Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારે શહેરોમાં વસવાટ કરતા નાગરિકો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
વેરામાં 10 ટકા વળતર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા.૩૧-મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે.
ઓનલાઈનમાં વધુ 5 % વળતર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભુપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.૩૧-મે-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧પ ટકા વળતરનો લાભ મળશે.
બાકી કરદાતાને પણ રાહત
રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીએ કરી આપી છે. તદ્દઅનુસાર જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.૩૧ માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરવામાં આવશે.
રકમ ભરવામાં સરળતા
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
