Homeગુર્જર નગરી"તંત્ર તરફથી ઓક્સિજનનો પુરતો જથ્થો નથી મળ્યો, દર્દીનું નિધન થાય તો જવાબદારી...

“તંત્ર તરફથી ઓક્સિજનનો પુરતો જથ્થો નથી મળ્યો, દર્દીનું નિધન થાય તો જવાબદારી અમારી નહીં”

Team Chabuk-Gujarat Desk: વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે..સ્થિતિ એવી છે કે, આગામી સમયમાં વાપીની હોસ્પિટલોમાં ઓક્સિજન પર નિર્ભર દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ભય ખુદ વાપીના તબીબોએ વ્યક્ત કર્યો છે. વાપીની અગ્રણી ખાનગી હોસ્પિટલના તબીબોના એક પ્રતિનિધિ મંડળની આજે એક બેઠક મળી હતી. બેઠક બાદ તેઓએ મીડિયા સમક્ષ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીની કડવી વાસ્તવિકતા રજૂ કરી હતી અને તંત્ર તરફથી પુરતાં પ્રમાણમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ન મળતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

તબીબોએ કહ્યું હતું કે, આગામી સમયમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઓક્સિજન વગર જે સ્થિતિ સર્જાશે તે કલ્પના બહાર હશે. મીડિયા સાથેની વાતમાં વાપીની હોસ્પિટલોના પ્રતિનિધિમંડળે એ પણ જણાવ્યું છે કે, જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તે દર્દીઓના સ્વજનોને પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે કે હોસ્પિટલમાં ઓક્સિજનનો અપૂરતો જથ્થો છે. આથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની હાલત દયનીય બની રહી છે.
એટલું જ નહીં તબીબોએ લેખિતમાં પરિવારજનોને જણાવ્યું છે કે, પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ન મળી રહ્યો હોવાથી તેમનાં સ્વજનની જાનહાનિ પણ થાય તો તેના માટે હોસ્પિટલો જવાબદાર નથી. હોસ્પિટલોએ હાથ ઉચા કરતાં પરિવારજનોના જીવ પણ તાળવે ચોંટ્યા છે.

વાપીની સંવેદના હોસ્પિટલના સંચાલક ડોકટર રાજીવ પાંડેની આગેવાનીમાં મળેલી બેઠકમાં નિરામયા હોસ્પિટલ, સીટી હોસ્પિટલ, 21 ફર્સ્ટ સેંચ્યુરી હોસ્પિટલ, શ્રદ્ધા હોસ્પિટલ સહિતની મોટી ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ હોસ્પિટલોએ મીડિયા સમક્ષ વાસ્તવિકતા રજૂ કરી હતી સાથે જ ઓક્સિજનનો જથ્થા માટે તંત્રને અપીલ પણ કરી હતી.

વાપીના અગ્રણી તબીબોના મતે વાપીની હોસ્પિટલોમાં ખુબ ઓછો ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે. આથી વાપીની મોટાભાગની હોસ્પિટલોમાં નવા દર્દીઓને દાખલ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવે તંત્ર વાપીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત મુદ્દે સર્જાયેલી આ ગંભીરતા મુદ્દે યોગ્યા પગલાં લે તે જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments