એક લેખક હતો. લખતો અને પછી ન ગમે તો ફાડીને ફેંકી દેતો. જૂનું વાંચતો અને લેખકને ન ગમે તો આ વખતે ફાડતો નહીં, દિવાસળી લઈને આગ ચાંપતો. તેની આ વાંદરવૃતિએ કંઈ કેટલાયના ભવિષ્ય સળગાવી નાખ્યા! વિવેચકો લખ્યા રાખવાના હતાં કે આ લેખકજીએ પોતાનું લખેલું સળગાવી નાખ્યું ન હોત તો તેનું કદ છે તેનાં કરતાં પણ વિશાળ હોત. અનુવાદકો અનુવાદ કર્યા રાખ્યા હોત.
છપાવતો ઓછું. માની લો છપાવવાનું તો મન જ નહીં. આ શ્રીમાન તો નિજાનંદમાં માનનારા હતા. જૂની કૃતિ તેને તેની હાલની આવડત પ્રમાણે નબળી લાગે એટલે સીધા દિવાસળીના ડામ દે.
ચાલીસ વર્ષની ઉંમર સુધી પહોંચી ગયા. તેનું જીવન એક ડાઉટમાંથી પસાર થયું. હવે પોતે સળગાવી સળગાવીને થાક્યો તો બાકીનું લખેલું તેના મિત્ર મેક્સ બ્રોડને આપી દીધું. ગર્લફ્રેન્ડને પણ આપ્યું. એ વિશ્વાસે કે આ બધી હોળીને સળગાવી નાખજો.
મિત્રોમાં કિડો ખૂબ હોય. મેક્સ ગાયની જેમ ડોકુ ધુણાવી હાલી નીકળ્યો. ઘરે જઈ વાંચ્યું તો ચોંકી ગયો. તેને થયું કે હું એક બુદ્ધીમાન પણ મુર્ખ મિત્રની સાથે જીવન વિતાવું છું. એણે પ્રકાશકને લખાણ બતાવ્યું અને લખાણ 1925થી 1935 સુધી નિરંતર છપાતું રહ્યું. એક એવા લેખકનું લખાણ જેને પોતાનું લખેલું થોડી થોડી વારે ગમતું ન હતું.
જે લખાણ અગ્નિદેવ પાસે જતા બચી ગયું તેમાં ટ્રાયલ નામની નવલકથા પણ હતી. જેનો ગુજરાતીમાં અનુવાદ રવિન્દ્ર ઠાકોરે કર્યો છે. કાફકા તો પ્રભુને પ્યારો થઈ ગયો પણ લખેલું રહી ગયું. આજે વિશ્વનો કોઈ એવો સર્જક નથી જે સાહિત્યમાં ડૂબકી મારવાનું વિચારે અને તેની સામે ઉભેલો વ્યક્તિ તેને એમ ન કહે, ‘મેટમૉર્ફોસીસ વાંચજે.’
મેટમૉર્ફોસીસ એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુજરાતીમાં રૂપાંતરણ. ઘણા લોકો લાઈબ્રેરીમાં બે છોકરીઓ વચ્ચે સીન નાખી લેવા ગ્રંથપાલ સામે મેટમૉર્ફોસીસ બોલ્યા રાખે છે.(અનુભવ સ્થળ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરી)
એને ગળાની સમસ્યા હતી. લોહીની ઉલટી કરતો રહેતો હતો. શહેરમાં ચક્કર મારી પાછો આવે અને કાગળ ઉપર કોબ્રા બની તૂટી પડે. કાગળ પર એટલું ઝેર ઉતારે કે કોઈ વિચારી ન શકે. તેના મનમાં ચાલતી ફૂટબોલની ઘમાસાણ ફાઈનલ પર એણે લખ્યું છે, ‘હું તમને સમજાવી નથી શકતો, હું કોઈને સમજાવી નથી શકતો કે મારી અંદર શું ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે ચાલે છે તેને હું ખૂદને પણ સમજાવી નથી શકતો.’
દયાશંકર શુક્લ લખે છે, ‘‘કાફકા પ્રાગમાં એટલો જ પોપ્યુલર છે જેટલો ક્યૂબામાં ચે ગ્વેરા. એ પ્રાગના રિલ્કેમાં ચે ગ્વેરા કરતાં પણ અધિક લોકપ્રિયતા ભોગવી રહ્યો છે. તેના નામનું અહીં સંગ્રહાલય છે. ટીશર્ટ, પોસ્ટર, બીયર મગ સહિતનું બધુ વેચાય છે અને વેપારીઓ રોકડીનું કરી લે છે. વિશ્વભરના સાહિત્યકારો માને છે કે પ્રાગ એ પ્રાગ નહીં કાફકા છે. એક અજાણ્યા શહેરમાં સરળ નથી હોતું. એ શહેરમાં ભાષા દિવાલ બની જાય છે. શાનદાર વાત તો એ છે કે કાફકાનું લખાણ ચેકની જગ્યાએ જર્મન ભાષામાં છે. જર્મનીમાંથી તેનો વિશ્વની દરેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. તેણે પોતાના જીવનનો મોટોભાગ ઓલ્ટ ટાઉન સ્ક્વાયરમાં વિતાવ્યો છે. તમે કોઈ પાસે તેના ઘરનું સરનામું પૂછજો. તો એ તમને સેંટ નિકોલસ ચર્ચની પાસે આવેલી ખ્યાતનામ ઘડિયાળની પાછળનો રસ્તો રાજીખુશીથી બતાવી દેશે.’’
કાફકા ધરતી પર નહીં પણ બ્રહ્માંડમાં પણ એટલો જ લોકપ્રિય છે. તેના નામ પર એક નાનકડો લઘુગ્રહ છે. જે પૃથ્વી પરથી 523 દિવસે પસાર થાય છે. શુદ્રગ્રહનું નામ છે 3412 Kafka. જેને કાફકા તરીકેનું નામ 10 જાન્યુઆરી 1983ના રોજ આપવામાં આવ્યું હતું. જેની શોધ અમેરિકન ખગોળશાસ્ત્રી રેન્ડોલ્ફ કિર્ક અને ડોનાલ્ડ રૂડીએ કરી છે.
કાફકાએ પોતાના પિતા વિશે સાચું લખ્યું છે. આપણે આત્મકથામાં પિતાને સોને મઢ્યો વખાર ચડાવીએ પણ કાફકા લખે છે, ‘એ કોઈની પાણ પાસેથી કામ કઢાવી લેનારા, બેખૌફ વેપારી હતા.’ કાફકાના બાપની યહુદી વસતિમાં એક મોટી દુકાન હતી.
હિટલરે યહુદીઓને માર્યા. તેનું એક કારણ એ પણ હતું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ખુવાર થયેલ જર્મન જનતા પાસે પેટ ભરવા કાવડિયા નહોતા અને જન્મજાત વેપારી એવી યહુદી પ્રજાએ એક રૂપિયાના બિસ્કીટના પાંચ રૂપિયા ભાવ કરી દીધેલા. હિટલર એટલે પણ ક્રોધે ભરાયો હતો કે વર્ષોથી જર્મનીની જમીને જેમને ઉછેર્યા, એ જ હવે જર્મન જનતા સાથે આવું કરી રહ્યાં છે. કાફકા પણ યહુદી જ હતો. સારું એ વહેલો મરી ગયો. નહીંતર પોતાના લેખનમાં એ હિટલરને કંઈક અલગ રીતે વર્ણવેત.
કાફકા નહોત તો કેટલાય લેખકોને નવું લખવાની દિશા જ ન મળેત. ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝે નોબલ પ્રાઈઝ જીત્યો. વન હન્ડ્રેડ યેર્સ ઓફ સોલિટ્યુડ સહિતની નવલકથાઓ અને વાર્તાઓમાં મેજીક રિયાલીઝમનો પ્રયોગ કર્યો. આ લેખક ખૂદ કહે છે કે, ‘મેં મેટમૉર્ફોસીસ વાંચી પછી જ મને મેજીક રિયાલિઝમની દુનિયાનો ખ્યાલ આવ્યો. કાફકા નહોત તો હું નહોત.’
કાફકા ઈન્સ્યુરન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તેની પાસે એટલી સુવિધા નહોતી કે લખી શકે. પ્રાગ એક એવું શહેર જ્યાં પ્રવાસીઓ ખૂબ આવતા હતા. તેમના માટે એક બુક લખવાનું નક્કી કર્યું. સાથે તેનો મિત્ર મેક્સ બ્રોડ પણ જોડાયો અને પ્રવાસીઓ માટે પ્રાગની માર્ગદર્શિકા લખાઈ.
મેટમૉર્ફોસીસમાં મનુષ્યની કિડામાં કાયાપલટ કરનારો કાફકા એક ઉંદરથી ડરતો હતો. એણે લખ્યું એટલું ભયનાક કે વાંચનારાઓને થયા કરતું કે લેખક કાફકામાં સર્જનહારે હિંમતના ઈન્જેક્શનો ભરી ભરીને ભોંક્યા હશે, પણ એવું ન હતું. એક હળવો અવાજ તેના કાને પડતો અને તેના મનમાં શંકા સળવળી ઉઠતી કે ભાગો ભાગો ઉંદર આવ્યો.
મેટમૉર્ફોસીસ વાંચનારાઓને ખબર હશે કે તેમાં એક ઘર છે. આ ઘર તમારે જોવું હોય તો પ્રાગમાં ચાલ્યા જાઓ. કાફકાનું જે ઘર છે એ જ આ ઘર છે. તેણે સામસાના નિવાસસ્થાન માટે કોઈ કલ્પના કરેલી નહોતી. પુસ્તક વાંચી ગ્રેગોર સામસા કઈ કઈ જગ્યાએ લથડીને પડ્યો હતો તે તેના નિવાસસ્થાને જઈ અનુમાન લગાવી શકશો કે, આ એ જ ખૂણો છે.
ગુજરાતીમાં શિરીષ પંચાલે મેટમૉર્ફોસીસનો અનુવાદ કર્યો છે. એમનો અનુવાદ કોલેજમાં વાંચ્યો હતો. શિરીષભાઈ લખે છે, ‘‘ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષીના મોઢે સાંભળ્યું ત્યારથી એનો અનુવાદ આપણી ભાષામાં હોવો જોઈએ એમ થયું. થોડી વાટ જોઈ પણ સ્વેચ્છાએ આવી કૃતિઓના અનુવાદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. 1996માં એતદના એક વિશેષાંક રૂપે આ અનુવાદ પ્રગટ થયો. તરત જ જયંત કોઠારીએ ઉમળકાભેર પ્રતિભાવ પાઠવ્યો. કાફકાએ આપણા સંકુલ જગતની વાત કેટલી સહજ રીતે સુંદર રૂપે મૂકી આપી છે એમ પણ કહ્યું.’’
સુરેશ જોષીએ કાફકાનો અનુવાદ કર્યો છે. એક અલગથી પુસ્તક પણ છે અને સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ નામે ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં અગ્રંથસ્થ-પ્રકીર્ણ-2માં દમ્પતી નામે એક વાર્તા પણ અનુવાદિત કરી છે.
અંતે તેના વિશે તેના મિત્ર મેક્સે કહેલું, ‘‘કાફકા બધુ કરી શકતો હતો પણ ખોટું કોઈ દિવસ બોલી નહોતો શકતો. એ કહેતો મને ખોટું બોલવું ગમતું નથી.’’ આવા સારા માણસને ધરતી પર મોકલ્યાની ભુલ પ્રભુથી થઈ ગઈ હશે એટલે વહેલો બોલાવી લીધો!