Homeગુર્જર નગરીસોલા સિવિલમાં બાળકીના અપહરણનો મામલો, લગ્નના 7 વર્ષે પણ સંતાનસુખ પ્રાપ્ત ન...

સોલા સિવિલમાં બાળકીના અપહરણનો મામલો, લગ્નના 7 વર્ષે પણ સંતાનસુખ પ્રાપ્ત ન થતાં મહિલાએ કર્યું હતું અપહરણ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. સાત દિવસ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા એક વોર્ડમાંથી કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકીને ઉઠાવી ગઈ હતી. બાળકીના અપહરણની ઘટના બાદ પોલીસે બાળકીને શોધવા તપાસ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનાર મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી લીધી છે. પોલીસે બાળકીને આ મહિલા પાસેથી લઈને પરિવારને સોંપી છે.

લગ્નના સાત વર્ષે પણ સંતાનસુખ પ્રાપ્ત થયું ન હતું

બાળકીનું અપહરણ કરનાર મહિલા જુહાપુરા વિસ્તારમાં રહે છે. આ મહિલાનું નામ નગમા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે આરોપી મહિલા નગમાના લગ્નને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. લગ્નના 7 વર્ષ વિત્યા હોવા છતાં તે માતા બની શકી ન હતી. સંતાનસુખ પ્રાપ્ત ન થતાં આ મહિલાએ અલગ અલગ હોસ્પિટલમાં નવજાત બાળકને ઉઠાવી લેવા માટે પ્લાન બનાવ્યો હતો. તે દરમિયાન નગમા બનાવના દિવસે સોલા સિવિલ હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને એક દિવસની બાળકી મળી આવી હતી. નગમા આ બાળકીને લઈને હોસ્પિટલેથી નીકળી ગઈ હતી.

અપહરણની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચને નગમા નામની મહિલા પાસે આ અપહ્રત બાળકી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. નગમાના ઘરની આસપાસ બાતમીદારનું નેટવર્ક ગોઠવી ગુમ થયેલી બાળકી હોવાની ખરાઈ કર્યા બાદ પોલીસે નગમા પાસેથી આ બાળકી બચાવી લીધી હતી.

અપહરણ થયેલી આ બાળકી સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીની હતી. તેમણે પોલીસને જાણ કરી હતી કે તેઓએ 31 ઓગસ્ટના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. તેઓને સોલા સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પીએનબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને ચાલી ગઈ હતી.

સોલા સિવિલ હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. જ્યારે પોલીસે બાળકીના ફોટો પ્રસિદ્ધ કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી હતી. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મગાવવામાં આવી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. બે પીઆઇ અને તેમની ટીમ તેમજ સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસકર્મીઓ આખા વિસ્તારમાં સીસીટીવી અને અલગ અલગ હ્યુમન એનાલિસિસ કરી બાળકીની શોધખોળ કરી રહ્યાં હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments