Homeગામનાં ચોરેપોલીસમાં નોકરી હોય તો દાઢી રાખી શકાય ? UPમાં તો એક PSI...

પોલીસમાં નોકરી હોય તો દાઢી રાખી શકાય ? UPમાં તો એક PSI સસ્પેન્ડ થઈ ગયો

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક સબ ઇન્સ્પેક્ટરને અનુમતિ વિના દાઢી રાખવા બાબતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સબ ઇન્સ્પેક્ટરનું નામ છે ઈંતસાર‌ અલી. આ અંગે બાગપતના SP અભિષેક સિંહે કહ્યું કે,  બાગપતના રમાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ઈંતસાર અલીને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્સનનું કારણ આપતા તેમણે કહ્યું કે, ઈંતસાર અલીએ પરવાનગી વગર દાઢી રાખી હતી. આ બાબતે તેમને પહેલાં પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં દાઢી વધારવા મુદ્દે નોટીસ પણ ફટકારી હતી. નોટીસ આપ્યા બાદ પણ તે અનુશાસનનું પાલન કરતા ન હતા. જેથી આખરે તેને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેના વિરુદ્ધ તપાસ માટે કમિટી પણ બનાવાઈ છે.

બીજી તરફ ઈંતસારે એવો દાવો કર્યો છે કે, ‘નવેમ્બર 2019માં મેં આવેદન આપ્યું હતું કે મને દાઢી વધારવાની છૂટ આપવામાં આવે. પરંતુ તે આવેદન હજુ પેન્ડિંગ છે’

ઈંતસારે વધુમાં કહ્યું કે, ‘હું છેલ્લા 25 વર્ષથી પોલીસમાં ફરજ બજાવુ છું. આ પહેલાં તેની દાઢીના કારણે કોઈને વાંધો ન હતો. 1994માં હું કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાયો હતો. શરુઆતથી જ નાની દાઢી રાખતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી લાંબી દાઢી રાખવાની શરુઆત કરી હતી.’

ઈંતસારે એ પણ સ્વીકાર્યું કે અધિકારીઓએ આ‌ બાબતે તેને ઘણીવાર ટોક્યો‌ હતો. આ જ કારણોસર તેણે ગયા વર્ષે નવેમ્બરમાં એક અરજી કરી હતી. અને દાઢી રાખવાની‌ મંજૂરી માગી હતી જે હજુ સુધી પેન્ડિંગ છે. 

કાયદો શું કહે છે ? 

બંધારણમાં આર્ટિકલ 25 મુજબ દેશના દરેક નાગરિકને કોઇ પણ ધર્મ અપનાવવાની, તે પ્રમાણે અનુસરવાની અને તે ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. કોઈ પણ‌ દાઢી રાખવા અથવા અન્ય‌ ધાર્મિક ઓળખ અપનાવવા માટે સ્વતંત્ર છે. પરંતુ પોલીસ ડ્રેસ કોડ મુજબ સીખ સમૂદાય‌ સિવાય કોઈ પણ પોલીસકર્મી પોલીસ વિભાગની અનુમતિ વિના દાઢી રાખી શકતો નથી. 

આ પહેલાં પણ આવો મુદ્દો સામે આવી ચુક્યો છે. 

એવું નથી કે પોલીસ વિભાગમાં દાઢી રાખવાનો મુદ્દો પહેલીવાર ઉછળ્યો હોય‌. અને પોલીસકર્મીને દાઢી રાખતા રોકવામાં આવ્યા હોય. આ પહેલાં 1985માં દાઢી રાખવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગુંજ્યો હતો.

કેરળ પોલીસમાં ફરજ બજાવતા મહમ્મદ ફાસી નામના હેડ કોન્સ્ટેબલે સુપ્રીમ કોર્ટમાં IG વિરુદ્ધ અરજી કરી હતી. IG દાઢી રાખવાની મંજૂરી ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. હેડ કોન્સ્ટેબલે દાઢી રાખવાની પરવાનગી મેળવવા અરજી કરી હતી. પણ IGએ અરજી ફગાવી દીધી હતી. 

હેડ કોન્સ્ટેબલનું કહેવું હતું કે તે પોલીસના કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કર્યા વિના પોતાના ધર્મનું પાલન કરવા ઇચ્છતો‌ હતો. અને એટલા માટે જ IG પાસેથી મંજૂરી માગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ હેડ કોન્સ્ટેબલની અરજી ફગાવી હતી. 

સુપ્રીમ કોર્ટે ટાંક્યું હતું કે, ‘એમા બે મત નથી કે, અરજદારને પોતાના ધર્મનું પાલન કરવાનો મૌલિક અધિકાર છે. પરંતુ જ્યારે તે કોઈ સેવામાં હોય. ખાસ‌ કરીને પોલીસમાં તો તેમને પોલીસના અનુશાસન મુજબ જ ચાલવું પડશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments