની યશ ધૂલે કેપ્ટન ઈનિંગનું પ્રદર્શન કરતા 110 રન બનાવ્યા હતા.

હવે ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ

બીજી તરફ વાઈસ કેપ્ટન શેખ રશીદે 94 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 41.5 ઓવરમાં 194 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી લાચલન શૉએ 51 રનની ઈનિંગ રમી હતી. યશને તેની કેપ્ટન ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલમાં ભારતનો સામનો 1998માં અંતિમ વખત ટૂર્નામેન્ટ વિજેતા બનેલી ટીમ ઈંગ્લેન્ડ સામે થશે. મેચ પાંચ ફેબ્રુઆરીના રોજ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

Under 19

ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 37 રનના સામાન્ય સ્કોર પર પોતાના બંને પ્રારંભિક બેટ્સમેન અંગકૃષ રઘુવંશી અને હરનૂર સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી રશીદ અને યશે ત્રીજી વિકેટ માટે 204 રનની ધારદાર ભાગીદારી નોંધાવી હતી. ધૂલે કેપ્ટન ઈનિંગ રમતા 110 રન બનાવ્યા. આ અંડર-19 ટૂર્નામેન્ટની પ્રથમ સેન્ચુરી છે. ધૂલનો સાથ આપતા રશીદે મહત્વની 94 રનની ઈનિંગ રમી.

દિનેશ બાનાના 4 બોલમાં 20 રન

આ બંને સિવાય વિકેટકીપર બેટ્સમેન દિનેશ બાનાએ ચાર બોલમાં વીસ રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી. તેણે અંતિમ ઓવરમાં બે છક્કા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. નિશાંત સિંધુ પણ દસ બોલમાં 12 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ટીમે અંતિમ પચાસમી ઓવરમાં 27 રન એકઠા કરી લીધા. અંતિમ દસ ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 108 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 290 રનનું લક્ષ્યાંક ઊભું કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની તરફથી જેક નિસ્બેટ અને વિલિયમ સાલ્જમેને બે બે વિકેટ લીધી હતી.

Under 19

કાંગારુની ટપાટપ વિકેટ પડી ગઈ

જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રણ રનના સામાન્ય સ્કોર પર ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીગ વીલી એક રન બનાવી આઉટ થયો હતો. એ પછી કેપબેલ કેલાવે અને કોરી મિલરે બીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. 71 રન પર ઓસ્ટ્રેલિયાને મિલરના રૂપે બીજો ઝટકો લાગ્યો હતો. મિલર 46 બોલમાં 38 રન બનાવી આઉટ થયો હતો. એ પછી કાંગારુ ટીમની 54 રન બનાવવામાં પાંચ વિકેટ ટપાટપ પડી ગઈ હતી.

બેટ્સમેનો કંઈ ખાસ ઉકાળી ન શક્યા

કેપબેલ 53 બોલ પર ત્રીસ રન બનાવી આઉટ થયો હતો. લાચલન શૉએ 66 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. જેક સિનફિલ્ડે 20 અને ટોમ વ્હાઈટનીએ 19 રન બનાવ્યા હતા, પણ ત્યાં સુધીમાં મેચ તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આ સિવાય કોઈ પણ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન કંઈ ખાસ ઉકાળી નહોતો શક્યો. ભારતની તરફથી વિક્કી ઓસ્તવાલે ત્રણ વિકેટ ઝડપી હતી. રવિ કુમાર અને નિશાંત સિંધુએ બે બે વિકેટ ખેરવી હતી. કૌશલ તાંબે અને અંગકૃષ રઘુવંશીએ એક એક વિકેટ પ્રાપ્ત કરી હતી.

રેકોર્ડ આઠમી વખત ફાઈનલમાં

આ જીતની સાથે ચાર વખતની અંડર-19 વિશ્વકપ વિજેતા ટીમ ભારત રેકોર્ડ આઠમી વખત ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત પાસે અંડર-19 વિશ્વકપમાં સર્વાધિક ફાઈનલમાં પહોંચવાનો કિર્તીમાન છે. ટીમ ઈન્ડિયા 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 અને આ વર્ષે પણ ફાઈનલમાં પહોંચી છે. ભારતે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં વિશ્વકપ જીત્યો હતો. બીજી તરફ 2006, 2016 અને 2020માં હારનો સામનો કરવો પડ્યો હતો.

Under 19

ભારત ઓસ્ટ્રેલિયા સામે છેલ્લા 24 વર્ષથી નથી હાર્યું

અંડર-19 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. બંને ટીમની વચ્ચે કુલ આઠ મેચ રમાયા છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ છ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ આ ટૂર્નામેન્ટમાં ભારત છેલ્લા 24 વર્ષથી એક પણ મેચ હાર્યું નથી. 1998માં અંતિમ વખત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 1998 બાદ ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે કુલ છ મેચ રમાયા હતા અને તમામમાં ભારતીય ટીમે જીત પ્રાપ્ત કરી હતી. ભારતે નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ કુલ ચાર મેચ રમ્યા છે અને તમામમાં જીત હાંસિલ કરી છે. ભારતે 2012 અને 2018ના અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને જ હરાવ્યું હતું. આ સિવાય વર્ષ 2000ની સેમીફાઈનલમાં પણ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.

જીત… જીત…. જીત…

અંડર-19 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. લીગ સ્ટેજમાં ટીમે ત્રણ મેચ રમ્યા અને તમામમાં જીત પ્રાપ્ત કરી. આ દરમિયાન ભારતે દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ અને યુગાન્ડાને હરાવ્યું હતું. એ પછી ક્વાર્ટર ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments