Unlock-5 માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં હજુ લૉકડાઉન યથાવત રહેશે. ગયા મહિનાના અંતમાં Unlock-5ની ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું કે, MHAએ આજે ઓર્ડર જાહેર કર્યો છે જે મુજબ 30 સપ્ટેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈન 30 નવેમ્બર સુધી અમલી રહેશે. 30 નવેમ્બર 2020 સુધી કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં લૉકડાઉનનું ચુસ્ત પાલન કરાવાશે.
ગૃહમંત્રાલયનો શું ઓર્ડર છે ?
કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલા ઓર્ડરમાં કહેવાયું છે કે, કોઈ વ્યક્તિ અથવા કોઈ સામાનને પ્રદેશમાં લાવવા કે, પ્રદેશમાંથી લઈ જવા માટે કોઈ પ્રતિબંધ નથી. આ માટે કોઈ અલગ પાસની પણ જરૂરિયાત નહીં રહે. કોઈ પણ વ્યક્તિ પાસ વિના જ આવી કે જઈ શકશે. સપ્ટેમ્બર મહિનામાં અનલોક પાંચની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જે મુજબ ઓક્ટોબર બાદ થિયેટર્સ, પાર્ક, સ્વીમિંગ પુલ ખોલવા માટે મંજૂરી અપાઈ હતી. સિનેમા ઘર 50 ટકા દર્શકો સાથે ખોલવાની મંજૂરી અપાઈ હતી.
સ્કૂલનું શું છે મિત્રો…
આ ઉપરાંત ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલ ખોલવા અંગે 15 ઓક્ટોબર બાદ રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. રાજ્યોના નિર્ણયમાં વિદ્યાર્થીઓના માતા-પિતાની મંજૂરી લેવી પડશે. સરકારે કહ્યું હતું કે ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ જેવી રીતે ચાલી રહી છે તેવી જ રીતે ચાલશે. જે રાજ્યમાં સ્કૂલ ખુલશે ત્યા શિક્ષણ વિભાગે જાહેર કરેલા SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં પણ 200 વ્યક્તિઓ
આ ઉપરાંત મુસાફરોને આંતરરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીની પણ છૂટ અપાઈ હતી. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં 200 લોકોને સામેલ થવાની છૂટ અપાઈ હતી. જો કે, તેમા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન ફરજિયાત છે. કેન્દ્ર સરકારે અનલૉક-5ની સમયમર્યાદા એક મહિનો વધારી છે એટલે આગામી 30 નવેમ્બર સુધી જે રીતે આપણે રહીએ છીએ તેમ જ રહેવાનું છે. 30 નવેમ્બર બાદ શક્યતા છે કે થોડી વધુ છૂટ મળે.
કોરોના સામે ભારત જીતી રહ્યું છે
ભારતમાં ધીમે-ધીમે કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહ્યો છે. રોજ નોંધાતા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે ભારત માટે સારી વાત છે.દેશમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં હજુ એટલો જ પ્રતિબંધ છે. જે વિસ્તારમાં વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારને કન્ટેઈન્ટમેન ઝોન જાહેર કરવામાં આવે છે. અને જીવન જરૂરી વસ્તુ સિવાય લોકડાઉનનો આદેશ આપવામાં આવે છે. જેથી કરીને કોરોના વાયરસના કેસ એ વિસ્તારની બહાર ન વધે અને જે વિસ્તારમાં કેસ આવ્યા હોય ત્યા ટેસ્ટિંગ વધારીને અન્ય લોકોને પણ શોધી શકાય. કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ધીમે ધીમે છૂટ મળી રહી છે.
ઢીલાઈ નહીં!
લોકોના મનમાં પહેલા જે ડર હતો તે હવે નથી દેખાઈ રહ્યો. લોકો સતર્ક બન્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગને જીવનનો એક ભાગ બનાવી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અગાઉ આ આ અપીલ કરી હતી કે જ્યાં સુધી કોરોનાની રસી નથી ત્યાં સુધી કોઈ ઢિલાસ નહીં કરીએ.
મોટાભાગે મંજૂરી આપવામાં આવી
કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં મોટાભાગના કામકાજોને મંજૂરી આપવામાં આવી છે, જોકે જ્યા ભીડ એકઠી થાય તેવી પ્રવૃત્તિઓ પર કેટલાક નિયંત્રણો સાથે છૂટ આપવામાં આવી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેટ્રો રેલ, શોપિંગ મોલ્સ, હોટેલ, રેસ્ટોરેન્ટ ધાર્મિક સ્થળો, જીમ વગેરેનો સમાવેશ કરાયો છે.