Homeગામનાં ચોરેદેશમાં કોરોનાનું ભયાનક રૂપ, એક દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા

દેશમાં કોરોનાનું ભયાનક રૂપ, એક દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા

Team chabuk-National Desk: દેશમાં કોરોના મહામારીએ ભયાનક રૂપ ધારણ કરી લીધું છે. કોરોના વાઇરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોના વાઇરસના 4 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેસ વધવાની સાથે મૃતકોની સંખ્યા પણ ચાર હજારને પાર પહોંચી ગઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 4,01,078 કેસ સામે આવ્યા છે. જેથી હવે ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારનો આંકડો કુલ 2,18,92,676 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,19,469 લોકો કોરોનામાંથી સાજા થયા છે. દેશમાં હાલ 37,23,446 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી દેશમાં 1,79,30,960 લોકો કોરોનામાંથી સાજા થઈ ચુક્યા છે. દેશમાં બેકાબુ બનેલા કોરોના સંક્રમણની ઝડપ વચ્ચે કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 81.95 ટકા પર પહોંચ્યો છે.

મોતની સંખ્યા વધી

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના દૈનિક કેસ 4 લાખથી વધુ આવી રહ્યા છે. જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં મૃતકોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4187 લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.09 ટકા પર પહોંચી ગયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,97,257 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેથી હવે દેશમાં કુલ રસીકરણનો આંકડો 16,73,46,544 પર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ અને મોત

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 898 લોકોના મોત થયા છે. સ્વસ્થ થનાર દર્દીની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક દિવસમાં 37 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

આ તરફ દિલ્હીમાં પણ છેલ્લા 24 કલાકમાં 19 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 341 લોકોના મોત થયા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. યુપીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 372 લોકોએ જીવ ગુમાવ્યો છે.

તમિલનાડુમાં લોકડાઉન

કોરોનાના વધતાં કહેરની વચ્ચે તમિલનાડુ સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તમિલનાડુમાં 10 મેથી બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહેશે.

ગોવામાં પણ વધી રહેલા કોરોના સંક્રમણના કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. ગોવામાં રવિવારે 9 મેની સવારે 9 વાગ્યાથી આગામી 15 દિવસ સુધી લોકડાઉન રહેશે. એટલે કે ગોવામાં રવિવાર સવારથી 24 મે સુધી લોકડાઉન રહેશે. જો કે ગોવામાં લોકડાઉન દરમિયાન બપોરે 2 વાગ્યા સુધી જરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રાખી શકાશે. ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉનની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કર્ણાટકમાં 10 મેથી 24 મે સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments