Team Chabuk-Gujarat Desk: વડોદરાની દીકરી નિશાકુમારીએ (Nishakumari) હિમાલય (himalaya)ના બરફસ્તાનમાં કોરોનાની રસી (Vaccine) લેવાની લોક જાગૃતિ કેળવવા ‘રાઇડ ફોર નેશન, રાઈડ ફોર વેક્સિનેશન’ (Ride For Nation, Ride For Vaccination) સાયકલ યાત્રાનું નેતૃત્વ કરીને શહેરને ગૌરવ અપાવ્યું છે. આ સાયકલ યાત્રામાં વિવિધ સ્થળોના 13 સાહસિકો જોડાયાં હતાં. સાહસ પ્રવૃત્તિઓનું સંચાલન કરતી પાલનપુરની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું.
નિશાકુમારી અને સાયકલ સાથીઓએ લેહમાં 50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી. લેહથી ખરદુંગ્લાથી પરત લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમતનો દાખલો બેસાડ્યો હતો.

તા.21મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. 30મી જૂને નિશા ખરદુંગ્લાની એકલ યાત્રાથી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાનનું સમાપન થયું હતું. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ, પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી.
આ ટીમે રસી અભિયાનને વેગ આપવા મનાલી, મહરી, તાંડી, જીપસા, ઝિંઝિંગ બાર, સાર્ચું, વિસ્કી નાલા, સોકર, લટો અને લેહની મુલાકાત લીધી હતી. દરેક સ્થળે લોકોએ આ રસીકરણનો સંદેશ લઈને આવેલા સાહસિકોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

લેહમાં એડીએમએ આ ટીમને અંદરુની વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસના રોકાણની ખાસ પરવાનગી આપી હતી.
સંસ્થા સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ, નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે. હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા પ્રથમવાર યોજવામાં આવી હતી. તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

નિશાકુમારીની સાહસિકતા, ધગશ અને ઉત્સાહની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે, તેની અભિલાષા એવરેસ્ટ સહિત ત્રણ બર્ફીલા પહાડો એક સાથે સર કરવાની છે જેનો મહાવરો હાલમાં હિમાલયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈને કરી રહી છે. કોરોનાની રસીની અગત્યતા સમજાવવા હિમાલય ખુંદવાના આ જજબા માટે નિશા અને તેના સાથી સહયોગીઓ અને રીબર્થ એડવેન્ચર સંસ્થા સલામીને પાત્ર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત