Team Chabuk-Literature Desk : કિરીટ દૂધાત ઓછું લખનારા સત્વશીલ સર્જક છે. ગ્રામીણ બોલીમાં લખાયેલી તેમની વાર્તાનો સંગ્રહ બાપાની પીંપર ચાબુકની ડેસ્ક પર પડ્યો છે. પુસ્તક વિશે લેખક કશું નથી લખતા. એમને જે લખવું છે એ તેઓ વાર્તાના આધારે વાચકને કહી ચૂક્યા છે. આ વાર્તાઓ પરથી વધારે કોઈ આવરણ તેઓ હટાવવા નથી માગતા.
કુલ અગિયાર વાર્તાઓ આ સંગ્રહમાં છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં લેખક પોતે નેરેટર બની વાર્તા કહી રહ્યા છે. વાર્તામાં ટેકનિક તો પછી આવે પહેલા તો અનુભવ આવે. સંવેદના આવે. ઘટના સર્જકના માનસપટ પર કેવી છાપ છોડી ગઈ છે અને એ ઘટનાને સર્જક જ્યારે વાર્તામાં કંડારે ત્યારે ભાવકના મનમાં કેવી છાપ છોડી જાય છે? બસ એ જ આખી લીલા છે. અહીંની તમામ વાર્તાઓ ગામડામાં પહેલો વરસાદ પડે અને માટીની સુગંધ ધ્રાણેન્દ્રિયમાં પેસી જાય અને બસ વિચારતા રહીએ કે આ સુગંધથી કેડો ન છૂટે તો સારું.
એ વાર્તાઓ વાંચતી વખતે ‘નાયક’ એ કિરીટ દૂધાત જ લાગે છે. એ તમામ વાર્તાઓમાંથી ડોકિયું કરે છે. એ જાણે એના ગામમાં આપણને હાથ ઝાલીને તાણી જાય છે. ને પછી એક એક પાત્રને બતાવે છે.
તમામ વાર્તાઓમાં કાઠિયાવાડ ધબકે છે. તેની ખબર એ વાર્તામાંથી કાઠિયાવાડની બોલીનો રણકો કાને પડે ત્યારે પડે. પ્રાંત પ્રમાણે જાઉં તો ઉત્તર ગુજરાતીઓ માટે આ વાર્તાના કેટલાક શબ્દો સમજની બહાર છે પણ કાઠિયાવાડીઓ માટે તો આ વાર્તા સો ટચનું સોનું છે. વર્ષોથી કાઠિયાવાડનું એક નાનું એવું ગામ છોડી મોટા શહેરમાં સેટ થયા હોઈએ અને પછી આ વાર્તાઓ વાંચીએ તો પેલું ગામડું યાદ આવી જાય. એ જૂના સંસ્મરણો તાજા થઈ જાય. હાથ ધોઈ શકો એટલા આંસુ નીકળી આવે. ઠામડા વીંછરવા યાદ આવી જાય. વોશ કરવું તો અહીં શહેરમાં આવી શીખ્યા. વાર્તાના એક એક શબ્દો આપણને તાણી જાય છે. આપણા માનસ પર તેનું એકચક્રિય શાસન પ્રવર્તવા લાગે છે.
બધી વાર્તાઓની વાત નહીં કરીએ. વાત કરીએ બાપાની પીંપરની. નાગજીબાપા છે. ઘરના આંગણે પીંપર વાવી રહ્યા છે. નેરેટર અને જેંતી આવે છે. નાગજીબાપાની નવી ઘરવાળીને જોઈ જેંતીની છાતીમાં ઘોડાના ડાબલા પડવા માંડે છે. જેંતીના ફઈ ગામમાં ગોરપદુ ને લીલ પરણાવવા જેવા કામ કરતા હોય છે. એમાં ભાગ પડાવે છે પરભુદા. વાર્તામાં એ એક નંબરનો હલકટ છે. કાકી ઉપર એની નજર પણ છે. કાકી પર નજર છે એ નેરેટર આખા ગામ વચ્ચે કહી ન દે એટલે ગટ્ટીને ભાગ ખાવા પૈસા આપે છે. ને પછી બે ચાર ઘટનાઓ અને અતિત વચ્ચેથી પસાર થતો વાર્તાનો ધોરિયો બાપાની પીંપરને જ હલબલાવી જાય છે.
નાગજીબાપાની ઉંમર તો મોટી પણ મોટી ઉંમરેય એમનો સ્વાદ ન ગયો. એ પોતાનાથી અડધી ઉંમરની અને ગામ આખાની આંખો તેના પર ચોંટી રહે તેવી કન્યાને પરણીને લાવ્યા. કન્યાને પરણીને લાવ્યા પછી નાગજીબાપાના ઘરમાં ઘણા સીસીટીવી કેમેરા ગોઠવાય ગયા. આ ગામની આદત છે. તાસીર છે. ગામમાં કોઈ નવું આવે એટલે બધા એને જોવા લાગે. એનો નખ ક્યારે ભાંગ્યો અને એનો ખીલખીલાટ ક્યારે થયો આ બધી વાતો કાનના ખૂણામાં સંપાદિત્ત કરવા એનો જીવ વાંદરાની જેમ ઠેકડા મારતો હોય છે.
જુવાન પત્ની અને આધેડ વય ઉપરનો ધણી. આ બે પાત્રોને જોઈ ગામમાં શંકા-કુશંકા ઉપજવા લાગે છે. જૂના ઉદાહરણો સેટ થવા લાગે છે કે, મેરકો એક છોકરીને પરણી આવ્યો તો તે ચાર મહિનામાં ઘરવાળી ઘરને ચોખ્ખુચણાક કરીને ભાગી ગઈ. હવે ગામના લોકોમાં પણ એવી અફવા ફેલાવા લાગી છે કે આટલી સુંદર સ્ત્રીને લાવ્યા છે તો આ પણ ક્યાંક ઉપાડીને ન લઈ જાય. જેંતીને તેના ફઈએ વાત કહી. તેના ફઈને તો કોણે કહી હશે ? અને ત્યાંથી જેંતીના કાનમાં ગઈ. તો જેંતીએ નેરેટર સિવાય કોને કોને કીધી હશે ? વાત જીભ જેવી હોય અને ગામ તંબાકુ જેટલું નાનું. ફરતા વાર ન લાગે. એ જ બાપાની પીંપર વાર્તાના ફકરામાંથી જાણવા મળે છે.
વાર્તા અતિતમાં સરી પડે છે. પરભુદાનું અતિત આવે છે. પરભુદાની મરાઠણ ઘરવાળી જેણે તેને પાન ખાવાનું શીખવાડ્યું તેનો ભૂતકાળ આવે છે. પરભુદા ગામમાં આવી ને જેંતીના ફઈના ધંધામાં ભાગ પડાવી જાય છે અને ધીમે ધીમે એમનો ધંધો પોતાનો કરતો જાય છે. ગામમાં કોઈ એક કામમાં, કોઈ એકનું વર્ચસ્વ હોય. અહીં પરભુદા વર્ચસ્વ જમાવી બેઠો છે. એની નજર તો કાકી ઉપરેય છે. જેને તે મીઠી મીઠી વાતો કરી પટાવે છે.
પરભુદા’ની આવી આવી વાતો નેરેટર સાંભળી જાય છે. જે ઉંમરમાં નાનો છે. પરભુદા એને ગટ્ટી કહી બોલાવે છે. એનું મોઢું ખુલે નહીં એટલે પરભુદા એને ભાગ આપે છે. આ પણ આખા ગામમાં ખુલ્લા પડી જવા પહેલા વાત ઉપર ધૂળ નાખી દેવાનું એક હથિયાર છે. ‘‘પરભુદા પણ મારી સામે જોઈને હસ્યો, પછી મારે ખભે હાથ મૂકી કહે; – કેમ ગટ્ટી, કયા ધોરણમાં ભણ્ય છો? ખિસ્સામાંથી પાવલી કાઢીને મને દીધી, લે, આનો ભાગ લઈને ખાજ્યે ને આ વાત કોઈને કે’તો નૈં.’’
વાર્તાના અંતમાં પ્રતીકાત્મક વર્ણન લેખકે સરસ કર્યું છે. દસ નંબરના પાનાં પર લેખકે વરસાદ, પવન અને પીંપળા સાથે કાકી અને પરભુદાનું કેવું વર્ણન કર્યું એ જોઈએ, ‘‘પરભુદા’ના ઘર પાસે જઈને માંડ નાગજીબાપાના ઘર સુધી પહોંચ્યો ત્યાં તો વીજળીનો કડાકો થયો. નક્કી કોઈની લીલી મોલાત ભડથું થઈ ગઈ હશે. વીજળીના અજવાળામાં જોયું તો પીંપર નીચે કાકી ઊભાં હતાં અને એના બારણામાં પરભુદા ઊભો ઊભો કાકી સામે જોતો હતો. પવન પીંપરને બરાબરની થપાટો મારતો હતો, એના બળથી પીંપર અડધી ઝળૂંબી જતી હતી. નાગજીબાપાએ વાળ કરવા બાવળિયાં ખાડેલા એ બધા વીંખાઈને આમતેમ પડેલાં. મને થયું નાગજીબાપા અટાણેય સીમમાં કદાચ વાળ્ય સારું થઈને બાવળિયા કાપતા હશે. પછી આગળ કંઈ વિચાર્યા વગર ઘરમાં ઘુસી ગયો.’’
પરભુદા નાગજીબાપાની ઘરવાળી સામે આવા વરસાદમાં શું કામ જુએ છે ? નાગજીબાપા તો પીંપર્ય અને વાડો ઊભો કરી શું શું કરવા માગતા હતા ? અને શું શું થઈ ગયું ? ને પછી જેંતી આવી અને નેરેટરને ગઈકાલની આખી ઘટના કહે છે. આ આખી ઘટનામાં નાગજીબાપાની પીપર્ય એ એના ઘરનાં જ છે!
‘‘તંઈ શું ? જંતીએ કહ્યું, મૂળયાં સોતી ઉખડી ગઈ, ડાળીએ ડાળી પીંખાઈ ગઈ, પાંદડેપાંદડાં વીંખાઈ ગ્યાં.’’ નાગજીબાપાએ જેના માટે મહેનત કરી. ઉછેરી. એ એમની જ માથે પડી ગઈ. બે ઘટના બને છે. એક નાગજીબાપાને ખબર છે. એક ખબર નથી ? નાગજીબાપા પીંપર્યનું ધ્યાન રાખતા હતા, ધ્યાન કોનું રાખવાનું હતું ? નાગજીબાપા પીંપર્યની આજુબાજુ કાંટાળી વાળ કરતા હતા એ કોની આડે કરવાની હતી ?
વાર્તામાં ગમતા શબ્દો આવે છે. એ શબ્દો ઉપર એક ઉડતી નજર કરી લો. બાકી શબ્દોની સાચી સમજણ તો આખેઆખુ વાક્ય વાંચશો તો જ આવશે. એટલે કે વાર્તા. ઓઝપાઈ, ટાપટીપ, રોંઢા, વેઠારાતુ, આદકપાહળો, માદણું, તોલો, કોંટા કાઢ્યા, ખોળિયું, હળતાભળતા, વીછળવાં, બરકતા, ઓરવા, વીંખીચૂંથી, બાથોડાં..
વાર્તામાં બે દ્રિઅર્થી સંવાદ પણ છે. ‘‘આ કાકી ગાડાં જ થ્યાં છે ને ? ધમવામાં ફેર હોય કાકી, કોક ધમે તો બે-ચાર ટીપાં પડે ને કોઈ ધમે તો ઘળકાના ઘળકા છૂટે, સમજ્યાં ?’’
બીજો સંવાદ છે કે, ‘‘ગંગારામ કહેતો કે હવે પવણી જા ભામણ, એમાં ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડી મળે એવી કુદરતી ગોઠવણ્ય છે, સમજ્યો દીકરા મારા?’’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત