Homeગુર્જર નગરીવડોદરા: સયાજી હોસ્પિટલમાં ઈમેજ ઇન્ટેન્સિફાયરની મદદથી હવે હાડકાની ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એક્સ-રે...

વડોદરા: સયાજી હોસ્પિટલમાં ઈમેજ ઇન્ટેન્સિફાયરની મદદથી હવે હાડકાની ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એક્સ-રે લઈ શકાશે…

Team Chabuk-Gujarat Desk: ઉત્તમ કર્તવ્યશીલતાનો દાખલો બેસાડતા અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સીમાબેન મોહિલે મધ્ય ગુજરાતની સહુથી મોટી અને હજ્જારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્ય રક્ષાના પહેરેદાર સમાન સયાજી હોસ્પિટલના ડેન્ટલ, ઓર્થો અને એનેસ્થેસિયા વિભાગોને સારવારની સુવિધા અને સુસજ્જતા વધારતા તબીબી સાધનોની ધારાસભ્ય અનુદાનમાંથી ફાળવણી કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલ ગુરુવારના રોજ આ તબીબી સાધન સહાયતા લોકાર્પિત કરશે.

advertisement-1

તેના પગલે દર્દીઓની સારવારમાં સરળતા વધશે તેનો આનંદ વ્યક્ત કરતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આ સાધન સખાવતથી ટીમ સયાજી પ્રોત્સાહિત થઈ છે અને અમે દર્દીઓની સારવારમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તેની તકેદારી લઈશું. સાતમી ઓકટોબરે આ સાધન સહાયનું લોકાર્પણ થશે.

advertisement-1

તેમણે જણાવ્યું કે, સીમાબેનના ધારાસભ્ય અનુદાનમાંથી સયાજીના ડેન્ટલ વિભાગને એક સાથે ચાર નવી ઓટોમેટિક ડેન્ટલ ચેર મળી છે, જે હોસ્પિટલના ઇતિહાસની પ્રથમ ઘટના છે. હાલમાં વિભાગ પાસે જૂની સાત ચેર ઉપલબ્ધ છે અને આ સખાવતના પગલે તેની સંખ્યા વધીને ૧૧ થતાં હવે ઉપલબ્ધ તબીબો પ્રમાણે ચેરની સગવડ થઈ છે જેથી દર્દીઓને ઝડપ થી અપોઈન્ટમેંટ આપી શકાશે અને રાહ જોવાનો સમય ઘટશે.

advertisement-1

તેનાથી અદ્યતન દંત ચિકિત્સાની વિભાગની ક્ષમતા વધી છે અને દર્દીઓને ત્વરિત અને ઝડપી સારવાર મળશે. આ ડેન્ટલ ચેર દંત રોગીઓની સાથે જડબાના મ્યુકોરમાયકોસિસના રોગીઓની અને મોઢાના કેન્સરના રોગીઓની સારવાર તેમજ ડેન્ટલ પ્રોસિજરમાં ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ડેન્ટલ ઓપીડી, દાંત, મોઢા અને જડબાના રોગોના પરિક્ષણ, નિદાન, સારવાર અને દાંતમાં ચાંદી પૂરવી, સિમેન્ટ ભરવી, રૂટ કેનાલ, મોઢા અને જડબાની સારવારમાં તેની ચાવીરૂપ અગત્યતા છે.

advertisement-1

સયાજીના ઇ.એન.ટી.વિભાગની સાથે ડેન્ટલ વિભાગે જડબાના મ્યુકરની સારવાર અને શસ્ત્રક્રિયામાં અગત્યનું યોગદાન આપ્યું છે અને સારવારથી જડબામાં થયેલા પોલાણને પૂરવા ૫૦ થી વધુ દર્દીઓ માટે ઓબ્યુરેટર બનાવ્યા છે અને હજુ વધુ બનાવવામાં આવી રહ્યાં છે.

advertisement-1

સયાજી હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં દરરોજ નાની મોટી ૩૦ થી ૪૦ હાડકાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે જેમાં ઈમેજ ઈન્ટેનસિફાયર યંત્ર ખૂબ ઉપયોગી છે. આ યંત્રની મદદથી ચાલુ શસ્ત્રક્રિયા દરમિયાન એક્ષરે સરળતાથી લઇ શકાય છે અને તેની મદદ થી ફ્રેકચરમાં સળિયા/ પ્લેટ ખૂબ ચોકસાઈથી ગોઠવી શકાય છે. હાલમાં દર્દી સંખ્યા આધારિત જરૂરિયાતના પ્રમાણમાં તેની ઓછી ઉપલબ્ધિની ખોટ પૂરવામાં ધારાસભ્યશ્રીની આ સખાવત ખૂબ ઉપયોગી બની રહેશે. કોવિડ પોઝિટિવ હાડકાના દર્દીઓની શસ્ત્રક્રિયામાં તે ઉપયોગી બની રહેશે.

advertisement-1

ધારાસભ્યની  તબીબી સાધન સખાવતમાં એનેસ્થેસિયા વિભાગ માટે મલ્ટીપેરા મોનીટર વિથ Etco 2 નો સમાવેશ થાય છે. આ સાધન કોવિડના દર્દીઓ અને અન્ય દર્દીઓની સારવારમાં ખૂબ ઉપયોગી છે અને તેની મદદથી ઓપરેશન પછી અને ઓપરેશન દરમિયાન દર્દીઓના હૃદય અને ફેફસાંની ગતિવિધિઓ પર સચોટ નજર રાખી શકાય છે.

advertisement-1

આ તમામ સાધનોનું તા.૭મી ઓકટોબરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય, સાંસદ અને મહાનુભાવો દર્દી સેવામાં લોકાર્પણ કરશે. ડો.ઐયરે જણાવ્યું કે સીમાબેન ના ધારાસભ્ય અનુદાન હેઠળ અંદાજે રૂ.૨૨ લાખના મૂલ્યની મળેલી આ તબીબી સાધન સુવિધાથી સયાજી હોસ્પિટલની કોવિડ અને નોન કોવિડ સારવાર અને શસ્ત્રક્રિયા ની સજ્જતા વધવાની છે અને મોટી સંખ્યામાં અહીં આવતા દર્દીઓ માટે આ સાધનો ખૂબ ઉપકારક બની રહેશે. તેમણે આ સ્તુત્ય દર્દી સેવા કાર્ય માટે ધારાસભ્યશ્રી ને ધન્યવાદ પાઠવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments