Homeગુર્જર નગરીવડોદરા સામૂહિક આત્મહત્યા કેસઃ જ્યોતિષીઓએ ઘરમાંથી કાઢ્યા હતા સોના, ચાંદી, હાડકાં, માટી...

વડોદરા સામૂહિક આત્મહત્યા કેસઃ જ્યોતિષીઓએ ઘરમાંથી કાઢ્યા હતા સોના, ચાંદી, હાડકાં, માટી ભરેલા કળશ

Team Chabuk- Gujarat Desk: વડોદરામાં સામૂહિક આત્મહત્યા કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વડોદરામાં સમા સ્પોર્ટ કોમ્પલેક્સની સામે સ્વાતી સોસાયટીમાં રહેતો સોની પરિવાર જ્યોતિષીના ચક્કરમાં આવી ગયો હતો. જેના કારણે તેમને અંદાજીત 33 લાખ જેટલા રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. પરિવાર દેવાદાર બનતા આખરે સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

9 જ્યોતિષીએ લાખો પડાવ્યા

સોની પરિવારે 9 જેટલા અલગ-અલગ જ્યોતિષીઓનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષીઓએ સોની પરિવારને કહ્યું હતું કે, તમારા ઘરમાં ગુપ્ત ધન દટાયેલું છે. ત્યારબાદ રૂપિયા ખર્ચવાનું સમગ્ર ચક્ર શરૂ થયું હતું. જ્યોતિષીઓએ વાસ્તુદોષ અને વિધિના નામે ટૂકડે ટૂકડે રૂપિયા પડાવ્યા. જો કે, પરિવારને જે વાયદો મળ્યો હતો તે પૂરો ન થયો અને દેવામાં પણ ડૂબી ગયો.

કયા જ્યોતિષીએ કેટલાં નાણાં પડાવ્યા

હેમંત જોષી, વડોદરા35,000
સ્વરાજ જોષી, અમદાવાદ13,50,000
પ્રહલાદ જોષી, અમદાવાદ2,00,000
સમીર જોષી, રાણીપ-અમદાવાદ5,00,000
પુષ્કર જ્યોતિષી4,00,000
સાહિલ વ્હોરા, વડોદરા3,50,000
વિજય જોષી, અમદાવાદ4,00,000

ભાવિને જણાવી આપવિતી

આત્મહત્યાના પ્રયાસમાં બચી ગયેલા સોની પરિવારના ભાવિન સોનીએ તેમની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. ભાવિન સોનીએ કહ્યું કે,  તેમનું સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા 40 લાખ રૂપિયામાં વેચવા માટે તેમજ એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા. ઘરમાં દટાયેલું ગુપ્ત ધન કાઢવા માટે વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત 9 જ્યોતિષીઓએ વિધિ, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા 32 લાખ પડાવ્યા હતા.

ભાવિન સોની પત્ની સાથે

જાહેરાત વાંચી જ્યોતિષ ઘરે પહોંચ્યો

વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષ હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે 35 હજાર રૂપિયા લીધા હતા.

ઘરમાંથી મળ્યા સોનાના સિક્કા

આમ, ઘરમાંથી સોનાના સિક્કા ભરેલા કળશ મળી આવતા. પરિવારને પણ આશા જાગી હતી. જો કે, ત્યારબાદ હેમંત જોષીએ અમદાવાદના જ્યોતિષી સ્વારજ જોષીનો સંપર્ક કરાવ્યો હતો. સ્વરાજ જોષી પણ ઘરે આવ્યો હતો. તેણે રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. એટલું જ નહીં  જ્યોતિષી સ્વરાજે જણાવ્યું હતું કે, રસોડામાં બીજા 16 કળશ દટાયેલા છે. સ્વરાજે જે બે કળશ કાઢ્યા હતા તેમાં એક કળશમાં સોનાના સિક્કા અને બીજા કળશમાં હાડકાં હતા. સોનાના સિક્કા ભરેલો કળશ સોની પરિવારે તિજોરીમાં મૂકી દીધો હતો.  

16 કળશની લાલચ

ભાવિને કહ્યું કે, અમદાવાદના જ્યોતિષીએ ઘરમાં ખાડો ખોદી સોનાના સિક્કા ભરેલા તાંબાના બે કળશ કાઢી આપી પરિવારના મોભીને વિશ્વાસમાં લીધા હતા. બીજી તરફ ધન ભરેલા બીજા 16 કળશ કઢાવવા નરેન્દ્રભાઈએ જ્યોતિષીને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 13.50 લાખ લોન લઇને આપ્યા હતા.

ઉપરાંત ધન ભરેલા 16 કળશ પરિવારના મોભી નરેન્દ્રભાઇએ મકાન ગીરવે મૂકી 15 લાખ રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી 8 લાખ આવાસ ફાઇનાન્સમાં ભરી દીધા હતા. બાકીના રૂપિયા 7 લાખ અને મકાન વેચાણના બાના પેટે લીધેલા 7 લાખ રૂપિયા મળીને કુલ રૂપિયા 14 લાખમાંથી રૂપિયા 13.50 લાખ જ્યોતિષી સ્વરાજને આપ્યા હતા. જે રકમ આપ્યા બાદ સ્વરાજે બીજા ત્રણ કળશ ભાડાના મકાનમાં ખાડો ખોદીને કાઢ્યા હતા.

માટી, હાડકાં અને ચાંદી નીકળી

ત્રણ કળશ પૈકી એક કળશમાંથી માટી, બીજા કળશમાંથી હાડકાં અને ત્રીજા કળશમાંથી બે કિલો ચાંદી નીકળી હતી. પહેલાં નીકળેલા સોનાના સિક્કા ભરેલા કળશમાંથી એક ચિઠ્ઠી લખી હતી કે, આ કળશ તળાવમાં પધરાવી દેવો. જેથી નરેન્દ્રભાઈ સોનાના સિક્કા ભરેલો કળશ પાણીમાં પધરાવી આવ્યા હતા. જ્યોતિષી સ્વરાજે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 9 લાખની માંગણી કરતા તેને બીજી વિધિ કરાવવા માટે ઈનકાર કરી દીધો હતો.

અખબરોમાંથી જ્યોતિષનો સંપર્ક કર્યો

નરેન્દ્રભાઈએ એ જ્યોતોષીને તો મનાઈ કરી દીધી. પરંતુ અખબારોમાં આવતી જ્યોતિષીની જાહેરાતો જોવાનું શરૂ કર્યું. અને તેમાંથી જ  અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેઓએ ઘરમાં વિધિ કરવા માટે 2 લાખ રૂપિયા લીધા હતા. ભાવિન સોનીએ પોલીસને કહ્યું કે, જ્યોતિષી પ્રહલાદે તેઓના સાગરીત દિનેશને ઘરે મોકલ્યો હતો. દિનેશે ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો હતો. જે સાપ દિનેશ પ્લાસ્ટિકના ડબામાં લઇને જતો રહ્યો હતો. બાદમાં જ્યોતિષી પ્રહલાદે નરેન્દ્રભાઇને જણાવ્યું કે, સાપના નિવારણ માટે રૂપિયા 7 લાખ જેટલો ખર્ચ થશે. જોકે, નરેન્દ્રભાઇ સાપની વિધિ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

અમદાવાદના રાણીપના જ્યોતિષીનો સંપર્ક કર્યો

થોડા સમય બાદ નરેન્દ્રભાઇ સોની અમદાવાદ રાણીપ વિસ્તારના જ્યોતિષી સમીર જોષી પાસે ગયા હતા. તેને પણ ઘરમાં ધન દટાયેલું હોવાનું જણાવ્યું હતું અને તેની વિધિ માટે રૂપિયા 5 લાખ લીધા હતા. સમીર જોષી વિધિ માટે ઘરે આવ્યો હતો. અને ઘરમાંથી ચાર કળશ દાટેલા કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી ચાંદી નીકળી હતી અને બાકીના ત્રણ કળશમાંથી હાડકાં નીકળ્યા હતા. હાડકાં ભરેલા કળશ જ્યોતિષી લઇ ગયો હતો. એક કળશમાંથી નીકળેલી ચાંદી વડોદરાના માંડવીમાં આવેલા જિંજુવાડિયા જ્વેલર્સમાં વેચતા સોની પરિવારને 1.50 લાખ રૂપિયા મળ્યા હતા. જ્યોતિષી સમીરે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 8 લાખ માગતા સોની પરિવારે મનાઈ કરી દીધી હતી.

પુષ્કરના જ્યોતિષીએ આપી લાલચ

વર્ષ-2019માં નરેન્દ્રભાઇ રાજસ્થાન પુષ્કર દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં અન્ય એક જ્યોતિષી મળી જતાં તેઓને પોતાની આર્થિક સ્થિતિ અંગે વાત કરી હતી. તે જ્યોતિષીએ વિધિ કરીને દેવામાંથી મુક્ત કરી દેવાની લાલચ આપી 4 લાખ રૂપિયા લીધા હતા. જોકે, આ જ્યોતિષી વિધિ કરવા વડોદરા આવે તે પહેલાં તેનું મોત થયું હતું.

સાહિલનો સંપર્ક કર્યો

આ ઉપરાંત નરેન્દ્રભાઇએ વડોદરાના પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે સાહિલ વ્હોરા નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેને વિધિ કરવા માટે સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

સાહિલ વ્હોરા ઘરે આવ્યો હતો. અને તેણે ઘરમાં ખાડો ખોદી 10 ચાંદીના સિક્કા તથા 1920ની સાલના ચલણી સિક્કાઓ મળ્યા હતા જે સાહિલ તેની સાથે લઈ ગયો હતો.

વિજય જોષીનો સંપર્ક કર્યો

આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષી વિજય જોષીનો સંપર્ક કર્યો હતો. તેને પણ ઘરમાં આવી વિધિ કરવાના નામે ટુકડે-ટુકડે રૂપિયા 4 લાખ પડાવ્યા હતા.જ્યારે તેના અન્ય એક સાગરિત અલ્કેશ જોષી પણ વિધિ કરવા માટે ઘરે આવ્યો હતો. અને રસોડામાં ખાડો ખોદ્યો હતો. પરંતુ, કંઇ મળી આવ્યું ન હતું.

આમ, જ્યોતિષીઓએ 32.25 લાખ રૂપિયા પડાવી લેતા પરિવાર દેવાદાર બની ગયો હતો અને આખરે પરિવારને સામૂહિક આપઘાત કરવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા છે. હાલ પરિવારના 3 સભ્યો સારવાર લઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments