Homeગુર્જર નગરીજે આંગણે માંડવો રોપાયો હતો તે આંગણેથી જ મૈયત ઉઠી, પીઠીનાં દિવસે...

જે આંગણે માંડવો રોપાયો હતો તે આંગણેથી જ મૈયત ઉઠી, પીઠીનાં દિવસે જ કોરોના વોરિયર નર્સનું નિધન

Team Chabuk-Gujarat Desk:  ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. હવે તો સ્મશાનોની ચીમની પણ જવાબ આપી રહી છે. સામાન્ય નાગરિકોની સાથે આપણાં કોરોના વોરિયર્સ પણ આ રાક્ષસની ઝપેટમાં આવી રહ્યા છે.

વલસાડના વાપીના મોટાપોંઢા ગામની કોરોના વોરિયર મનીષા પટેલ નામની નર્સ કોરોના સામેના જંગમાં જીતી ન શકી. લગ્નના બે દિવસ પહેલાં જ નર્સ કોરોના સામેની લડતમાં હારી ગઈ. કોરોના વોરિયરની અણધારી વિદાયથી બે પરિવાર પર આભ ફાટ્યું છે. જે નર્સે હોસ્પિટલમાં દમ તોડ્યો છે તેના 23મી એપ્રિલે જ લગ્ન હતા. જે દિવસે તેણે અંતિમ શ્વાસ લીધા તે દિવસે તેની પીઠી હતી.

લગ્ન નિર્ધારિત હતા. તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે કોરોના નામનો અસૂર એક સાથે તેમના જીવનની બધી ખુશી છીનવી લેશે. હવે જે ઘરના આંગણામાં મંડપ રોપાવાનો હતો તે ઘરના આંગણે માતમ છવાયો છે.

છેલ્લા બે દિવસથી તે વેન્ટીલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. વલસાડ-વાપીની હોસ્પિટલમાં બેડ ન મળતા આખરે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. વધુ તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલના તબીબ પણ નિઃસહાય બન્યા હતા. નર્સનો શ્વાસ રુંધાતા જોઈને તબીબો પણ ભાવુક થયા હતા.

મનીષાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યારે તેની હાલત ખુબજ નાજૂક હતી. ન્યુમોનિયા થઈ ગયો હોવાથી તેની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. આ ઉપરાંત તેનુ ઓક્સિજન લેવલ પણ ખુબ ડાઉન થઈ ગયું હતું. જેથી તેને તાત્કાલિક પહેલાં ઓક્સિજન પર રાખવામાં આવી હતી. તબિયત વધુ લથડતાં તેને વેન્ટીલેટર પર શિફ્ટ કરાઈ હતી. તમામ પ્રયત્નો કરવા છતાં મનીષા કોરોના સામેનો જંગ હારી ગઈ. આમ, ટૂંકી સારવાર બાદ જ મનીષાનું નિધન થયું હતું. મનીષાનું નિધન થતાં બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મનીષાએ નર્સિંગનો કોર્સ કર્યો હતો અને તે વાપીની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચુકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments