મયૂર ખાવડુ: હોલિવુડનું સ્તર ભયજનક રીતે નિમ્નકક્ષાનું થતું જઈ રહ્યું છે. લાગે છે દિલ્હી આખી પ્રદૂષણની ઝપેટમાં આવી જાય તે પહેલા, નબળા વિષયવસ્તુને લઈ ફિલ્મ બનાવવામાં હોલિવુડ ઉદ્યોગ જગત અજગર ભરડામાં આવી જશે. એક પ્રકારની ફિલ્મો સમગ્ર પૃથ્વીને જોવા માટે બનાવવામાં આવે છે, બીજી પ્રકારની ફિલ્મો સમગ્ર પૃથ્વીની દોઢ-બે કલાક વેડફવા માટે બનાવવામાં આવે છે. આ દોઢ-બે કલાકમાં આપણે કેટલું બધું કામ કરી શકીએ છીએ. કેટલા બધા મીમ્સ જોઈ શકીએ, કોમેન્ટો કરી શકીએ, કોમેન્ટ થકી કોઈની સળી કરી શકીએ, ભંગાર પ્રવચનોની તસવીરો સામે રાખી શકીએ, હું લખું તેનાથી પણ તદ્દન નીચી કક્ષાના લેખ લખી, જનતાને ભ્રમિત કરી સારા સાહિત્યથી અળગા રાખી શકીએ, આપણા આવા ડ્રેક્યૂલા આનંદનો સમયભંગ આવી નબળી ફિલ્મો કરતી હોય છે.

આપણા સુવર્ણયુગની બે કલાક ગળચવાનો એને એવો કોઈ હક નથી બનતો. યુવાઓનું ધ્યાન વેબ સિરીઝો બીજી દિશા તરફ ફંટાવી રહી છે. વાસ્તવમાં આ મુખ્ય મુદ્દા પર આપણું લક્ષ કેન્દ્રિત થવું જોઈએ. આવી નબળી ફિલ્મ શા માટે બનાવી? તેનું ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી આંદોલનનું રણશીંગુ ફૂંકાવું જોઈએ. ફિલ્મોમાં અહર્નિશ રચ્યાપચ્યા રહેતા મનુષ્યોએ અન્નજળનો ત્યાગ કરવો જોઈએ. મને ખ્યાલ છે ટોકીઝમાં મોંઘા ભાવની ધાણી ખાઈ ખાઈ એમની પાચન સમૃદ્ધિ દેશની અર્થવ્યવસ્થાની જેમ ખાડે ગઈ છે. અર્થવ્યવસ્થામાં જેમ ‘ફુગાવો’ નામનો શબ્દ છે તેમ કેટલાય માટે પેટ ‘ફુલાવો’ શબ્દ ચલણમાં છે. મિત્રો બીજા કોઈ માટે નહીં, પણ ઉદરના પાતાળ પ્રવેશ માટે તો આમરણ અનશન કરવા જ રહ્યા. મગજમાં રાખજો કે આંદોલન થકી આપણે આપણા હોલિવુડ સિનેમાને ફરી વિશ્વગુરૂ બનાવી શકવાનું અદમ્ય સામર્થ્ય દાખવી શકીએ છીએ.
વર્ષો પૂર્વે યશરાજે ધૂમ ફિલ્મથી કેટલાક શૂરવીરોને બાઈકમાં બેસી તેનો પાશવી આનંદ લેવાનું શીખવાડ્યું હતું. મારી સ્મૃતિમાં છે ત્યાં સુધી ઘણાને તો બાઈક ચલાવતા જ ધૂમ ફિલ્મે શીખવાડ્યું હતું. ઘણાને ચોરી કરતા શીખવાડ્યું હતું! એમાંની તમામ ચોરીઓ લોકલ પોલીસના હાથે જ ઝડપાઈ ગઈ, પણ કેટલીક સાહિત્યિક ચોરીઓ હજુ પકડાઈ નથી. જોકે આ વાતનો કોઈ સાહિત્યિક નવોદિત નબીરાને વસવસો પણ નથી. આ ધૂમ ફિલ્મમાં જે પ્રકારે ચોરી છે, તેવી જ ચોરીઓ ધૂમ-2માં છે, તેવી જ ચોરીઓ ધૂમ-3માં છે અને તેવી જ ચોરીઓ રેડ નોટિસમાં પણ છે. ખાલી ચોરીના કરવાની વર્તુણક અલગ છે.
જે વ્યક્તિ ઉપર ઈન્ટરપોલે રેડ નોટિસનો ઠપ્પો લગાવ્યો છે તે એક દેશમાંથી બીજા દેશમાં આટલી ઝડપથી કેવી રીતે પહોંચી જાય છે. તેની પાસે આટલા સુંદર પરિધાનો ક્યાંથી આવી જાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ઈંડાની લારીઓ ધડાધડ બંધ થઈ રહી હોય ત્યારે તેને ક્લિયોપેટ્રાના ઈંડા શોધી ક્યાં દુકાન નાખવી છે. ગમે ત્યાં નાખજે પણ રાજકોટમાં તો ન જ નાખતો! થાય તો ઉત્તર પ્રદેશમાં નાખજે! ક્લિયોપેટ્રાથી તો આપણે એક જ રીતે પરિચિત છીએ કે તે ઉંટડીના દૂધથી સ્નાન કરતી હતી. ક્લિયોપેટ્રાના એ લેખકો, જેને તે દર વર્ષે પુરસ્કારથી નવાજતી હતી, તેમણે તેને ઈતિહાસમાં શાહી સ્નાનની ઉપમા આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
રણવીર સિંહ જેટલું ઝડપથી બોલી પોતાના સંવાદનો અંત આણે છે, એવી જ રીતે હિન્દી ડબીંગના સંવાદો ભારકઢી રીક્ષાની માફક ભડભડ… ભડભડ… ચાલ્યા જાય છે. ખાસ અભિનેતા રાયન રેયનોડ્સના! સંવાદ લેખક નક્કી વિશ્વકપના ઉન્માદમાં અને સંજય માંજરેકરની શબ્દ પ્રતિભાથી અસરગ્રસ્ત હોવો જોઈએ. એના તમામ સંવાદો ક્રિકેટ વિશ્વકપની કોમેન્ટરી જેવા છે. કોઈ પ્રતિભાવાન હાસ્યલેખક હોય, જે આજકાલ ફક્ત ચોપડીઓમાં કેદ છે, તો તે આ સંવાદો પર પણ સુંદર હાસ્યલેખ લખી, આપણને ખડખડાટ હસાવ્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.

મારા સસરાના ગામમાં પ્રવેશ કરતા જ એક ભંગાર મોપેડના દર્શન થાય છે. હવે તો તેના દર્શન દુર્લભ થયા છે કે નહીં તેની મને કશી ખબર નથી. કહેવાય છે કે એ મોપેડ પર હિટલરની નાઝી સેનાનો એક અલમસ્ત ફૌજી બેસીને આવેલો. તેણે જર્મનીથી ભારત સુધીની યાત્રા કરી હતી. એ જ્યારે ભારતમાં પ્રવેશ્યો ત્યારે તેની પાછળ કૂતરાઓનું ટોળું દોડેલું, કારણ કે અમદાવાદના ઝાંપે એક અજાણ્યા કૂતરાએ તેમાં પોતાની પ્રવાહી છાપ છોડી દીધેલી. એ પછી એ મોપેડ જ્યાં જ્યાંથી પસાર થયું તેની પાછળ કૂતરાઓ પડતા જ રહ્યા.
હવે તમને એક ખાનગી વાત કહું. તેની આકર્ષણ ન જગાવતી પેટ્રોલની ટાંકીની અંદર એક અદભુત હીરો છે. આજકાલ પેટ્રોલના ભાવમાં અત્યાધિક વધારો થયો હોવાથી એ ટાંકી તરફ કોઈ મીઠી નજરથી જોતું નહીં હોય. તમે જો જાવ તો હીટલરના એ ફૌજીના ખખડી ગયેલા મોપેડમાં હાથ નાખજો. શક્ય છે તેની સુરક્ષામાં કોઈ સાપ પણ રાખ્યો હોય! વહેલા તે પહેલાના ધોરણે, કારણ કે ભારત સિવાય એ મોપેડની તમામ દેશોને જરૂર છે. કેમ કે એ તાનાશાહ હિટલરનું છે!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
