વલસાડમાં એક અજીબ કિસ્સો બન્યો. અહીં લગ્નના મંડપમાં બેસેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેથી તેને સાસરે જવાના બાદલે આઈસોલેટ થવું પડ્યું. લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને વર-કન્યા સહિત જાનૈયા અને માનૈયાઓના ટેસ્ટ કર્યા હતા.
રિપોર્ટમાં હાજર લોકોમાંથી માત્ર કન્યાનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ કન્યા અને તેના સંપર્કમાં આવેલા લોકો ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. થોડા દિવસ પહેલાં દુલ્હન મુંબઈ ખરીદી કરવા માટે ગઈ હતી. ખરીદી કરીને આવી પછી કન્યા લગ્નના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
આરોગ્ય વિભાગને જાણ થઈ કે યુવતી મુબઈથી પરત ફરી છે એટલે ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી. જ્યાં જાણ થઈ હતી કે યુવતીના લગ્ન છે જેને લઈને તમામ લોકોના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટમાં ખુદ કન્યા જ કોરોના સંક્રમિત નીકળી હતી. જાન મુંબઈથી આવી હતી.
300 જાનૈયાને દંડ
વલસાડનું તંત્ર કોરોનાને રોકવા સતત કાર્યશીલ છે. આ પહેલાં વલસાડના પારડીમાં પણ જાનૈયાઓને દંડ ફટકારાયો હતો. અહીં અમદાવાદથી 400 લોકો જાનમાં આવ્યા હતા. માત્ર 100 લોકોની મંજૂરી હોવા છતાં 400 લોકો જાનમાં સામેલ થતાં કુલ 300 લોકોને તંત્રએ દંડ ફટકાર્યો હતો.
સ્થળ પર જ દંડ
વલસાડ જિલ્લામાં અત્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરાયો છે. જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં રાખવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં સામાજિક અંતરના ભંગ બદલ અને માસ્ક નહીં પહેરનાર બેદરકાર લોકોની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. બેદરકારી બદલ લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચુકી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે, માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો.
ગરબે ઘૂમ્યા રાદડિયા
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જ બેદરકાર બન્યા. જયેશ રાદડિયાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ગરબે ઘૂમી રહ્યા છે. એ પણ માસ્ક વિના. દાવો કરાયો છે કે, જયેશ રાદડિયાના મિત્રની દીકરીના લગ્નનો આ વીડિયો છે. સાસણ ગીરના વિશાલ ગ્રીનવુડના આ દૃશ્યો છે. જયેશ રાદડિયાના વાયરલ વીડિયો બાદ સવાલ ઉઠ્યા છે કે હવે તેમની સામે કાર્યવાહી થશે કે કેમ ? જો સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલાતો હોય તો જયેશ રાદડિયા પાસેથી પણ દંડ વસૂલ કરવો જોઈએ.
ગેની બહેને પણ તોડ્યો હતો નિયમ
તાજેતરમાં બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ માસ્ક વિના દેખાયા હતા. વાવના ઢીમામાં કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં તેમની બેદરકારી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નિયમ તોડવામાં ગેની બહેનનો સાથ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને સ્નેહમિલનમાં હાજર કેટલાક કાર્યકર્તાઓએ પણ આપ્યો હતો.
કોરોનાની વેક્સિન નથી ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. એટલે જ તંત્ર લોકોને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં મુંબઈમાં પણ કડક નિર્ણય લેવાયો છે. અહીં કોઈ માસ્ક વિના પકડાય તો તેને રસ્તાની સફાઈ કરાવાઈ રહી છે. સાથે જ 200 રૂપિયાનો દંડ પણ લેવાઈ રહ્યો છે.
દિલ્હીમાં 2 હજારની પાવતી ફાટે છે
દિલ્હીમાં પણ સંક્રમણ વધુ છે. અહીં દિલ્હી-નોઈડા પર તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. અને માસ્ક વિનાના લોકોને સ્થળ પર જ 2 હજાર રૂપિયાની પાવતી આપી દેવામાં આવે છે.
દિવમાં 500 દંડ
પ્રવાસન સ્થળ દીવમાં પણ માસ્ક ન પહેરવાનો દંડ 4 ગણો વધારી દેવાયો છે. અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે.
માસ્ક નહીં તો જેલ
મધ્યપ્રદેશમાં વધતા કોરોનાસૂરને નાથવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માસ્ક નહીં પહેરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. અહીં માસ્ક વિના કોઈ પકડાશે તો તેને જેલની સજા થશે. આ સિવાય હોમ આઈસોલેટ થનારાઓને હવે જાતે જ આઈસોલેટનું બોર્ડ લગાવવું પડશે.
બેમાંથી એક વિકલ્પ પસંદ કરો
મધ્યપ્રદેશ સિવાય હિમાચલ પ્રદેશના સીરમૌરમાં પણ SPએ કડક આદેશ કર્યો છે કે, જે લોકો માસ્ક ન પહેરે તેમની ધરપકડ કરવામાં આવે અને જેલમાં નાખવામાં આવે. હવે સીરમૌરમાં માસ્ક વિના રખડતા લોકોની વોરન્ટ વિના પણ ધરપકડ કરવામાં આવશે. અહીં 8 દિવસની જેલ અથવા 5000 રૂપિયા દંડ બેમાંથી એક વિકલ્પ માસ્ક વિહાણાઓએ પસંદ કરવાનો છે.
તો સ્થિતિ કાબુમાં હોત
તાજેતરમાં માસ્ક મુદ્દે એક સંશોધન સામે આવી ચુક્યું છે. જેમાં કહેવાયુ છે કે કોરોના સામેની લડાઈમાં માસ્ક એ જ સૌથી મોટો વિકલ્પ છે. 70 ટકા લોકોએ માસ્ક પહેર્યું હોત તો સ્થિતિ બેકાબુ ન બની હોત. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કહીં ચુક્યુ છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો. થોડા સમય પહેલાં WHOએ કહ્યું હતું કે, જો 95 ટકા માસ્કનો ઉપયોગ થાય તો બીજા લોકડાઉનની જરૂરિયાત નહીં પડે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત