Team Chabuk-Gujarat Desk: જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને ખનિજોનું બિન અધિકૃત ખોદકામ અને વહન અટકાવી, આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેના અનુસંધાને આકસ્મિક ત્રાટકેલી વડોદરા ખાણ અને ખનીજ ખાતાની ટીમે કરજણ તાલુકાના સાયર ગામેથી સાદી રેતી ખનીજના ગેર કાયદેસરના ખોદકામ અને વહનની પ્રવૃત્તિ ઝડપી પાડીને, કસૂરવારો પાસે થી અંદાજે રૂ.૧ કરોડની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

ઘટનાની વિગતો આપતાં ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે સાગર ઉર્ફે દિનેશચંદ્ર ચંપકલાલ શાહ દ્વારા આ સ્થળે બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજનું ખોદકામ અને વહન થતું જણાયું હતું. જેને અનુલક્ષીને ઘટનાસ્થળેથી આ બિન અધિકૃત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું એક હિટાચી મશીન,૧ યાંત્રિક હોડી અને સાદી રેતી ભરેલી ૧ ટ્રક જપ્ત કરવામાં આવી હતી. અંદાજે રૂ.૧ કરોડની કિંમતનો આ મુદ્દામાલ કરજણ આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે.

વડોદરા ખાણ અને ખનીજ વિભાગે ખનીજોના બિન અધિકૃત ખોદકામ અને વહન પર ચાંપતી નજર રાખવા ટેકનોલોજીનો વિનિયોગ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે સાયર નારેશ્વર વિસ્તારની લીઝોમાં ઉપયોગમાં લેવાતાં હિટાચી મશીનોમાં જી.પી.એસ.ટ્રેકિંગ સિસ્ટમ લગાવીને મોનીટરીંગની વ્યવસ્થા ગોઠવી છે. ખાણકામમાં વપરાતા તમામ હિટાચી મશીનોમાં આ સિસ્ટમ સ્થાપિત કરવાને પગલે, લીઝ વિસ્તારોમાં આ સિસ્ટમ વગર બિન અધિકૃત રીતે ઉપયોગમાં લેવાતાં હિટાચી મશીનોની ઓળખ અને ઉપયોગમાં લેનારા લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી શક્ય બનશે. ગુડ ગવર્નન્સની એક આગવી પહેલના રૂપમાં સાયર – નારેશ્વર વિસ્તારની લિઝોમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે જી.પી.એસ.ટ્રેકિંગ સિસ્ટમ બેસાડવાની આ કામગીરી હેઠળ રેતીની લીઝોમાં ઉપયોગમાં લેવાતાં ૨૫ મશીનો આવરી લેવામાં આવ્યા છે.

સાગરનું ખનન સામ્રાજ્ય
સાયર ખાતે સાદી રેતીના બિન અધિકૃત ખનન અને વહનમાં જેની સંડોવણી જણાઈ છે તે સાગર ઉર્ફે દિનેશચંદ્ર ચંપકલાલ શાહ વડોદરા જિલ્લાની હદમાં આ પ્રકારની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ કરતો હોવાનું તપાસમાં જણાયું છે. તે ભરૂચ જિલ્લાના કલ્પેશ ગેમાભાઈ ઓડ નામક લીઝધારકના પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે અને ઉપરોક્ત કલ્પેશ ઓડને ભૂતકાળમાં મોટો દંડ આ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓ માટે થયો હોવાનું ભૂસ્તરશાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત