Homeગુર્જર નગરીવલસાડ: વિફરેલો આખલો બે દિવસ વાવાઝોડાની જેમ માથે ભમતો રહ્યો, કૂતરો, ગાય,...

વલસાડ: વિફરેલો આખલો બે દિવસ વાવાઝોડાની જેમ માથે ભમતો રહ્યો, કૂતરો, ગાય, માણસો કોઈને ન છોડ્યા

Team Chabuk-Gujarat Desk: આજે સવારમાં એક સ્ટોરી અપલોડ કરી.  માધ્યમો દ્વારા માહિતી મળી કે એ પોરબંદરના ઈશ્વરીયા ગામની છે, પણ ચાબુકના હિતેચ્છુ એવા એક ભાઈએ કહ્યું કે, અમારા ગામની તો નથી. તો પછી થેન્ક યૂ, જે ગામની હોય એની! હવે જઈએ વલસાડ બાજુ. અને આ સાંઢીયો તો વલસાડનો જ છે હોં કે. ગામ આખું માથે લીધું હતું. એક એકને ભયભીત કરી મૂક્યા હતા. લોકોના વાહનોનો કચ્ચરઘાણ બોલાવી નાખ્યો હતો. ધરતીને ધબધબ કરતી ખૂંદી નાખી હતી. ગાયોને રસ્તા વચ્ચારે ભગાડી હતી. શ્વાનને પણ નથી છોડ્યા. સાંઢનો આવો બધો સનેપાત!

advertisement-1

આ સમગ્ર ઘટના બની છે વલસાડ જિલ્લાના હનુમાન ભાગડા ગામમાં. જ્યાં આખલાએ રીતસરનું ગામ માથે લીધું હતું. આ કંઈ આજકાલનું નથી. બે દિવસથી આખલો લોકોને રંઝાડી રહ્યો હતો અને પોતાના અલમસ્ત શરીર અને શિંગડાનો જવાબ આપવા થનગની રહ્યો હતો. સમગ્ર વિસ્તારને બાનમાં લીધું પણ આખરે અગ્નિવીર ગૌ સેવાની ટીમે તેને પકડી પાડ્યો.

advertisement-1

જોકે ત્યાં સુધીમાં આખલો ઘણું ધનોતપનોત કાઢી ચૂક્યો હતો. રસ્તામાં રહેલી એક સફેદ કલરની એક્ટિવાને તેણે ટક્કર મારી જમીનદોસ્ત કરી દીધી હતી. એક ભાઈ દોરડું લઈ તેને તાબે કરવા માટે કસરત કરી રહ્યા હતા, તો તેની પાછળ પણ પડ્યો હતો. એક બીચારું શ્વાન પાણીમાંથી ઉપર આવ્યું તો સામે જ સાંઢીયાદાદાને જોઈ પાછું પાણીમાં ખાબક્યું! રણે ચડેલા આ શૂરાને જોઈને ગાય અને વાછરડા પણ હનુમાન ભાગડા ગામની આસપાસના વિસ્તારમાં ભાગમભાગ કરી રહ્યા હતા.

advertisement-1

આખરે ગામના સરપંચ શ્રી દ્વારા તોફાની આખલાને તાબે કરવા માટે ડિઝાસ્ટરના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે અહીં પણ માણસો મોકલવાની વાત થઈ હતી પણ માણસો કલાકો સુધી ફરક્યાં સુદ્ધાં નહોતા. બીજી બાજુ ગામના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, કારણ કે જ્યાં સુધી આ ભીમકાય આખલો આંટાફેરા મારતો રહે ત્યાં સુધી બહાર પણ કેમ જવું? બીજી બાજુ ઘટના અંગેની માહિતી વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટૂકડીને મળી હતી. આ ટીમે રણે ચડેલા આ વાવાઝોડાને શાંત પાડી તેના માથાના ભાગે દોરડાઓ પરોવી, તાબે કરી, ગ્રામ્યજનોને હાશકારાનો ઘૂંટડો પાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments