Homeગામનાં ચોરેલ્યો વિમાન ઉપડવાનાં ટાણે જ એક જણો બોલ્યો, ‘હું કોરોના પોઝિટિવ છું.’

લ્યો વિમાન ઉપડવાનાં ટાણે જ એક જણો બોલ્યો, ‘હું કોરોના પોઝિટિવ છું.’

ગોવાબાપાઃ ચાબુક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ ગઈ પરંતુ વિવાદો હજુ પૂરા થયા નથી. સાપ જાય ને લિસોટા રહી જાય તેમ રહી રહીને વિવાદોના ફણગા ફૂટી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાનાં ગઢ મનાતા જસદણની. જ્યાં ભાજપમાં મોટો ભડકો થયો છે. એય પાછો અંદરોઅંદર જ હો ચાબુક.

વાત જાણે એમ છે કે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાં જ ભાજપની હાર થઈ છે. બધેય કેસરીયો લહેરાયો પણ કેબિનેટ મંત્રીના ગામમાં જ જો ભાજપ હારી જાય તો શંકા તો ઉપજે જ. હવે આ શંકા સાચી પાડી રહ્યા છે ભાજપના જ નેતા.

કમળાપુર જિલ્લા પંચાયતની સીટ પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર રામભાઈ સાકળિયાએ જિલ્લા પ્રમુખને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા સામે જ આક્ષેપો કર્યા છે. રામભાઈએ ભરતભાઈ બોઘરા સામે આરોપ લગાવ્યો છે કે, કમળાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતવવા માટે ભરતભાઈ બોઘરાએ પૈસા સહિતની તમામ સુવિધા પૂરી પાડી હતી. કોંગી ઉમેદવારને જીતાડવા રૂપિયાની મદદ ઉપરાંત ભાજપના ઉમેદવારને લીડ ન મળે તે માટે અપક્ષ ઉમેદવારને પણ મદદ કરી હોવાનો રામભાઈએ ભરતભાઈ પર આરોપ લગાવ્યા છે.

ટૂંકમાં રામભાઈ કહેવા માગે છે કે ભરતભાઈ બોઘરાએ કુંવરજીભાઈ બાવળિયાને પાડી દેવા આ રણનીતિ ઘડી હતી. ચાબુક તને ખબર છે આ કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભરતભાઈ બોઘરા તેમની સામે ચૂંટણી લડતાં હતાં. મજાની વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયા ભરતભાઈ બોઘરાના રાજકીય ગુરુ મનાય છે. એક સમયે ભરતબાઈ બોઘરા કુંવરજીભાઈ પાસેથી રાજકારણના પાઠ શીખતા અને હવે શિષ્યએ જ ગુરુનો ખેલ પાડી દેવા આવું કર્યું હોવાનો આરોપ લાગતાં જસદણ પંથક સહિત ભાજપમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પંતે કરી કમાલ

ચાબુક મને બહુ મેચું જોવાનો શોખ નહીં પણ આ ઇંગ્લેન્ડવાળાવ અને ભારતવાળાવ આપણા અમદાવાદમાં બેટ દડે રમવા આવ્યા છે એટલે આજે હું મારા પાડોશી મગનાના ઘરે ટીવીમાં મેચ જોવા ગ્યો તો. જે રીતે આપણાવાળાવે શરૂઆત કરી તે જોઈને મેં મગનાને કીધું કે ટીવી બંધ કરીને હાલ્ય જગમાલની દુકાને ચા પીવા. ચાબુક જેવા અમે જગમાલની દુકાને પહોંચ્યા ત્યાં તો પેલો રિષભ પંત બેટ લઈને ઇંગ્લેન્ડવાળા બોલરોને ધબધબાવવા મંડેલો હો. વન-ડેમાં રમતો હોય એમ એણે તો જોત જોતામાં 118 દડામાં 101નો ચાંદલો કરી નાખ્યો હો બાકી. મેં અને મગનાએ તો પછી છેક સુધી જગમાલની દુકાને મેચ જોઈ હો, મોજ પડી ગઈ.

હા ભારતવાળાવની મોજ હા.

જોકે મને તો લાગે છે ગોવાબાપા કે તમારું ટીવી જ બુંદીયાડ હતું. બાકી જગમાલનું ટીવી નસીબવાળું કેવાય, કે ન્યાં સેન્ચુરી લાગે અને તમારે ત્યાં વિકેટું પડવા લાગે. આ દાદા આદમ વખતના ટીવી કાઢો.

ભારે કરી હો

ચાબુક તારી પાસે આવીને કોઈ એમ કહે કે હું કોરોના પોઝિટિવ છું તો તું શું કરે ?

‘પછી શું ગોવાબાપા ત્યાંથી મુઠ્ઠીયું વાળીને ભાગવાનું જ હોય ને.’

હવે આવું એક વ્યક્તિએ વિમાનમાં કીધું ને વિમાન આખું ખાલી કરવું પડ્યું બોલ. વાત છે દિલ્હીનાં એરપોર્ટની. જ્યાંથી દિલ્હીથી એક વિમાન પુણે જવા નીકળવાનું હતું. વિમાન ઉપડવાની તૈયારીમાં જ હતું ત્યાં એક મુસાફર કીધું કે તે કોરોના પોઝિટિવ છે. પછી આખા વિમાનમાંથી મુસાફરોને નીચે ઉતારવા પડ્યો ચાબુક.

આ મુસાફરે વિમાનમાં બેસતાં પહેલાં જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ કરાવીને આ ભાઈ વિમાનમાં બેસીને રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા હતા. અને જેવું વિમાન ઉપડવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં જ તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યાની ખબર પડી. હેરાનગતિ હો ચાબુક હેરાનગતિ. આ કોરોના તો શું શું કરશે એ ખબર જ નથી. મારેય વહેલી તકે વેક્સિન લઈ લેવી પડશે હો ચાબુક.

(અનુભવી પત્રકાર ગોવાબાપાની કલમે વાંચો મજેદાર સમાચાર)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments