Team Chabuk-Gujarat Desk: વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલી વિદ્યાર્થિનીની લાશ બાદ આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આત્મહત્યા પહેલા વિદ્યાર્થિની પર વડોદરા શહેરમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના વેક્સિન ઈન્સ્ટિટ્યૂટના મેદાનમાં વિદ્યાર્થિની પર બે રિક્ષા ચાલક શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિદ્યાર્થિની પાસેથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મની આ ચોંકાવનારી હકીકત અંગે લખવામાં આવ્યું હતું. પોલીસને આ ડાયરી મળતાં જ પોલીસે દુષ્કર્મ આચરનારા બન્ને શખ્સોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યની પાંચ એજન્સી નરાધમોને પકડવા કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને FSLની ટીમ વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
આંતરિક ભાગમાં ઈજાના નિશાન
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાઈ નવસારીની અને હાલ વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં વિદ્યાર્થિનીની ડાયરી મળી હતી, જેમાં તેના પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઈન્સ્ટિટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો લખેલી હતી. બનાવ બાદ રેલવે પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરીક ભાગોમાં ઈજાના નિશાન હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની 25 ટીમો કામે લાગી
રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ બેથી વધુ હોઈ શકે છે. આ કેસની તપાસ માટે પોલીસની 25 ટીમો કામે લાગી છે. ગુજરાત, કર્ણાટક સહિત અલગ-અલગ રાજ્યમાં પણ તપાસ ચાલુ છે. પોલીસે 400થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે. આરોપીઓને ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.
આત્મહત્યા પહેલા સુરત ગઈ હતી વિદ્યાર્થિની
આપઘાત અગાઉ આ યુવતી સુરતના રેલવે સ્ટેશન પર પણ સ્પોટ થઈ હોવાનું CCTVના આધારે સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનના CCTVમાં યુવતી પાછળ ગુલાબી કલરના થેલા સાથે દેખાય છે. એક વાત એવી ચાલી રહી છે કે, યુવતીનો પીછો થઈ રહ્યો હતો. જો કે CCTV પ્રમાણે યુવતી સામાન્ય સંજોગોમાં જતી હોવાનું સામે આવ્યું છે. ઘરેથી મરોલી જવાનું કહીને યુવતી શા માટે સુરત આવી અને સુરત રેલવે સ્ટેશનથી ક્યાં ગઈ અને ક્યારે ગઈ તે તમામ બાબતે પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે.
બસ ચાલક આવી જતાં દુષ્કર્મીઓ ભાગ્યા
મૂળ નવસારીની અને છેલ્લા 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાઇકલ લઇને પસાર થઇ રહી હતી, ત્યારે વડોદરાના વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ મેદાન પાસે રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં વેક્સિન ઈન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા. જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છુટ્યા હતા.

બસ ચાલકની મદદથી યુવતી ચકલી સર્કલ પાસે આવી હતી જયાં તેની સાથે કામ કરતી એક યુવતીને પણ બોલાવાઈ હતી. યુવતીએ ઘેર ગયા બાદ પોતાની ડાયરીમાં પોતાની ઉપર ગુજારાયેલા અત્યાચારની કથની વર્ણવી હતી. ત્યારબાદ મરોલી કામ માટે જવાનું કહીને ઘેરથી નિકળ્યા બાદ તેણે ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રેલવે પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ કરાતા યુવતી વડોદરામાં રહેતી હોવાનું જણાયું હતું. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવતીના ઘેર જઈ તપાસ કરતાં ડાયરી મળી હતી. જેમાં તેના પર દુષ્કર્મ ગુજારાયું હોવાની ઘટનાનું વર્ણન કર્યું હતું. તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, જીઆરપી રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત પોલીસ અને વલસાડ રેલવે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ જોતરાઇ છે.
મૃતક વિદ્યાર્થિની જે સંસ્થામાં કામ કરતી હતી તેની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને વિદ્યાર્થિની સાથે ઘટેલી કથિત ઘટનાના દિવસે ઓફિસમાં શુ થયું હતું તે અંગે તપાસ કરવાની સાથે સંસ્થાના સંચાલકો અને સ્ટાફ પાસેથી વિગતો મેળવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
