Homeગુર્જર નગરીગુજરાતનું આ ગામ કોરોના સામે લડવા મક્કમ, નિયમો તોડનાર પર સીસીટીવીથી રખાઈ...

ગુજરાતનું આ ગામ કોરોના સામે લડવા મક્કમ, નિયમો તોડનાર પર સીસીટીવીથી રખાઈ રહી છે નજર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના ગામડાઓ હવે કોરોના સામે લડવા સજ્જ બન્યા છે. નાના ગામડાઓ સુધી પ્રસરી ગયેલો કોરોના હવે ગ્રામજનોની સતર્કતા અને સાવચેતીના કારણે પીછેહટ કરી રહ્યો છે. ગઈકાલે આપણે અમરેલીના નાના આંકડિયા ગામની વાત કરી હતી, જે ગામ ગ્રામજનોની જાગૃતિ અને સાવધાનીના કારણે કોરોના મુક્ત બની ગયું છે. ત્યારે આજે વાત કરીશું વડોદરા જિલ્લાના એક ગામની જે કોરોના મુક્ત થવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

વડોદરા જિલ્લાનું અંકોડિયા ગામ કોરોના સંક્રમણ સામે ગજબની લડત આપી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આહ્વાન મુજબ મારું ગામ કોરોના મુક્ત ગામ તરફ વડોદરાનું અંકોડિયા ગામ આગળ વધી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગામની 5 હજારની વસ્તીમાં ફક્ત 5 વ્યક્તિઓ જ હવે કોરોના પોઝિટિવ છે. એટલે કે અંકોડિયા ગામ હવે કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે.

કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન

વડોદરાના અંકોડિયા ગામમાં પંચાયત દ્વારા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે. જે લોકો નિયમ તોડે તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગામમાં 28 સીસીટીવી કેમેરા લગાવાયા છે, આ કેમેરા દ્વારા ગામ લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગામમાં જે કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય એટલે તેની પાસેથી 200 રૂપિયા દંડ પંચાયત દ્વારા લેવામાં આવી રહ્યો છે. ગામના સરપંચ પણ દિવસમાં ત્રણ વખત બાઈક લઈને ગામમાં આંટો મારે છે અને માઈકમાં એનાઉન્સ કરીને લોકોને કોવિડ-19ના નીતિ નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા છે.

ગામની શાળામાં કોવિડ-19 કેર સેન્ટર ઉભું કરાયું

અંકોડિયા ગામની શાળામાં હાલ ગામ લોકો દ્વારા કોવિડ-19 કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. ગામમાં જે લોકોને કોરોનાનું સંક્રમણ લાગે અને ઘરે અલગ રહેવાની વ્યવસ્થા ન હોય તેઓને આ કોવિડ-19 સેન્ટરમાં સારવાર આપવામાં આવે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ સારવારની વ્યવસ્થા આ શાળામાં કરવામાં આવી છે. દર્દીઓની સારવારમાં નર્સ અને આશા વર્કર ખડેપગે રહીને દવાઓ અને જરૂરી વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે.

કોવિડ-19 કેર સેન્ટરમાં દાખલ લોકોને 2 ટાઈમ નાસ્તો અને 2 ટાઈમ ભોજન આપવામાં આવી રહ્યું છે. દર્દીઓને હોસ્પિટલ કે કોવિડ-19 કેર સેન્ટર સુધી પહોંચાડવા માટે ગામના ઘનશ્યામભાઈ પટેલ દ્વારા એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે.

હાલ વડોદરાના અંકોડિયા ગામમાં 5 હજારની વસ્તીમાં માત્ર 5 લોકો કોરોના પોઝિટિવ છે. જેમાં એક વ્યક્તિ કોવિડ-19 કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના ચાર દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. ગ્રામજનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનું ગામ ઝડપથી કોરોના મુક્ત બની જશે. ગામમાં કેસ વધે નહીં તે માટે સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments