1998ની સાલ હતી. વાજપેયી ફરી પ્રધાનમંત્રી પદ પર હતા. આ વખતે તેમણે ગઠબંધનને મજબૂત બનાવવાનું નક્કી કર્યું હતું. 1996માં થયેલી ભૂલનું તેઓ પુનરાવર્તન કરવા નહોતા માગતા. આ કારણે જ તેમણે નરસિમ્હારાવની શીખામણને ધ્યાનમાં લીધી હતી. ફક્ત ધ્યાનમાં નહોતી લીધી તેની એક એક વાતને યાદ પણ રાખી હતી. પરમાણુ કાર્યક્રમની વાત નરસિમ્હા રાવે વાજપેયીને ખુલીને કહી જ નહોતી પણ પોતે તેને શા માટે પૂર્ણ ન કરી શક્યા તેની પણ આખી વિગતે વાત કરેલી.
પ્રધાનમંત્રી બન્યા બાદ વાજપેયીએ તાત્કાલિક કલામને બોલાવ્યા. કલામ સાથે વાજપેયીની મુલાકાત હાફ લાયન તરીકે ઓળખાતા નરસિમ્હા રાવે જ કરાવી હતી અને એ પણ કહ્યું હતું કે, કલામને સાથે રાખજો. પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી વાજપેયીએ તાત્કાલિક કલામને તેડુ મોકલ્યું. કલામ આવી ગયા એટલે તેમણે તેમને મંત્રી પદની ઓફર કરી. કલામે મંત્રી પદનો અસ્વીકાર કર્યો. વાજપેયીએ તેમના પર દબાણ ન લાદ્યુ અને પરમાણુ પરીક્ષણની લીલી ઝંડી આપી દીધી. કલામ સમજી ગયા.
વાજપેયી માટે પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી હતું. જેથી નવી આવેલી સરકારમાં કેટલી તાકાત છે તેની ન માત્ર દેશની જનતાને ખબર પડે, વિશ્વ પણ હિન્દુસ્તાનની તાકાતથી પરિચિત થાય. આ મુદ્દાથી બીજા નાના મુદ્દાઓ પણ અવગણી શકાય અને સરકારનું સ્પષ્ટ ચિત્ર પણ સામે આવે.
મહાભારતમાં રાવણના ભાઈ કુંભકર્ણની વાત આવે છે. કુંભકર્ણ છ મહિના જાગતો અને છ મહિના ઉંઘતો હતો. જ્યારે તેને અચાનક જગાડવામાં આવતો ત્યારે તેને ખ્યાલ આવી જતો કે મોટો ભાઈ તકલીફમાં છે.
પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મંત્રાલયમાં પણ આ વાતની કોઈને ખબર નહોતી. પરીક્ષણની સાથે જોડાયેલા ગણતરીના લોકોને જ આ વાતની ખબર હતી કે કુંભકર્ણને જગાડવાનો છે. સમસ્ત કાર્યક્રમને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન શક્તિ અને બુદ્ધા સ્માઈલિંગ.
પરમાણુ પરીક્ષણ માટેના કોડવર્ડનું નામ કુંભકર્ણ જાગ ગયા. જગ્યાઓને નામ આપવામાં આવ્યા તાજમહેલ અને વ્હાઈટ હાઉસ. વૈજ્ઞાનિકોને પણ આર્મી ઓફિસરના સૈનિકોની ઓળખ આપી દેવામાં આવી. તેમના આવન-જાવનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
એ લોકો સીધા પરમાણુ પરીક્ષણ સુધી ન જઈ શકે. જેસલમેર અને જોધપુરનો વિસ્તાર ભારતની સૈનિક છાવણીમાં આવતો હોય છે. જેથી ત્યાં સૈનિકોના આવવા જવા પર કોઈને શંકા ન જાય. આ ગુપ્તતાના કારણે જ કુંભકર્ણને જગાડી શકાયો.
7 રેસકોર્સ રોડ પર આવેલા પ્રધાનમંત્રી કાર્યાલયના કક્ષમાં કુલ સાત લોકો હતા. પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ, યોજના આયોગના ઉપાધ્યક્ષ જસવંત સિંહ, નાણામંત્રી યશવંત સિંહા, પ્રધાનમંત્રીના રાજકીય સહયોગી પ્રમોદ મહાજન અને પ્રધાન સચિવ બ્રજેશ મિશ્ર.
ફોનની ઘંટી વાગી. બધાની નજર ક્યારની એ ફોન પર જ હતી. સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રએ ફોન ઉઠાવ્યો. તેમની આંખોમાં ચમક આવી. સ્મિત સાથે બ્રજેશે ફોનને હાથ અને કાનની નજીક રાખતા ઉસ્તુકતાવશ જોઈ રહેલા કક્ષમાં ઉપસ્થિત લોકોને જાણકારી આપી, ‘‘ત્રણ વાગીને પિસ્તાળીસ મિનિટ પર ટેસ્ટ થઈ ચૂક્યો છે. સફળ રહ્યા છીએ. સફળ ત્રણ ટેસ્ટ.’’
સૌનાં શ્વાસ ઊંચા થયા અને પછી નીચે બેસી ગયા. લાલકૃષ્ણ અડવાણી દોડીને વાજપેયીને ભેટી પડ્યા. દેશ વિદેશને આ વિસ્ફોટક ખબર આપતા પહેલા વાજપેયીએ વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી અને મનમોહન સિંહને ચા પીવા બોલાવ્યા અને માહિતી આપી દીધી.
સાંજના પાંચ વાગ્યે પ્રધાનમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને માહિતી આપી તો ઘણા દેશોના હ્રદયમાં વિસ્ફોટ થઈ ગયા. ઝટકા લાગ્યા. જાસૂસી એજન્સીઓ નીચા મોઢા કરી ગઈ અને અટલ બિહારી વાજપેયી ભારતના મજબૂત પ્રધાનમંત્રીઓમાંથી એક બની ગયા.
પ્રધાનમંત્રીએ શું કહ્યું, ‘‘ભારત એક પરમાણુ શસ્ત્ર સમ્પન્ન દેશ છે. આ એક વાસ્તવિકતા છે જેને અવગણી ન શકાય. અમારો ઈરાદો આ હથિયારોનો ઉપયોગ કરી આક્રમણ કરવા માટે કે કોઈ દેશ વિરૂદ્ધ ડર પેદા કરવા માટેનો નથી. આ હથિયાર આત્મરક્ષા કરવા માટે છે. જેથી સુનિશ્ચિત કરી શકાય કે ભારત પર કોઈ પરમાણુ ખતરો નથી, ભારત પર હુમલો ન કરી શકાય. અમારો ઉદ્દેશ્ય હથિયારોની હોડમાં પ્રવેશ કરવાનો નથી.’’
11 મે 1998ના દિવસે સવારે જ વાજપેયી સરકારી આવાસમાં આવ્યા હતા. માનો કે કોઈ ફિલ્મનો હીરો પ્રવેશ કરી રહ્યો હોય એ પ્રકારનું દૃશ્ય હતું. એમાં સસ્પેન્સ હતું એમાં થ્રીલ હતું. અમેરિકાએ આ ઘટનાને પોતાના માટે સૌથી મોટો પડકાર માન્યો. અમેરિકાની એજન્સીઓ ચિંતાતુર હતી કે એમને ખબર કેમ ન પડી ?