Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલા એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં આખલાને સાઈકલ આગળ મસ્તી કરવી ભારે પડી ગઈ હતી. આવા જ દૃશ્યો ઉપલેટામાં પણ સર્જાયા હતા. આખલાએ નાની વસ્તુ સમજી પોતાનું ભોડું સાઈકલની વચ્ચેના ભાગમાં ફસાવતા તો ફસાવી દીધું હતું, પણ પછી નીકળી નહોતું રહ્યું. આખલાની ધમપછાડાવૃત્તિ જોઈ એક રીતે તો આસપાસના સ્થાનિકો પણ હસવા લાગ્યા હતા પણ બાદમાં ઘટનાની ગંભીરતા અને આખલાની પીડાને જોતા સ્થાનિકોએ મહામહેનતે આખલાનું મોઢું સાઈકલમાંથી બહાર કાઢ્યું હતું. મોઢું નીકળતાની સાથે જ આખલાએ ઉભી બજારે ગડગડતી હડી કાઢી હતી.

ચોકની વચ્ચે અને દિવાળીના માહોલમાં લોકોની અવરજવર હોય આખલાએ ન કરવાનું કૃત્ય કર્યું હતું. આ મજાક તેને ભારે પડી ગઈ હતી. તેણે પોતાની તમામ શક્તિ લગાવી ગળાનો પીડાદાયક હાર બની ચૂકેલી સાઈકલને બહાર કાઢવા આમથી તેમ ફંગોળી હતી, પણ સાઈકલ ગળામાંથી નીકળી નહોતી રહી. ઉગ્ર બનેલા આખલાને શાંત કરવા માટે પ્રથમ તેના પર પાણી ઢોળવામાં આવ્યું હતું. હાંફેલો આખલો નીચે બેઠો પછી સ્થાનિકોએ તેના ગળામાં મુસીબતનો હારતોરો બની ગયેલી સાઈકલને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.

જ્યારે આખલાના ગળામાં અટવાયેલી સાઈકલને બહાર કાઢવામાં આવી ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો હતો. સાઈકલમાંથી મોઢું નીકળ્યા પછી તેણે આ અજીબ વસ્તુથી જ્યારે જીવ બચાવવો હોય તેમ દોટ મૂકી હતી. આ કંઈ પહેલી વખત નથી, ભૂતકાળમાં પણ આખલાઓ સાઈકલમાં માથુ નાખવા જતા ફસાઈ ગયાના દાખલા છે. ઉપલેટા સહિતના આસપાસના વિસ્તારોમાં આખલાઓ ત્રાસ બન્યા છે. કોઈ કોઈ વખત આખલાના યુદ્ધો લોકોને પરેશાન કરી મુકે છે. લોકો ઈચ્છતા હોય છે કે આખલાઓ ગૌશાળામાં રહે પણ અલમસ્ત આખલાઓ રસ્તા વચ્ચે મહારાજા બની આટા ફેરા મારતા હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત