Homeગુર્જર નગરીવડોદરા સોખડા હરિધામ મંદિરના વિવાદને દસ દિવસ થયા પણ અનુજ ચૌહાણ પોલીસ...

વડોદરા સોખડા હરિધામ મંદિરના વિવાદને દસ દિવસ થયા પણ અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ નિવેદન આપવા નથી આવ્યો

Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલા વડોદરામાં સોખડા હરિધામ મંદિરનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જ્યાં એક હરિભક્તને ચાર સંતો દ્વારા માર મરાયાની અને આક્ષેપ-પ્રતિઆક્ષેપની ખબરોએ વાતાવરણ ડહોળ્યું હતું. છ જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી. આજે આ ઘટનાને દસ દિવસનો સમય વીતી ગયો છે પણ પરિવાર પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે સામે નથી આવ્યો અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

સોમવાર સુધીમાં આવી જશે

આ બાજુ પોલીસે અનુમાન વ્યક્ત કરતા કહ્યું છે કે સોમવાર સુધીમાં અનુજ તેના પિતા વીરેન્દ્રસિંહની સાથે તાલુકા પોલીસ ખાતે નિવેદન આપવા માટે આવી શકે છે. આ પૂર્વે અનુજ ચૌહાણે પોતાના વકીલ મારફતે ગત બુધવારે પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તેવી ફરિયાદ કોર્ટમાં કરી હતી. ફરિયાદી અનુજ ચૌહાણે કોર્ટમાં પંકજ ઠાકોરભાઈ પટેલ, મનહર સોમાભાઈ પટેલ, પ્રભુપ્રિય સ્વામી, ભક્તિ વલ્લભસ્વામી સહિત 13 સામે સામે માર મારવા અંગે આઈપીસી કલમ 143, 147, 148, 149, 323, 506(2), 504 અને 114 મુજબ ફરિયાદની અરજ કરી છે.

અહેવાલ જમા કરાવવાનો

આ અંગે કોર્ટે તારીખ 24મી જાન્યુઆરી સુધીમાં પોલીસને અનુજ ચૌહાણ કેસમાં શું તપાસ કરી તેની વિગતનો અહેવાલ જમા કરાવવા કહ્યું છે. બીજી બાજુ સંતો સમાધાન કરવા માટે તલપાપડ હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે પણ અનુજ અને તેનો પરિવાર દસ દિવસથી ભુગર્ભમાં છે.

શું બની હતી ઘટના?

છેલ્લા પાંચ વર્ષથી પીડિત અનુજ ચૌહાણ હરિધામ સોખડા સાથે સંકળાયેલ છે. જ્યારે સાત મહિનાથી હરિધામ-સોખડા ખાતે એકાઉન્ટ વિભાગમાં સેવક તરીકે સેવા આપતો હતો. છ જાન્યુઆરીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યાની આસપાસ મહિલાનો ભરપૂર અવાજ આવી રહ્યો હોય પીડિત અનુજ ચૌહાણ અને અન્ય સેવકો બહાર ગયા હતા. એ સમયે પ્રેમસ્વરૂપ સ્વામીજૂથના ચાર સંતો પ્રભુપ્રીય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામી ત્યાં બહાર ઊભા હતા. એમણે સેવકોને અંદર જવાનું કહ્યું ત્યારે અનુજ પણ અંદર જવા ગયો હતો. જોકે તેનો એક હાથ ખિસ્સામાં હતો. એ જોતા પ્રભુપ્રિય સ્વામીએ તેને કહ્યું હતું કે, ‘કેમ વીડિયો ઉતારે છે?’ સ્વામીઓએ મોબાઈલ બતાવવાનું કહ્યું હતું તો અનુજે તેના હાથમાં રાખી મોબાઈલ બતાવ્યો હતો. ચારે સંતોએ મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અનુજના જણાવ્યા અનુસાર, પ્રભુપ્રીય સ્વામીએ બોચી પકડી હતી અને બીજા ત્રણ સંતો અને સોખડા ગામના મનહરભાઈ પટેલે ઢોર માર માર્યો હતો.

ત્યાગવલ્લભસ્વામીએ શું કહ્યું હતું?

બીજી બાજુ ત્યાગવલ્લભસ્વામીએ આ સમગ્ર ઘટનામાં ગેરસમજણ ઊભી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અનુજ હરિધામ મંદિરમાં કેટલાય સમયથી સેવા કરે છે. દૂરથી સંતોને એવું લાગ્યું હતું કે અનુજ મહિલાઓના વીડિયો ઉતારી રહ્યો છે. સંતોએ રેકોર્ડિંગ કર્યું હોય તો ડિલીટ કરી નાખવાનું કહ્યું હતું. સંતે અનુજનો મોબાઈલ જોવાનો પ્રયાસ કર્ય હતો. જેની ઝપાઝપીમાં સંતનું ઉપવસ્ત્ર ખેંચાઈ ગયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments