Homeગુર્જર નગરીરાજકોટમાં ‘શ્રીફળ’ ફોડી કૃષિ મંત્રી ફળદુએ વેક્સિનના વધામણાં કર્યા

રાજકોટમાં ‘શ્રીફળ’ ફોડી કૃષિ મંત્રી ફળદુએ વેક્સિનના વધામણાં કર્યા

Team Chabuk-Gujarat: કોરોનાની મહામારીમાં માનવજાતે ઘણું ગુમાવ્યું છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હીંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં 16 જાન્યુઆરીના રોજ શરૂ થવાની છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રિજિયન માટે કૂલ ૭૭,૦૦૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદ મોહન કુંડારીયાએ પણ હાજરી આપી હતી. રસી પહોંચતા હાજર લોકોએ ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ‘સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે રાજકોટ અને આસાપાસના વિસ્તારોના લોકોમાં હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સધન અને સુચારું આયોજન કરાયું છે.’ 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે,’ રાજકોટ ખાતે આજે સવારે લગભગ ૭૭,૦૦૦ જેટલા કોરોના વેક્સિનના ડોઝ આવ્યા છે જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેક્સિન આપવામાં આવશે.’

કોને કેટલા ડોઝ મળશે ?

મહત્વનું છે કે, કોવિડ વેક્સિન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ રિજિયન ખાતે આવી પહોંચેલા કુલ ૭૭,૦૦૦ ડોઝ પૈકી રાજકોટ જિલ્લા પંચાયતને કુલ ૯,૦૦૦ ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને  કુલ ૧૬,૫૦૦ ડોઝ,  જામનગર જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ ૪,૫૦૦ ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ ૪,૦૦૦ ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને ૧૬,૦૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સિન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સિન સપ્લાય કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ રીતે ગોઠવાઈ છે સમગ્ર વ્યવસ્થા?

વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમા ૧૦ સ્થળોએ તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ સ્થળોએ વેક્સિન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર રિજિયનમાં કૂલ ૩૪૪ જેટલા કેન્દ્રો નક્કી કરાયા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના ૧૦૧ કેન્દ્રો, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ૫૬ કેન્દ્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ૩૨ કેન્દ્રો, પોરબંદર જિલ્લા પંચાયતના ૨૦ કેન્દ્રો, મોરબી જિલ્લાના ૪૨ કેન્દ્રો, ભુજ જિલ્લા પંચાયત ખાતે ૯૩ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સિન ટ્રાન્સપોર્ટેશન માટે રાજકોટની કચેરી ખાતે એક વેક્સિન વાન છે અને તમામ જિલ્લા અને મહાનગર પાલિકા પાસે પણ વેક્સિન વાન ઉપલબ્ધ છે. 

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments