Homeદે ઘુમા કેઈંગ્લેન્ડ સામેના વિજય પછી સૌરવ જર્સી ઉતારીને બોલી શું રહ્યો હતો ?

ઈંગ્લેન્ડ સામેના વિજય પછી સૌરવ જર્સી ઉતારીને બોલી શું રહ્યો હતો ?

એ પડકારભર્યો સમય હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના આંગણે આવી હતી. સૌથી મજબૂત ટીમ. જેનો વિજયરથ અટકાવવો સરળ નહોતો. એ ટીમ સતત 15 ટેસ્ટ જીતી ચૂકી હતી. સામે સૌરવ ગાંગુલી પાસે અનિલ કુંબલે સિવાય સ્પિનરમાં કોઈ વિકલ્પ નહોતો. અનિલ કુંબલે ઘાયલ થઈ ગયો. ખભાના ઓપરેશન માટે તેને જવું પડ્યું, સૌરવ ગાંગુલી અનિલ કુંબલેની ગેરહાજરી વિશે કહે છે કે, ‘અનિલ કુંબલે મેદાનમાં જ નહીં ડ્રેસિંગ રૂમમાં ઉપસ્થિત હોય તો પણ ટીમમાં આત્મવિશ્વાસનો સંચાર થઈ જાય છે.’ એ વખતે અનિલ કુંબલેની જગ્યાએ હરભજન સિંહ ઉતર્યો. સૌરવની રણનીતિ સફળ રહી.

સૌરવ ગાંગુલી કુંબલે સિવાય લક્ષ્મણને યાદ કરતાં કહે છે કે, ‘મેં ભારતીય બેટ્સમેનો દ્વારા રમવામાં આવેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ કોઈ જોય હોય તો તે લક્ષ્મણના 281 છે. શેન વોર્નની એક-એક ઓવરમાં મિડવિકેટ ઉપરથી મેં સતત કોઈને ચોગ્ગા ફટકારતા નથી જોયો.’

વોર્ને એ વખતે 34 ઓવર ફેંકેલી અને 153 રન આપી દીધેલા. વિકેટ માત્ર એક જ મળી હતી. વોર્નનો સિતારો બુલંદી પર હતો ત્યારે આ ઘટના બની હતી. જે તેની કારકિર્દી માટે કલંક રૂપ અને ઉપહાસ સર્જનારું હતું.

વિદેશમાં રમવા માટે સૌરવ ગાંગુલીનું શું માનવું છે ? ભારતની ટીમને ગઈકાલે જ ઓસ્ટ્રેલિયા સામે સીડનીના મેદાનમાં પરાજય વહોરવો પડ્યો. તેની જગ્યાએ સૌરવ ગાંગુલી કહે છે કે, ‘મેં મારા પસંદગીકારોને કહીને રાખ્યું હતું કે, સારા ફાસ્ટ બોલર્સ શોધો. બેટ્સમેન તો છે જ.’ શ્રીનાથ સિવાય સૌરવને કોઈ પણ બોલર પર વિશ્વાસ નહોતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની વાત છે. ગાંગુલીએ મેદાનમાં આવી પીચ વિશેની માહિતી લીધી. ડ્રેસિંગરૂમમાં આવી અને અનિલ કુંબલને કહી દીધું, આજે તારે નથી રમવાનું. કુંબલે ગાંગુલીના મોઢે જ્યારે જ્યારે આ વાત સાંભળતો ત્યારે ત્યારે હક્કો બક્કો રહી જતો. તેણે વાત માની લીધી. કુંબલેને એમ હતું કે, મારા વિના ટીમને પરાજય સહન કરવાનો વારો આવશે. નહેરાને ફાસ્ટ બોલર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો. અને તેણે કમાલ કરી બતાવી. એ વિકેટ લેતો ગયો અને ભારતની ટીમ મેચ જીતી ગઈ. કુંબલેને મજા આવી કે સૌરવનો નિર્ણય યોગ્ય હતો.

ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂઝિલેન્ડ ભારતની ટીમ સતત સ્પીનરોને રમાડતી ગઈ. એ એક પ્રકારનો ઢાંચો હતો. વિરોધી ટીમ આ રણનીતિ પહેલાથી જ સમજી જતી હતી. વર્ષોથી તેઓ માનતા હતાં કે ભારતની ટીમ આ રીતે જ મેદાનમાં ઉતરશે. ભારતની ટીમ મેદાનમાં ઉતરતી અને હોમ ગ્રાઊન્ડની ટીમ સુકાયેલી પીચ પસંદ કરતી. સ્પીનરોની પીદુડી લઈ નાખતી.

સૌરવ ગાંગુલીએ આ રણનીતિમાં બદલાવ લાવ્યો. તેણે પસંદગીકારો અને અધ્યક્ષને જણાવ્યું કે ‘ઉપમહાદ્રીપમાં જ્યારે પણ ટીમ રમવા જાય છે તો સ્પીનરોની સંખ્યા વધારે રહેશે, કારણ કે ત્યાં પીચ ભીની હોય છે. જ્યારે તેના સિવાયના દેશોમાં રમવાની વાત આવે ત્યારે ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સે તમામ વીસ વિકેટો લેવી પડશે. આ સિવાય કોઈ ઉપાય નથી.’

અત્યાર સુધી ચાલી આવતી આ રમતને સૌરવ ગાંગુલીએ ‘રોમાન્સ’નું તખલ્લુસ આપ્યું છે, કે આપણે તો બસ રોમાન્સ જ કરતા રહ્યા.

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મુંબઈમાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં ટીમના પસંદગીકર્તાઓ હરભજન સિંહની જગ્યાએ સંદીપ સિંહને રમાડવા માટે બેબાકળા થયા હતા. સૌરવ ગાંગુલીએ આ વાતનો વિરોધ વ્યક્ત કર્યો અને ફરજિયાત હરભજન સિંહને લીધો. કારણ આપતા જણાવ્યું કે, ‘એ ખેલાડીમાં સ્પાર્ક છે.’

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વખતે પસંદગીકારોએ સૌરવને કહ્યું કે, ‘આ વખતે સહેવાગ નહીં રમે, કારણ કે પીચ ઉછાળ ભરેલી અને ફાસ્ટ છે.’ સૌરવે ફરી વિરોધ કર્યો. તેની મનમાની આગળ પસંદગીકર્તાઓને નમવું પડ્યું. દક્ષિણ આફ્રિકામાં જો સહેવાગનું પ્રદર્શન સારું ન હોત તો પસંદગીકર્તાઓએ તૈયારી કરી રાખી હતી કે, દોષનો સમગ્ર ટોપલો સૌરવની માથે ઢોળી દેવામાં આવે. તેની જગ્યાએ સહેવાગે દક્ષિણ આફ્રિકાની ટીમના છોતરા ઉડાવીને રાખી દીધા.

નવા પ્લેયર્સ વિશે સૌરવ ગાંગુલીનું સ્પષ્ટ માનવું છે કે, ‘હું યુવા ખેલાડીઓને જોખમમાં મૂકું છું. જે ખેલાડીઓમાં દમ હોય તે પાણીમાં તળીયેથી ઉપર આવી જાય અને દરેક મુશ્કેલીનો સામનો કરે. જેવી રીતે હરભજન અને સહેવાગ.’

હેડિંગ્લેમાં ટોસ જીત્યા પછી સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડની ટીમને બેટીંગ માટે આમંત્રણ આપ્યું. મેદાનમાં ઉપસ્થિત અને ખૂદ ટોસ ઉછળતો જોતા ઈયાન બોથમ પણ વિચારતા થઈ ગયા, કારણ કે આવી પીચમાં બહારથી આવેલી મહેમાન ટીમો હંમેશાં બેટીંગને પ્રાથમિકતા આપતી હોય છે. આમ કરવાનો અર્થ પોતાનું ઢીંઢુ ખુલ્લું રાખીને પાછળ લાલ કલરનો દુપટ્ટો લગાવીને સાંઢને કહેવું, આવો અને ખુશી ખુશી મારો.

સૌરવનું માનવું છે કે, ‘તમારું માઈન્ડ સેટ હોય તો પછી પહેલો દાવ આવે કે છેલ્લો આવે. તમારે તો રમવાનું અને વિરોધી ને હરાવવાના જ છે. તેમાં પીચ કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી ભજવતી.’

સૌરવે મેદાનમાં આક્રમક રણનીતિ અપનાવી. 2001ની ઈડન ગાર્ડનની મેચથી તેનો આરંભ થયો. જો ટીમ મેચ જીતે છે અને તેમાં યુવા ખેલાડીઓની મહત્વની ભૂમિકા હોય છે, તો તેમને પુરષ્કૃત કરવામાં આવતા. તેમને શાબાશી આપવામાં આવતી હતી. આમ કરવાથી તેમનામાં જોશનો સંચાર થતો હતો. આગામી મેચમાં સારું પ્રદર્શન કરતા હતા. ટીમ મેચ જીતે પછી સૌરવ મેદાનમાં કોમેન્ટેટર પાસે જઈ યુવા ખેલાડીઓને જીતના હકદાર ગણાવતો, તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધતો. આ રીતે જ સહેવાગ, હરભજન, કૈફ, યુવરાજ અને પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓને તે આગળ લાવ્યો.

શ્રીલંકામાં યોજાયેલી ટેસ્ટ શ્રેણી ભારત 2-1થી હારી ગયું. કેન્ડીના મેદાનમાં સૌરવ ગાંગુલીના 98 અને દ્રવિડના 65 રનની મદદથી એક ટેસ્ટ મેચ જીતી. આલોચકો અને ટીમ મેનેજમેન્ટે પણ સૌરવ પર હારનું ઠીકરું ફોડ્યું. જોકે એ મેચની ખાસિયત એ હતી કે, ભારતની ટીમમાં સચિન, શ્રીનાથ, કુંબલે અને લક્ષ્મણમાંથી કોઈ ખેલાડી હતા જ નહીં.

સૌરવને સ્ટીવ વો સિવાય એ સમયે અંગ્રેજ ટીમના કેપ્ટન નાસિર હુસૈને પણ ખાસ્સો પ્રભાવિત કર્યો હતો. નાસિર હુસૈને એક રણનીતિ બનાવી હતી. પોતાના બોલરો જ્યારે ભારતીય ટીમના બેટ્સમેનોને આઉટ ન કરી શકે અને વધારે રન થવા લાગે, ત્યારે ભારતના દર્શકો જોશમાં આવી જાય છે. આ હલ્લા-ગુલ્લામાં એમને આઉટ નથી કરી શકાતા. જેથી મેદાન બહારના દર્શકોને કાબુમાં રાખવાની તેણે એક રણનીતિ તૈયાર કરી.

નાસિર હુસૈને સેટ કર્યું હતું કે, પહેલાની ઈંગ્લેન્ડની ટીમ ખૂબ આક્રામક બોલિંગ કરતી હતી. જેથી બેટ્સમેન આઉટ ન થાય તો કંઈ વાંધો નહીં, રન પણ ન બનાવી શકવા જોઈએ. આ સાથે જ ફિલ્ડીંગ યોગ્ય રીતે સેટ કરી હોય અને રન ન બને તો દર્શકોમાં પણ જોશ ન આવે. આ જ રણનીતિ બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પણ ભારતમાં રમતી વખતે અખત્યાર કરી હતી. એક સીધી રણનીતિ કે આઉટ ન થાય તો કંઈ નહીં પણ રન ન બને તો બેટ્સમેન હતાશ થઈ જાય. કુંઠિત થઈ જાય. ખૂદને દોષ દેવા માંડે. બેટ પર હાથ પછાડવા લાગે.

નેટવેસ્ટની સિરીઝમાં નાસિર હુસૈને કૈફને ગંદા શબ્દો કહ્યા. કૈફે ટીમના અન્ય સભ્યોને કહ્યું. કોલંબોમાં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ આવી અને નાસિર બેટીંગમાં હતો ત્યારે ભારતની ટીમના ખેલાડીઓએ તેના વિશે કટાક્ષ કરી કૈફનો બદલો લઈ લીધો. એ વખતે પ્રેશરમાં આવી જતા નાસિર હુસૈન નહેરાની બોલમાં એક રનમાં જ પવેલિયન પરત ફરી ગયો. ત્યારે ઈંગ્લેન્ડની ટીમે 269 રનનું લક્ષ્ય આપ્યું હતું. સહેવાગ અને સૌરવ મેદાનમાં ઉતર્યા અને બંનેએ સેન્ચુરી ફટાકારી બદલો લીધો.

આ મેચ પછી સૌરવના રૂમમાં આવતા નાસિર હુસૈને તેની સાથે હળવાશની પળો માણી. સૌરવે તેને પોતાની શર્ટ સાઈન કરીને આપી. શર્ટ ઉતારતા સમયે નાસિરે બસ એટલું જ કહ્યું કે, ‘હું એ ક્ષણ કોઈ દિવસ નહીં ભૂલું સૌરવ જ્યારે તે લોર્ડ્સમાં શર્ટ ઉતાર્યો હતો.’

એક ઈન્ટરવ્યૂમાં પત્રકારે સૌરવને પૂછેલું કે, ‘તમે એ વખતે જર્સી ઉતારીને બોલી શું રહ્યા હતા ? શું તમે ગાળો દઈ રહ્યા હતા ? ધમકાવી રહ્યા હતા ?’

જવાબમાં સૌરવે હસતાં હસતાં કહ્યું, ‘મારું ભારત મહાન.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments