Homeગુર્જર નગરીઅધિકારીઓમાં લોકોના કામ કરવાની ભાવના છે, પરંતુ જ્યારે ક્યાંક ઢીલાશ વર્તાય છે...

અધિકારીઓમાં લોકોના કામ કરવાની ભાવના છે, પરંતુ જ્યારે ક્યાંક ઢીલાશ વર્તાય છે ત્યારે સ્ક્રુ ટાઇટ કરવો પડે છેઃ રાજેન્દ્ર ત્રિવેદી

Team Chabuk-Gujarat Desk: મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારની નેમ નવું કરવું, સારું કરવું અને લોકો માટે કરવું તથા લોક કલ્યાણ માટે સમગ્ર તંત્રને સતત કાર્યરત રાખવાની છે.

તેમણે જણાવ્યું કે ડિજિટલ અને ઓનલાઇન વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપથી અને પારદર્શક રીતે, સરળતાથી થાય તેવું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. તેમણે સુશાસન સપ્તાહ પ્રધાનમંત્રીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાય છે અને છેવાડાના માનવી સુધી મળવાપાત્ર અધિકારો લાભના રૂપમાં પહોંચાડવામાં આવે છે તેવી લાગણી વ્યક્ત કરતાં સુશાસનના પ્રણેતા તરીકે પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન સ્વ.અટલજી ને આદર અંજલિ આપી હતી. અમે અસહાયને આત્મ નિર્ભર બનાવી રહ્યાં છે તેવી લાગણી વ્યક્ત કરતા કાયદા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાંની જોગવાઇ નાબૂદ કરવામાં આવી છે અને મહેસુલી કાયદાઓને સરળ બનાવી ગરીબ ગણોતિયા અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગરીબ ફેરિયાઓને આ સરકાર રૂ.૧૦/૨૦ હજારની ધિરાણ સહાય આપી રહી છે અને ભિક્ષુકોને રોજીરોટી આપવાની દેશમાં પહેલ કરી છે.

તેમણે સૂચક રીતે જણાવ્યું કે અધિકારીઓને લોકોના કામ કરવા છે, તેમનામાં ભાવના છે પરંતુ જ્યારે તંત્રમાં ક્યાંક ઢીલાશ વર્તાય છે ત્યારે સ્ક્રુ ટાઇટ કરવો પડે છે. સુશાસનની વ્યાખ્યા કરતાં તેમણે જણાવ્યું કે પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઈની દખલ વગર લોકોને સીધો લાભ મળે એ જ સુશાસન. તેમણે આ કાર્યક્રમ ના આયોજન માટે તમામ સંબંધિત તંત્રોને બિરદાવ્યા હતા.

ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર પાલિકા વિસ્તાર, જિલ્લાની ચાર નગર પાલિકાઓ અને વુડા વિસ્તારના લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના,આવાસ યોજનાઓ,નેશનલ અર્બન લાઇવલી હૂડ મિશનની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ રૂ.૪૫૮.૯૦ લાખના લાભો અને વિકાસલક્ષી ખાતમુહુર્ત/લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

સુશાસન સપ્તાહના ૭ દિવસમાં કરોડોના વિકાસકામોનો લોકોને લાભ થશે તેવી જાણકારી આપતા મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત હેઠળ લોકોને યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે એ સુશાસન છે. ૩૦૦ જેટલી રાત્રી ગ્રામસભાઓમાં અધિકારીઓએ પ્રજાની આશા અપેક્ષાઓની નોંધ લીધી છે. સેવા સેતુ દ્વારા યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવામાં આવી રહ્યો છે. સુશાસનનું પ્રણેતા રાજ્ય ગુજરાત છે જ્યાં નીતિ અને કાયદાઓ ઘડવાની સાથે ધરાતલ પર તેનો અમલ કરવામાં આવે છે. ગઈકાલે જ જે યોજનામાં જરૂર ના હોય તો એફિડેવિટ ન લેવું તેવો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરણાથી બાળકના જન્મની સાથે જ આધારકાર્ડ બને અને જન્મથી મરણ સુધીની વિગતોનું સિંગલ પોર્ટલ બને તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે સુશાસનના પ્રણેતા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ.અટલજીને યાદ કરતાં તેમને આદર આપવા ઉજવાતા સુશાસન દિવસ અને સપ્તાહની ભૂમિકા આપી હતી.

પૂર્વ પ્રધાનમંત્રી અને સુશાસન ના પ્રણેતા  સ્વ.અટલ બિહારી વાજપેયીજી ને આદર અંજલિ આપવા સુશાસન દિવસ અને સપ્તાહ ઉજવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે રાજ્યની ૪૮ ટકા વસ્તી શહેરોમાં વસે છે જેને અનુલક્ષીને તેમની સુખસુવિધાઓનું આયોજન કરવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારમાં વસતા શહેરી ફેરિયાઓને પણ પ્રધાનમંત્રી સહાયતા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments